નર્મદા જિલ્લાની ૭૮૧ જેટલી પ્રાથમિક શાળાઓના ધો-૩ થી ધો-૮ના ૫૮,૬૧૦ જેટલાં બાળકોને “હોમ લર્નિગ” અંતર્ગત ઘરઆંગણે ડી.ડી.ગિરનાર ન્યુઝ ચેનલ દ્વારા શિક્ષણ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમની સાથે નેટવર્ક વિહોણા ગામોમાં ઘરે ઘરે જઇને જિલ્લાના શિક્ષકોએ આદરેલો શિક્ષણયજ્ઞ

નર્મદા જિલ્લાના અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં કોરોનાના સમયે પણ શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત રાખતા નર્મદા જિલ્લાના શિક્ષકો

કોવીડ-૧૯ ની મહામારીના સમયમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટેનો શિક્ષણ વિભાગનો સ્તૃત્ય પ્રયાસ

કોરોના વાયરસની મહામારીમાં જ્યારે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, ત્યારે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્તૃત્ય પ્રયાસના ભાગરૂપે નર્મદા જિલ્લાની ૭૮૧ જેટલી શાળાઓનાં ધોરણ-૩ થી ધોરણ-૮ ના ૫૮૬૧૦ જેટલાં બાળકોને “હોમ લર્નિગ” થકી ડી.ડી. ગિરનાર ન્યુઝ ચેનલ, વંદે ગુજરાત, દિક્ષા પોર્ટલ પર ઘરે શીખીએ કાર્યક્રમ અંતર્ગત બાળકો ઘર આંગણે શિક્ષણ મેળવી રહ્યા છે. તેની સાથોસાથ ગરૂડેશ્વર તાલુકાના ગોરા (ન.પુ.વ) પ્રાથમિક શાળાના બાળકો સહિત જિલ્લાના અન્ય બાળકોને પણ ઘરેબેઠા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એન.ડી.પટેલના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં શિક્ષકો દ્વારા જિલ્લામાં આદરાયેલા શિક્ષણયજ્ઞ અંતર્ગત નર્મદા જિલ્લાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં નેટવર્ક વિહોણા બોરીદ્વા ગામ સહિત જિલ્લાના અન્ય ગામડામાં કોરોનાના સમયે પણ ઘરે જઇને શિક્ષણકાર્ય શિક્ષકો દ્વારા આપવામાં આવી રહ્યું છે. તેની સાથોસાથ નાંદોદ તાલુકાના વાઘેથા, તરોપા ગામ સહિત જિલ્લાના અન્ય ગામો-વિસ્તારોમાં ધો-૧ અને ધો.૨ ના વિદ્યાર્થીઓ પણ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુ થકી GCRTC દ્વારા સ્ટડી મટીરીયલ્સનો ઉપયોગ કરીને શિક્ષકો દ્વારા ફળીયામાં જઇને સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણીની સાથે શિક્ષણ પીરસવામાં આવી રહ્યું છે. શિક્ષણ કાર્યની સાથે શિક્ષકો દ્વારા વાલીઓને ફોન કરવાં, પ્રશ્નો પુછવા તેમજ ધો-૬ અને ધો-૯ માં આવેલ બાળક હાલ ક્યા અભ્યાસ કરે છે તે સહિતની કામગીરી હાલ નર્મદા જિલ્લાના શિક્ષકો દ્વારા બખૂબી નિભાવવામાં આવી રહ્યી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ. નિપાબેન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કોવીડ-૧૯ ની પરિસ્થિતિમાં અત્યારે શાળાઓ બંધ છે અને બાળકો શાળાએ આવતા નથી ત્યારે એ બાળકોના શૈક્ષણિક કાર્યની ચિંતા સરકારે કરી છે. જિલ્લાના ધો-૩ થી ધો.૮ ના તમામ બાળકો શૈક્ષણિક કાર્ય જુદી જુદી રીતે કરી રહ્યા છે. જ્યાં નેટવર્ક છે ત્યાં GCRTC દ્વારા મોકલાયેલ લીંક થકી યુ ટ્યુબ દ્વારા, જ્યાં નેટવર્ક નથી ત્યાં ડી.ડી.ગિરનાર ચેનલ પર, સેટલ બોક્ષ છે ત્યાં વંદે ચેનલ તેમજ જ્યાં નેટવર્ક નથી તેવા વિસ્તારમાં સ્ટડી મટીરીયલ્સ અને ફળીયામાં જઇને શિક્ષકો શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આમ જુદી જુદી રીતે તમામ બાળકોના શૈક્ષણિક કાર્ય માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમજ CRC, BRC અને આચાર્યશ્રીઓ દ્વારા તમામ બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે રીતે તમામ પુરતા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે. બાળકોએ શૈક્ષણિક કાર્ય કર્યું છે કે કેમ તે માટે દરોજ તમામ શિક્ષકો દ્વારા તેમના વર્ગના તમામ બાળકોને દરોજ ૧૫ ફોન કરે છે તેમજ બીજા દિવસે પણ ફરીથી પાંચ ફોન રિપીટ કરે છે જેમાં બાળકો શું ભણ્યા તે શિક્ષકો દ્વારા પુછવામાં આવે છે.જો કોઇ પ્રશ્ન હોય તો ફોન દ્વારા અથવા ઘરે જઇને પ્રશ્નનો ઉકેલ લાવવાનો (પ્રશ્ન દુર કરવા) નો પ્રયાસ કરવામાં આવે છે.

