અવસર લોકશાહીનો… પંચમહાલમાં મતદાનના મહત્વ અંગે મતદારોમાં જોવા મળી જાગૃત્તા

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં ચાર તબક્કામાં યોજાયેલી મતદારયાદી ખાસ ઝુંબેશને મોટી સફળતાં

મતદારયાદી સુધારણાંની કુલ ૨,૪૫,૪૨૩ અરજીઓ આવી

પંચમહાલ જિલ્લામાં કુલ ૨૪,૨૭૨ નવા મતદારો ઉમેરાયાં

લોકશાહીના પાયાને મજબૂત કરવા માટે ચૂંટણીમાં જનભાગીદારી ઘણી મહત્વની સાબિત થતી હોય છે. જેને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણાં કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા. ૨૧ અને ૨૮ ઓગસ્ટ તેમજ તા. ૪ અને ૧૧ સપ્ટેમ્બર આમ કુલ ચાર રવિવારના રોજ મતદારયાદીમાં સુધારા અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામથકે અને જિલ્લાની શાળા કોલેજમાં ચૂંટણીકાર્ડમાં નામ, ફોટા, જન્મતારીખ, સરનામું સુધારવાની સાથો સાથ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા સહિતની કુલ ૨,૪૫,૪૨૩ અરજી આવી હતી. જેમાં શહેરા ખાતે ૬૫,૪૨૩, મોરવા હડફ ખાતે ૪૬,૪૬૧, ગોધરા ખાતે ૪૭,૦૪૫ ,કાલોલ ખાતે ૫૮,૭૦૯, હાલોલ ખાતે ૨૭,૭૮૩, અરજીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ૧૮ થી ૧૯ વર્ષ વયજુથમાં કુલ ૧૫,૯૧૮અરજીઓ મળેલ છે.

આ સમગ્ર ઝુંબેશ હેઠળ પંચમહાલ જિલ્લામાં ચૂંટણીમાં મતદાનના મહત્વ અંગે મતદારોમાં સારી એવી જાગૃત્તા જોવા મળી છે. આ ઝુંબેશને સફળ બનાવતાં અત્યારસુધીમાં પંચમહાલ જિલ્લામાં પહેલી જ વાર મતદારયાદીમાં નામ નોંધાવનારાની સંખ્યા કુલ ૨૪,૨૭૨ જેટલી નોંધાઈ હતી. તે પૈકી વિધાનસભાની બેઠકો ઉપર ૧૮ થી ૧૯ વયજૂથના નવા મતદારોની સંખ્યા ૧૫,૯૧૮ ૨૦ થી ૨૯ વયજૂથના નવા મતદારોની સંખ્યા ૭૬૬૫ નોંધાઈ છે. ઉપરાંત ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરાવનારની સંખ્યા ૧,૯૩,૪૯૪ તેમજ ચૂંટણીકાર્ડમાં નામ, ફોટો, જન્મતારીખ કે સરનામું સુધારવાની અરજીઓ ૧૬,૩૩૨ જેટલી મેળવવામાં આવી હતી તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નેહા ગુપ્તાએ એક અખબાર યાદીમાં જણાવેલ છે.

આ ઝુંબેશને સફળ બનાવવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાએ તમામ જાહેર જનતા તથા આ કામગીરી સાથે સંકળાયેલાં સર્વે બુથ લેવલ ઓફિસર તથા સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here