કોરોના સામેની લડાઈમાં પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રની નવતર પહેલ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

PCMS-પાર્ટીસિપેટરી કોવિડ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરાઈ, રાજ્યમાં આ પ્રકારનું પ્રથમ પોર્ટલ

૬૦ વર્ષથી વધુ ઉંમરના કો-મોર્બીડીટી ધરાવતા વડીલોના સ્વાસ્થયનું સઘન ટ્રેકિંગ કરી સંક્રમણથી સુરક્ષિત રાખવાની વ્યૂહરચના

અત્યાર સુધી સંક્રમણનું વધુ જોખમ ધરાવતી ૫૩૬૪ વ્યક્તિઓને ઓળખી સ્વાસ્થયનું મોનીટરીંગ શરૂ

સ્થિતિ પ્રમાણે હેલ્થ કાર્ડ બનાવી અલગ-અલગ કેટેગરીમાં વિભાજીત કરી ફોલોઅપ લેવાઈ રહ્યું છે

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની અસર નિયંત્રિત રાખવા અને બચાવના પગલાંરૂપે પાર્ટીસિપેટરી કોવિડ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ વિકસાવવા પાછળનો હેતુ કોરોના સંક્રમણનો વધુ ખતરો ધરાવતા વડીલો અને નાના બાળકોને ઓળખીને જીવન શૈલીના મામુલી ફેરફારો લાવવા માટે માર્ગદર્શન પૂરું પાડી સંક્રમણથી સુરક્ષિત રાખવાનો તેમજ તેમના સ્વાસ્થ્યની સ્થિતિનું સતત ફોલોઅપ લઈ જરૂર પડ્યે ઝડપી સારવાર પૂરું પાડવાનો છે. કોરોના સંક્રમણની પેટર્ન જોતા ૬૦ વર્ષથી વધુ ઉંમરના કો-મોર્બીડીટી ધરાવતા વડીલો અને ૧૦ વર્ષથી નાના બાળકોને સંક્રમણ લાગુ પડવાનું અને સંક્રમણના કારણે મૃત્યુ થવાનું જોખમ વધુ હોય છે. જેથી જિલ્લાના ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો કે જેઓ કોર્મિબીડીટી ધરાવે છે, તેમના સ્વાસ્થ્ય અને સારવારનું સતત મોનીટરીંગ કરી તેમને કોરોના સંક્રમણથી બચાવવા તેમજ સંક્રમણ લાગુ પડે શક્ય તેટલી વહેલી સારવાર પુરી પાડવાની દિશામાં આ સિસ્ટમની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકડાઉન-૪ અંતર્ગત બહાર અવરજવર સહિતની ઘણી છૂટછાટ આપવામાં આવી છે અને સંક્રમણના ભયની સાથે સામાન્ય જનજીવન શરૂ થયું છે ત્યારે સંક્રમણનું સૌથી વધુ જોખમ ધરાવતા આ વ્યક્તિઓ ઉપર સૌથી વધુ ધ્યાન આપી તેમને સુરક્ષિત રાખવાના પ્રયાસ રૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યમાં પ્રથમ કહી શકાય તેવી આ એક સંકલિત સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ PCMS ડેશબોર્ડ પર ૧૦૪, ૧૦૮, પીએચસી, સીએચસી અને યુએચસી પર થતી ઓપીડી તેમ જ ખાનગી ડોકટર્સની ઓપીડીના ડેટા, કોરોના રિસ્ક મેનેજમેન્ટ હેઠળ મળેલ ડેટા, આઈડીએસપી, આરોગ્યસેતુમાંથી આ તમામ વ્યક્તિઓનો ડેટા સંકલિત કરવામાં આવ્યો છે. જેના પરથી તેમના સ્વાસ્થ્યની સ્થિતિ, લેવાતા ફોલોઅપ અને તેમને રહેલા જોખમ ઉપર સતત નજર રાખવામાં આવે છે. તેમની સ્વાસ્થ્યની સ્થિતિ અનુસાર અલગ અલગ કેટેગરી નક્કી કરીને તેમાં વિભાજિત કરવામાં આવ્યા છે. સ્થિતિ બદલાય તે અનુસાર તેમની કેટેગરી પણ ચેન્જ કરવામાં આવે છે. જિલ્લાના એન.એસ.એસ.ના કુલ ૬૪ જેટલા હેલ્થ કેર વોલન્ટીયર્સ દરરોજના ૧૦૦૦ જેટલા કોલ્સ કરી ને આ વડીલોની સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે અને તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. અત્યાર સુધી આવા ૫૩૬૪ વ્યક્તિઓના ડેટા સિસ્ટમમાં સંકલિત કરી તેમના તેમના સ્વાસ્થ્યનું સતત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. મળેલા જવાબોને આધારે બનતા ડેટાનું એનાલિસીસ કરીને તેમના હેલ્થ કેર કાર્ડ જનરેટ કરવામાં આવે છે. ત્યાર બાદ સંબંધિત તાલુકા હેલ્થ ઓફિસર ને આ ડેટા આપવામાં આવે છે. જેના આધારે ટી.એચ.ઓ નક્કી કરે છે કે તેમને મેડિકલ ઓફિસરને રીફર કરવા કે આશાવર્કર બહેન મારફતે મુલાકાત કરાવીને મેડિકલ સર્વે કરાવવો. હાલની સ્થિતિ એ આ ૫૩૬૪ પૈકી ૪૪ રેડ કેટેગરીમાં, ૫૨ વ્યક્તિઓ ઓરેન્જ કેટેગરીમાં, ૪૨૨૩ વ્યક્તિઓને બ્લુ કેટેગરીમાં અને ૮૯૫ વ્યક્તિઓને ગ્રીન કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. આ ડેટા એકત્રીકરણ અને પૃથકરણની મદદથી કોરોનાનું સૌથી વધુ જોખમ ધરાવતા વર્ગને સીધા નિરીક્ષણ હેઠળ મૂકી તેમના માટે શક્ય તેટલી વધુ સુરક્ષિત સ્થિતિનું નિર્માણ કરવાનો હેતુ છે તેમજ સંક્રમણની સ્થિતિ સર્જાય તો ઝડપથી ઓળખી કાઢી સારવાર પૂરી પાડવામાં નિર્ણાયક સાબિત થશે.

સ્વાસ્થ્યની સ્થિતિ અને કોરોનાથી જોખમના આધારે કેટેગરી નક્કી કરાઈ છે

કોર્મિબીડીટીની સાથે શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેમને રેડ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. રેડ કેટેગરીના વ્યક્તિઓનો દરરોજ કોલ કરીને સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખવામાં આવે છે. ઓરેન્જ કેટેગરીમાં કોર્મિબીડીટીની સાથે ઇન્ફ્લુએન્ઝા જેવા લક્ષણો ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને એકાંતરે કોલ કરીને તેમન સ્વાસ્થ્યની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવે છે. વ્યક્તિ કોમોર્બીડ હોય પરંતુ સ્વસ્થ હોય અને કોઇ પણ લક્ષણ ન જણાય તો તેમને બ્લુ કેટગરીમાં મૂકવામાં આવ્યા છે અને દર સાત દિવસે કોલ કરીને તેમના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે અપડેટ લેવામાં આવે છે. આ ઉપરાંત જેમને હેલ્થી જાહેર કરવામાં આવ્યા છે પરંતુ જેમને હજી જોખમ છે તેવા ૬૦થી વધુ વયના લોકોને ગ્રીન કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here