એકતાનગર ખાતે બે દિવસીય “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી”નું કરાયુ આયોજન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે થયેલ આયોજન

સરદાર વલ્લભભાઇનો અક્ષરદેહ અને સાહિત્યમાં સરદારનો પ્રભાવ સહિતના વિષયો પર યોજાયા વ્યાખ્યાન

એક્તા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની પ્રથમ પસંદગીનું પ્રવાસન સ્થળ બન્યુ છે ત્યારે તા. ૦૫ અને ૦૬/૦૭/૨૦૨૩ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે એકતાનગર ખાતે બે દિવસીય “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી”નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

“સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી”નો પ્રારંભ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે કરાવ્યો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના થી લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એકતાનગર ખાતે સ્થાપી છે, ત્યારે પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારે હવે કલાના વિદ્યાર્થીઓ અને સાહિત્યપ્રેમીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ના ચેરમેન મુકેશ પુરીના માર્ગદર્શનમાં આ સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો છે અને આ થકી હવે કલાપ્રેમીઓ અને સાહિત્યપ્રેમીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રથમ પસંદગીનું સ્થળ બની રહેશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો અને વધુમાં જણાવ્યુ હતુ કે, એકતાનગર ખાતે આયોજીત “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી કાર્યક્રમમાં સાહિત્યકારોની રચના પ્રગટ થનાર છે તેને અત્રે આવનાર પ્રવાસીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશુ જેનાથી અત્રે આવનાર પ્રવાસીઓને પ્રેરણા મળશે.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, દ્રિદિવસીય આ “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી” કાર્યક્રમમાં ગુજરાતભરના ૪૦ જેટલા સાહિત્યકારોએ ભાગ લીધો હતો, સરદાર વલ્લભભાઇનો અક્ષરદેહ અને સાહિત્યમાં સરદારનો પ્રભાવ સહિત ગુજરાતી સાહિત્યના પ્રવાહો જેવા વિષયો પર ચર્ચા યોજાઇ હતી, સૌપ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો છે જેની અમને ખુશી છે. સાહિત્યિક પ્રવૃત્તિ એ સમગ્ર લોક-ચેતના (જનજાગૃતિ)ની અભિવ્યક્તિ છે. તે સમગ્ર સમુદાય, તેની સંસ્કૃતિ, તેના લોકજીવન અને સામાજિક જીવનને પ્રતિબિંબિત કરે છે, ત્યારે આગામી ભવિષ્યમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર સાથે મળીને રચનાત્મક કાર્યો કરવા અમે કટીબદ્ધ છીએ.

આયોજીત “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી” કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, વરીષ્ઠ સાહિત્યકાર મણીલાલ હ. પટેલ. કવિ તુષાર શુકલ, વિનોદ જોશી, સૌમિલ મુનશી, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર હિમાંશુ પરીખ, નાયબ કલેકટર શિવમ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here