દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગામની 13 વર્ષની દીકરી હેતલ બારીઆએ કુસ્તીની રમતમાં સમગ્ર વિશ્વમાં ત્રીજો નંબરે બ્રોન્ઝ મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું…

દે બારીયા, (દાહોદ) મોહન બારીયા :-

ભારતનું ગૌરવ….હેતલ બારીઆ કુસ્તી રમતમાં વર્લ્ડ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપ તારીખ 17/11/2023 થી 20/11/2023 દરમ્યાન મોસ્કો, રશિયા ખાતે યોજાઇ હતી. જેમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગામની 13 વર્ષની દીકરી હેતલબેન દિનેશભાઈ બારીઆએ સમગ્ર વિશ્વમાં ત્રીજો નંબર મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવીને ભારત દેશનું નામ રોશન કરેલ છે આ રમતોત્સવમાં ભાગ લેવા જતા પહેલા હેતલે ખુબ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, ગુજરાતમાંથી કુલ 13 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. તેમાંથી 12 ખેલાડીઓના પાસપોર્ટ સમયસર તૈયાર થઈ ગયા હતા અને તેઓ દિલ્લી ખાતે કેમ્પ ભરવા માટે હાજર પણ થઈ ગયા હતા જ્યારે બીજી બાજુ કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા હેતલના પિતાને પાસપોર્ટ બાબતની ઓછી સમજના કારણે હેતલની ફાઈલ સાગટાળા પોલીસ સ્ટેશનમાં પડી રહી હતી. હેતલે પોતાના ફળિયાના જાગૃત નાગરિક વિક્રમભાઈ ચૌહાણને વાત કરી ત્યારે વિક્રમભાઈએ આ વાત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દેવગઢ બારીઆના તાલુકા કાર્યવાહ આદરણીય વિનોદભાઈ પટેલને કરી હતી અને વિનોદભાઈએ સમગ્ર ઘટનાક્રમ સ્પોર્ટ્સ ડાયરેક્ટર આદરણીય નિનામા સાહેબ જોડે આ બાબતે ચર્ચા કરી હતી.
ઝાબ ગામના સરપંચ શ્રી જયેશભાઈ પટેલ, રેઢાણા ગામના સરપંચ શ્રી રતનસિંહ ભાઈ અને વિક્રમભાઈ આ ત્રણ મિત્રોએ સ્થાનિક લેવલે પાસપોર્ટ અને આર્થિક ગોઠવણી માટે દોડધામ કરી. હતી અને ગાંધીનગર અધિકારીઓ સાથે સતત લાઈવ રહ્યા હતા ત્યારે પાંચ દિવસ પછી પાસપોર્ટ આવી ગયો હતો અને દીકરીને અમદાવાદથી વિમાનમાં બેસાડી દિલ્લી કેમ્પમાં મોકલવામાં આવી હતી..
તેમજ નાણાકીય ભંડોળ ગોઠવવામાં દીકરીના વાલીને ખુબ તકલીફ પડી રહી રહી ત્યારે સગા સબંધીઓ પાસેથી ઉછીના લીધા બાદ પણ કોઈ મેળ ન પડતા છેલ્લે ઘટતા નાણાં સરપંચ શ્રી જયેશભાઈએ આપ્યા હતા..
ખુબ સંઘર્ષના અંતે દીકરીને મોકલવામાં ભારતના ખરા સુપુત્રો સફળ થયા હતા અને આજે દીકરીએ સમગ્ર વિશ્વમાં ત્રીજો નંબર મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવીને ભારત દેશનું નામ રોશન કરેલ છે. આ દીકરી માટે જેમણે પણ યથાયોગ્ય મદદ કરી છે એ તમામનો આભાર વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે એમ છે, ગામડામાં પડેલા આવા અણમોલ રત્નને ઉજાગર કરનાર સમસ્ત ટીમને નતમસ્તક સહ વંદન છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here