વધુમાં ડૉ. નિપાબેન પટેલે કહ્યું કે, ધો-૧ અને ધો.૨ ના વિદ્યાર્થીઓની ચિંતા પણ અત્રેથી કરવામાં આવેલ છે જે GCRTC દ્વારા સ્ટડી મટીરીયલ્સ તમામ બાળકને પહોચે એટલું જ નહી ધો-૧ અને ધો-૨ ના શિક્ષકો ફળીયામાં જઇને શિક્ષણ કાર્ય પણ કરાવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

નાંદોદ તાલુકાના વાઘેથા ગામના પ્રાથમિક શાળાના શિક્ષિકા સુશ્રી મીતાબેન.એમ.ગોહિલે જણાવ્યું હતું કે, આ લોકડાઉનના સમયગાળામાં ધો.૩ થી ધો.૮ ના બાળકો ડી.ડી.ગિરનાર ચેનલ પરથી પ્રસારણ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે, ત્યારે ધો.૧ માં નવીન પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવી શકે તે હેતુથી ધો.૧ અને ધો.૨ ના પ્રજ્ઞા વર્ગનું શિક્ષણ કાર્ય દરેક ફળીયામાં જઇને કરાવતાં હોવોનું તેમણે જણાવ્યું હતું.

નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સુનાક્ષીબેન ચીમનભાઇ વસાવાએ જિલ્લામાં ચાલી રહેલા શિક્ષણયજ્ઞનાં તેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, હું ધો.૭ માં અભ્યાસ કરૂં છું અત્યારે શાળાઓ બંધ છે ત્યારે અમે ઘરે બેઠા ડી.ડી.ગિરનાર થકી અભ્યાસ કરી રહ્યા છીએ ડી.ડી.ગિરનાર પર જુદા જુદા સાહેબો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ રીતે શિક્ષણનું આયોજન કરનાર ગુજરાત સરકારનો હું આભાર માનું છુ.

નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાનો ધો-૬ નો વિદ્યાર્થી શ્રી દિનેશભાઇ વસાવાએ પણ જિલ્લાના શિક્ષણયજ્ઞનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, હાલમાં લોકડાઉનમાં શાળાઓ બંધ છે ત્યારે હું ડી.ડી.ગિરનાર ન્યુઝ ચેનલ પરથી ઘરે બેઠા અભ્યાસ કરૂં છું તેમજ અમારા ગામના શિક્ષક અનિલ ગુરૂજી પણ અમને આ પ્રસારણ દ્વારા અમને અભ્યાસ કરવાનું માર્ગદર્શન આપે છે તેથી જિલ્લામાં સરકારશ્રી દ્વારા હાથ ધરાયેલ આ પ્રકારના શિક્ષણકાર્યના આયોજનને બિરદાવી સરકાર પ્રત્યે મારી આભારની લાગણી વ્યક્ત કરૂં છું.

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની ગોરા (ન.પુ.વ) પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી શાંતિલાલ કોદરભાઇ ભોઇએ જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉનની પ્રક્રિયા આખા દેશ અને વિશ્વમાં છે, ત્યારે પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા માટે શાળા તરફથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તા.૨૫ મી માર્ચે,૨૦૨૦ થી અત્યાર સુધી બાળકોને ઓનલાઇન શિક્ષણ મળી રહે જેમાં બાળકો શિક્ષણ મેળવી અને પોતાનો વિકાસ કરી શકે તે હેતુથી ધો.૧ થી ધો.૫ ના બાળકોને લેપટોપના માધ્યમ થકી ઓનલાઇન શિક્ષણ આપીએ છીએ તેમજ છેલ્લા ત્રણ મહિનાથી શાળાઓ બંધ છે. પરતું શિક્ષણ કાર્ય નહી તેમ જણાવી શ્રી ભોઇએ ઉમેર્યું હતું કે, દર મહિનાના પહેલા ગુરૂવારે શાળા સમિતિની બેઠક કરવામાં આવે છે તે પણ ઓનલાઇન કરીએ છીએ. આ કાર્યની અંદર શાળા પરિવાર, SMC સમિતિ, ગરૂડેશ્વર તાલુકાના BRC કો.ઓર્ડીનેટર શ્રી દેવેન્દ્રભાઇ જાદવ અને જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ આ કાર્ય કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here