પંચમહાલના સાહિત્યકારો દ્વારા પદ્મશ્રી હેમંત ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ઉક્તિ પ્રમાણે જ્યાં પણ ગુજરાતીઓ વસે છે ત્યાં સમગ્ર વિશ્વમાં અત્યારે ગરબા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ગોધરામાં આ વરસે પદ્મશ્રી હેમંત ચૌહાણના સ્વરમાં રેલાતા પરંપરાગત ગરબાના તાલે નવરાત્રી ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. આ પ્રસંગે પંચમહાલના સાહિત્યકારો દ્વારા પદ્મશ્રી હેમંત ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિગતવાર માહિતી અનુસાર નવરાત્રી ગરબા મહોત્સવમાં ગોધરા ખાતે પધારેલા હેમંત ચૌહાણ હાલ કલાકારો, લેખકો, કવિઓ અને ગરબા પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. કલાકાર હેમંત ચૌહાણ ભજનિક અને માતાજીના ગરબા માટે વિશ્વપ્રસિદ્ધ ગાયક છે. પરંપરાગત, પ્રાચીન અને શક્તિની આરાધના કરતા સાચા ગરબા માટે આ કલાકાર જાણીતા છે. આ કલાકારનું સન્માન પંચમહાલના સાહિત્યકારો દ્વારા કરવામાં આવ્યું હતુ. જિલ્લા મથક ગોધરા સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનિક પદ્મશ્રી હેમંત ચૌહાણનું પંચમહાલના જાણીતા સર્જકો દ્વારા પુષ્પગુચ્છ, શાલ અને પુસ્તકો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રિય યુવા ગૌરવ પુરસ્કૃત સર્જક ડૉ રાજેશ વણકર, પરિવેશના સંપાદક વિનુ બામણિયા, બાળ સાહિત્યકાર બાબુ પટેલ ‘બીલે’ સર્જકબેલડી પ્રવીણ ખાંટ, રંજન ખાંટ, કૌશિક પટેલ ‘પ્રવાસી’, સતીષ ચૌહાણ, કૈયુમ પઠાણ, તેમજ નગરના મુસ્લિમ આગેવાનો લિયાકત પઠાણ અને ફારૂક અલીઠા ઉપસ્થિત રહ્યા હતા.
પદ્મશ્રી હેમંત ચૌહાણે ખુશી વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે આ વર્ષે હેમંત ભાઈને ભારત સરકારે પદ્મશ્રીથી પુરસ્કૃત કર્યા છે. તેઓનું કલાક્ષેત્રે વિશાળ પ્રદાન છે.ગુજરાતની જનતા તેમના ગરબાને ખૂબ ચાહે, માને છે.પૂજા અર્ચના કરે છે ત્યારે ગોધરા મોતીબાગ ગોધરા ખાતે હેમંતભાઈ ગોધરાને ગરબામય બનાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here