કાલોલ પંથકમાં પાછોતરા સાડાચાર ઇંચ વરસાદે ખેડૂતોને રડાવ્યા… ડાંગર સિવાયના પાકોને વ્યાપક નુકસાનની ભીતી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકા વિસ્તારમાં સિઝનનો ૯૩% વરસાદ નોંધાયો

કાલોલ વિસ્તારમાં પાછલા ચાર પાંચ વર્ષોના અનુભવે આ વર્ષે ભાદરવા મહિનામાં સારા વરસાદની વકી વર્તાઈ રહી છે, ગણેશોત્સવના અંતિમ દિવસોથી શરૂ થયેલા વ્યાપક વરસાદને પગલે કાલોલ વિસ્તારમાં પાછલા એક જ અઠવાડિયામાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ પાછોતરા વરસાદ સાથે કાલોલ પંથકમાં સિઝનમાં સરેરાશ ૬૭૯ એમએમ (૨૯-૩૦ ઇંચ) વરસાદની સરખામણીએ કુલ ૬૩૭ એમએમ (૨૭ ઇંચ વરસાદ) વરસાદ નોંધાતા સિઝનનો કુલ ૯૩% વરસાદ નોંધાયો છે. જોકે એકતરફ આ વર્ષે સિઝનનો સારો વરસાદ નોંધાતા જનજીવનને રાહત અનુભવી છે પરંતુ બીજી તરફ પાછોતરા વ્યાપક વરસાદે ખેડૂતોને રડાવ્યા હોવાના એંધાણ સાથે ડાંગર સિવાયના પાકોને વ્યાપક નુકસાનની ભીતી સેવાઈ રહી છે. કાલોલ તાલુકા કૃષિ વિભાગના રિપોર્ટ અનુસાર તાલુકા વિસ્તારમાં ખેતીલાયક ૨૦ હજાર હેક્ટર પૈકી ૫ હજાર હેક્ટર ડાંગરના પાકની વાવણી કરી છે. પરંતુ ડાંગરના પાક ઉપરાંત શ્રાવણ માસમાં વાવેતર કરવામાં આવ્યું હોય એવા ૩ હજાર હેક્ટર કપાસ, ૧૮૦૦ હેક્ટર મકાઈ, ૧૮૦૦ હેક્ટર શાકભાજી, ૧૨૦૦ હેક્ટર એરંડા, ૧૨૦૦ હેક્ટર તુવર, ૩૦૦ હેક્ટર સોયાબીન, ૨૦૦ હેક્ટર અન્ય કઠોળ અને ખડિયા ગુવાર જેવા મોંઘાભાવના ખેડ, ખાતર અને બિયારણથી વાવેતર કરેલા ‌બિયારણો ફુટીને પરિપક્વ બને એ દરમ્યાન તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે વિવિધ પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેથી વધારે પડતા નુકસાન પામેલા પાકોની જગ્યાએ ખેડૂતોને આગામી સમયમાં ફેરવાવણી કરવાના દિવસો આવ્યા છે. આમ કાલોલ પંથકમાં પાછોતરા વરસાદ‌થી ખેડૂતોને પડ્યા પર પાટું સમાન બેવડો માર પડ્યો હોવાની ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here