નર્મદા જીલ્લા વન વિભાગની ગોરા રેન્જ દ્રારા ગેરકાયદેસર ખેરના લાકડાનું વહન કરતા 2 ની ધરપકડ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

85,000 નાં લાકડા બોલેરો પીકઅપ સહિત 2,35,000નો મુદ્દામાલ જપ્ત.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળમાં સમાવિષ્ટ કેવડિયા વન વિભાગ હસ્તકનાં ગોરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયાને ગઈકાલે મોડી રાત્રે મળેલ બાતમી આધારે લાછરસ ગામે પ્રજા અને સ્ટાફ સાથે રેઇડ કરીને અણીજરાનાં 2 વ્યક્તિઓને 80 નંગ ખેરના લાકડા અને બોલેરો પિકઅપ સાથે 2,35,000 ₹નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કેવડિયા ફોરેસ્ટ ડીવીઝનનાં નાયબ વન સંરક્ષક પ્રતીક પંડયાનાં માર્ગદર્શનમાં ગોરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયા વન ચોરી અટકાવવા સતત પ્રતિબદ્ધ હોય ને ગઈકાલે અંગત બાતમીદાર પાસેથી મળેલ બાતમી અનુસાર તેઓએ અણીજરા ગામનાં ભગવાનદાસ શંકર વસાવા અને દશરથ ભગવાન વસાવા ખેરનાં લાકડા ભરીને માંગરોળ ગામેથી સંખેડા મુકામે બોલેરો પિકઅપમાં ભરીને લઈ જતા હતા,જે પ્રમાણે સ્ટાફનાં વલ્લભભાઈ તડવી, પૃથ્વીરાજસિંહ ગોહિલ,મનોજ વસાવા, પરીમલસિંહ રણા ,અશોકસિંહ ગોહિલની ટીમે લાછરસ ગામેથી સ્થાનિક પ્રજાનાં સાથ સહકારથી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.

વન વિભાગે આ બાબતે તપાસ હાથ ધરતા આરોપીઓએ વન વિભાગની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરીને બોલેરો પિકઅપમાં ઘાસ વચ્ચે ખેરનાં લાકડા છુપાવીને લઈ જતા હતા, આ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડીનો પણ ગોરા રેન્જે પર્દાફાશ કર્યો હતો.

આરોપીઓ પાસેથી બોલેરો પીકઅપ મા ભરેલા ૮૦ નંગ ખેરનાં લાકડા જેની કિંમત ૮૫,૦૦૦ ₹ અને બોલેરો પિકઅપ જેની કિંમત – ₹૧.૫૦ લાખ સહિત કુલ ૨,૩૫,૦૦૦ ₹ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેર અનામત પ્રકારનું વૃક્ષ હોય ને વનવિભાગની પૂર્વ મંજૂરી વિના કાપી કે વહન કરી શકાતું નથી જેથી ઉપરોક્ત આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી હોય તેમના સામે વનઅધિનિયમ ૧૯૨૭ની કલમ ૩૦,૩૧ ગેરકાયદેસર અનામત વૃક્ષ છેદન ધારા અને 41.1(B) મુજબ વિના પરવાનગીએ ખેરનાં લાકડા વાહતુક કરીને ગુનો આચરતા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here