સિધ્ધપુર હાઈવેના તમામ બમ્પ દૂર કરાયા,રબર સ્ટ્રીપ નંખાશે

સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

જીવલેણ અકસ્માતો થવાનો ભય વધ્યો..

બિંદુ સરોવર નજીક શહેરથી હાઈવે તરફ આવતા રોડ ઉપર ત્રણ લાઈનવાળા સ્પીડબ્રેકર્સ બનાવવા ઉગ્ર માંગ…

પાલનપુર-મહેસાણા છ માર્ગીય હાઈવે બનતાં સિધ્ધપુર શહેરના મધ્ય માંથી પસાર થતા હાઈવે ઉપર બનાવેલા તમામ સ્પીડબ્રેકર(બમ્પ) હાઈવે ઓથોરીટી દ્વારા દૂર કરવામાં આવ્યા છે.જેના કારણે અકસ્માતો થવાનો ભય વધતાં હાઈવે તેમજ લોકલ શહેરી વાહન ચાલકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સિધ્ધપુર હાઈવે ઉપર આવેલા ખળી સર્કલ,બિંદુ સરોવર,દેથળી સર્કલ, આઈઓસી (તાવડીયા) સર્કલ તેમજ પ્રમુખ સ્વામી (કાકોશી) સર્કલ પર અકસ્માતો નિવારવા તેમજ હાઈવે પર પુરઝડપે પસાર થતાં વાહનોની ગતિમર્યાદા શહેરી વિસ્તારમાં નિયંત્રીત કરવા અગાઉ બનાવાયેલા સ્પીડબ્રેકર્સ હાઈવે ઓથોરિટી દ્વારા તેના નોમ્સ,રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અંતર્ગત દૂર કરવામાં આવ્યા છે.તેના સ્થાને આ તમામ સર્કલ્સ પર રબર સ્ટ્રીપ તેમજ ૪૦ કીમી ગતિમર્યાદાના બોર્ડ લગાવવામાં આવશે તેવું રોડ કોન્ટ્રાકટરના સૂત્રોએ જણાવ્યું હતું.અત્રે નોંધનીય છે કે આ હાઈવે અંતર્ગત શહેરી વિસ્તારમાં ક્યાંક તો સર્વિસરોડ જ બનાવાયો નથી..તો જ્યાં સર્વિસરોડ અસ્તિત્વમાં છે ત્યાં તંત્રની રહેમનજરે તેના ઉપર ખાનગી શટલીયા વાહનવાળાઓ,વાહન કન્સલ્ટન્ટ(લે-વેચ)વાળાઓ તેમજ કેટલાક ગેરેજોવાળા ઓએ બીનઅધિકૃત કબ્જો જમાવી દીધો છે.આથી શહેરી વિસ્તારના વાહન ચાલકોને નાછૂટકે જીવના જોખમે હાઈવે રોડનો જ ઉપયોગ કરવો પડતો હોય છે.આ હાઈવે પર ભૂતકાળ માં બનેલા અનેક જીવલેણ અકસ્માતોમાં શહેરીજનો એ પોતાના જીવ ગુમાવ્યા છે.હવે જ્યારે આ તમામ સ્પીડબ્રેકર્સ કાઢી નાખવામાં આવ્યા છે ત્યારે આ હાઈવે અંતર્ગત શહેરી વિસ્તારમાં ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરી પુરઝડપે દોડતા વાહનો સામે પોલીસતંત્ર કડક દંડાત્મક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.આ ઉપરાંત બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ નજીક ભૂતકાળમાં અનેક જીવલેણ અકસ્માતો સર્જાઈ ચુક્યા છે તેથી ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારવા શહેર થી હાઈવે તરફ પ્રવેશતા માર્ગ ઉપર પીકઅપ સ્ટેન્ડ નજીક સત્વરે ત્રણ લાઈન વાળા સ્પીડબ્રેકર્સ બનાવાય તે ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here