ડભોઈ ની બેન્કો દ્વારા ATM નિ દેખરેખ પાછળ પાછાપાણી… દિવાળીના ટાણે નગરના કેટલાક ATM ઠપ હાલતમાં

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ કે.ડી. પેટ્રોલ પમ્પ ઉપરના એ.ટી.એમ. સહિતના નગરના મોટાભાગના એ.ટી.એમ. મશીનો બંધ રહેતા બેન્કિંગ ગ્રાહકોની કફોડી હાલત

હાલમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યો છે ત્યારે લોકોને દિવાળીના તહેવાર અંગેની ખરીદી કરવા માટે બેંકમાં કેશની લેવડદેવડ કરવા માટેની આવશ્યકતા ઉભી થઇ પડે છે. હાલમાં સરકાર બેંકિગ ક્ષેત્રે ડિજિટલ પદ્ધતિ અને તેને ઝડપી અને આધુનિક પણ બનાવી રહી છે ત્યારે ડભોઇ -દર્ભાવતિ નગરીમાં કે.ડી પેટ્રોલ પંપ ખાતે આવેલ બેંક ઓફ બરોડાનું એટીએમ સેન્ટર ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં છે. જેના કારણે સોસાયટી વિસ્તારના રહીશો અને આસપાસના ગામડાના રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આવા ગ્રાહકોને કેશની લેવડદેવડ માટે બેન્કો ઉપર જઈ લાંબી કતારોમાં ઉભા રહેવાનો વારો આવે છે. બેન્કોને આવા બંધ એટીએમની મિલ્કતોના ભાડા અને મેન્ટેનન્સ આમને આમ જ ચૂકવવા પડે છે કે જેનો લાભ ગ્રાહકોને મળતો નથી પણ તેનો બોજો છેવટે તો ગ્રાહકો ઉપર પડતો હોય છે પરંતુ ગ્રાહકોને એટીએમની સવલતોનો લાભ મળતો નથી .
ડભોઇ – દર્ભાવતિ નગરીમાં લગભગ ૧૩થી ૧૪ જેટલા એ.ટી.એમ. આવેલા છે. પરંતુ આમાંના ૫૦ % જેટલા જ એ.ટી.એમોમાં કાયમ માટે સરવૅર ખોરવાઈ જવા, કેશ ન હોવાના બનાવોનો સામનો નગરજનોને કરવો પડે છે. પ્રજાની સગવડ અને એ.ટી.એમ મશીનની સિસ્ટમને બચાવવા માટે દરેક બેન્કના એટીએમની અંદર એસી મૂકવામાં આવેલા છે જે હર હંમેશને માટે બંધ હાલતમાં જોવા મળે છે. બેંકોના અધિકારીઓ પોતાની એસી ઓફિસને છોડી પોતાની બેંકના જ એ.ટી.એમ ઉપર વિઝીટ કરવાની તસ્દી પણ લેવા તૈયાર નથી. જેનો ભોગ ગ્રાહકોને બનવું પડે છે અને ગ્રાહકોને બેંકોમાં જઈ લાંબી કતારોમાં ઉભા રહેવાનો વારો આવે છે અને હાલની સરકારના ડિજીટલની સિસ્ટમના ધજાગરા ઉડાડતા હોય તેમ લાગી રહ્યું છે.
હાલમાં નજીકના દિવસો માં જ દિવાળીનો તહેવાર છે. અને આવા બંધ એટીએમના કારણે ડભોઇ- દર્ભાવતિ નગરીના બેંક ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી નગરમાં ચર્ચા ચાલી રહી છે કે બેંક અધિકારીઓ સત્વરે આ આવા એટીએમની માવજત કરી સવેડા સક્રિય કરે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here