નર્મદા જીલ્લાના નિવાલ્દા ગામે ‘સૌને અન્ન, સૌને પોષણ’ અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો કાર્યક્રમ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સરકાર ની જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સઘન અને સુદ્રઢ બનાવવામાં નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કરતા પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવા

સરકાર દ્વારા અમલી પુરવઠા યોજનાની પારદર્શિતા અને લોક જાગૃતિ અર્થે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સમાંતર કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના અન્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા મંગળવારના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સમાંતર “સૌને અન્ન સૌને પોષણ” થીમ પર આધારિત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં નિવાલ્દા ગામે પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સરકાર ની આ યોજના અંગે નાગરિકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હંમેશાં ગરીબોની ચિંતા કરે છે. ગરીબોને વધુમાં વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે પ્રકારની યોજનાઓ બનાવી તેની અમલવારી કરી રહ્યા છે. ગરીબોને મહામારી જેવા સમયમાં વિનામૂલ્યે અનાજનો જથ્થો મળી રહે તે માટે સમગ્ર દેશમાં શરૂ કરેલી વિનામૂલ્યે અન્ન યોજના હજી બીજા પાંચ વર્ષ સુધી ચાલવાની છે. ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે રેશનકાર્ડધારકો આગળ આવે અને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી My Ration નામની એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથોસાથ બહેનો માટેની ઉજ્જવલા યોજના જે ખૂબજ અસરકારક હોય તેનો લાભ બહેનો લઈ રહી છે પરંતુ હજી પણ આ યોજનાથી બાકી રહી ગયેલી બહેનો-પરિવારો ઉજ્જવલા યોજના 2.0 થકી લાભ મેળવી સ્વાસ્થ્ય અને સમય બંનેની બચત કરી જીવનમાં બદલાવ લાવી શકે તેવું આહવાન કર્યું હતું.

વધુમાં આપણા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત ખેતી કરતા ખેડતોને સરકાર ના કૃષિરથના માધ્યમથી પરિવર્તન લાવી આજે ખેડૂતો નવી પદ્ધતિથી ખેતી કરતા થયા અને તેના કારણે આવક બમણી થઈ છે. વિવિધ ધાન્યો પકવી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક કૃષિ તપફ વળવા અને આપણા વિસ્તારમાં ઉપલબ્ધ હલકા ધાન્યોની ખેતી કરી વૈશ્વિક બજારમાં જેની માંગ છે તેવા હલકા ધાન્યો બંટી, બાજરો, નાગલી, મોરિયું વગેરેને વેચાણ અર્થે મૂકીને પોતાની આવકમાં વધારો કરી શકે તેના માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મધ્યસ્થી કરશે તેવી જાણકારી પણ ખેડૂતોને આપી હતી.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મદદનીશ નિયામક પ્રશાંત કુલકર્ણીએ વન નેશન વન રાશનકાર્ડ, ફોર્ટીફાઈડ ચોખા તથા ડબલ ફોર્ટીફાઈડ મીઠું, માય રાશન મોબાઈલ એપ્લિકેશન અંગે વિસ્તૃતમાં જાણકારી આપી હતી.

સ્થાનિક આદિવાસી આગેવાનો દ્વારા આદિવાસી બોલીમાં તમામ યોજનાઓ અંગેની માહિતી પુરી પાડી હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યોજનાઓની જાણકારી અંગેની ફિલ્મો પણ આલઈડી સ્ક્રીનના માધ્યમથી દર્શાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો નાગરિકો સુધી પોહંચાડ્યો હતો. આ તબક્કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાશનકાર્ડના લાભાર્થીઓ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, નિવાલ્દા ગામના સરપંચ શ્રીમતી રવિન્દ્રાબેન વસાવા, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી દક્ષાબેન વસાવા, નાયબ કલેક્ટર અને ઈચા. જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.ચૌધરી, દેડિયાપાડા પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા, નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ વસાવા, જિલ્લા પંચાયત આયુષ અધિકારી શ્રીમતી ડો.નેહાબેન પરમાર, દેડિયાપાડા મામલતદાર એસ.વી.વિરોલા સહિત અન્ય વિભાગના અધિકારીઓ, સંબંધિત વિભાગના કર્મીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here