એમજીવીસીએલ કચેરીમા જઈ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી કાચ તોડતા બે ઈસમો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વીજ બીલ બાકી હોઇ કનેક્શન કાપવા ગયેલ કર્મચારી ને પોતાની ફરજ બજાવતા અટકાવી દાદાગીરી કરી

બિનઅધિકૃત નાણાંની ઉઘરાણી, જાહેર લૂટ, ખંડણી, વસુલાત સાથે છેડતી, દારૂ નો વ્યાપાર જેવા ગેરકાયદેસર કામો માટે પંકાયેલી કાલોલની એક કુખ્યાત ગેંગના બે પ્રમુખ સાગરીતો સામે કાલોલ પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિ. ની કાલોલ કચેરીમાં ઘૂસી જઈ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓને બાનમાં લઈ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવા તેમજ કંપનીની મિલકતોને નુકશાન પહોંચાડવાના આરોપો સાથે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબની કામગીરી હાથધરી છે. હાલ દિવાળીના તહેવારો ટાણે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજળી બિલના બાકી નાણાંની વસુલાત કામગીરી પુર જોશમાં આરંભી છે ત્યારે આવી જ એક કામગીરી અંતર્ગત કાલોલ તાલુકાના ડેરોલગામ સ્થિત બિલિયાપુરા વિસ્તારના વીજ ગ્રાહક ભગવતીપ્રસાદ સોનીને ત્યાં પહોંચેલી વસુલાત ટીમે વીજ ગ્રાહક પાસે બાકી નીકળતા નાણાંની માંગણી રજૂ કરી વીજ જોડાણ કાપી નાખવાની તજવીજ હાથ ધરતા ત્યાં હાજર બે ઈસમો પૈકી એક અક્ષય સોની ઉર્ફે અન્નો અને બીજાએ રાજુ રાવળ ઉર્ફે બજાજ હોવાની સાથે પોતાને આ વિસ્તારના ડોન તરીકે ઓળખાવી વીજ કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરી ધાક ધમકીઓ, ગાળો આપી વીજ કનેક્શન કાપવા દીધેલ નહિ અને કનેક્શન કાપવા નો હુકમ ઝૂંટવી લીધો અને ફોન કરીને નાયબ ઇજનેર ને પણ ધમકી આપી જે અંગે વસુલાત કર્મચારી એ કાલોલ ઓફિસે રજૂઆત કરવા જણાવતા ઉપરોક્ત બંને ઈસમોએ બપોરના સુમારે ત્યાં પહોંચી ફરી એક વખત પોતાને ડોન તરીકે ઓળખાવી અમારું કનેક્શન કાપવા કેમ મોકલો છો તેવી ઉગ્ર રજૂઆતો કરી ઉશ્કેરાઈ જઈ મધ્ય ગુજરાત વીજ કંપનીના જુનિયર એન્જિનિયર વિપુલ પટેલ તેમજ નાયબ ઇજનેર માલીવાડ સાથે હાથાપાઈ કરી કુટુંબ સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મારામારી કરી કેબિનના કાચ તોડી ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. જે અંગેની હકીકતો સાથે સ્થાનિક વીજ કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ કાલોલ પોલીસ મથકે પહોચી જુનિયર ઇજનેર વિપુલ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કામગીરી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પંચમહાલ જિલ્લા કલેકટરની અધ્યક્ષતા મળેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સરકારી, અર્ધસરકારી કે નિગમની કચેરીઓના રોજિંદા કામકાજમાં અવરોધ ઊભો કરતા તત્વો તેમજ સભ્ય સમાજને નુકશાન પહોચાડતા તત્વો સામે કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર સખત પોલીસ અને કાનૂની કાર્યવાહી કરવા નિર્ણયો લેવાયા હતા ત્યારે કાલોલ તાલુકા માટે શિરદર્દ સમાં અને રાજકીય પીઠબળ ધરાવતા આ લુખ્ખા તત્વો સામે સ્થાનિક પોલીસ નિષ્પક્ષ કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here