સિદ્ધપુર ટાઉનમાંથી જુગાર રમતા પાંચ પૈકી ચાર શકુનીઓ ઝડપાયા : એક નાસી છૂટવામાં સફળ !

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ટાઉનના શંકરપુરા ખાતે આવેલ ઓપન ઍર થિયેટર પાસેના ખુલ્લા મેદાનમાં ગત બુધવારે પોલીસ સ્ટાફના માણસોએ બાતમી આધારે છાપો મારી તીનપત્તિનો જુગાર રમતા પાંચ શકુનીઓ પૈકી ચાર જણાને રોકડ રકમ ૧૨૪૭૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે એક ઈસમ પોલીસ ટીમને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.આ મામલે તમામ પાંચેય શખ્સો વિરુદ્ધ જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધાયો છે.
સિદ્ધપુર ટાઉનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગત બુધવારે પોલીસ સ્ટાફના માણસોએ જુગારવાળા સ્થળે જઈ છાપો મારતા પોતાના અંગત ફાયદા સારું જુગાર રમી રમાડતા જોશી વિજય ભાઈ દશરથભાઈ,રહે.સન નગર સોસાયટી,પરમાર હિતેશકુમાર લાલજીભાઈ, રહે.માયાનગર,ભીલ હિતેશ કુમાર છગનલાલ,રહે. રઘુવીરની ચાલી,ઠાકોર મહેન્દ્રજી વરસંગજી,રહે. અંબાલાલની ચાલી તમામ રહે સિદ્ધપુરવાળાઓને ઝડપી લીધા હતા જ્યારે ઠાકોર રણજીતજી વિનુજી, રહે.સિદ્ધપુર શંકરપુરાવાળો નાસી છૂટ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના નવનિયુક્ત એસપી વિજય પટેલ એકબાજુ જિલ્લાને દારૂ-જુગાર અને નશીલા પદાર્થોના વેચાણની બદીથી મુક્ત કરવા કટિબદ્ધતા દર્શાવી ચુક્યા છે.ત્યાં બીજીતરફ સિદ્ધપુર ટાઉન સહિત તાલુકામાં દારૂ, જુગાર સહિત નશીલા પદાર્થોના વેચાણની બદીએ માઝા મૂકી છે ત્યારે કામગીરીના ભાગરૂપે રોજબરોજ એકલદોકલ કેસ કરતી પોલીસ તાલુકા માંથી દારૂ,જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ કાયમી ધોરણે બંધ કરાવી યુવાધનને બરબાદીના માર્ગે જતું અટકાવે એવી તાલુકા ના પ્રબુદ્ધ નાગરિકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.જો આ બાબતે સત્વરે કોઈ કડક અને અસરકારક પગલાં પોલીસ દ્વારા લેવામાં નહિ આવે તો તેના પડઘા આગામી વિધાનસભા ચૂંટણીમાં પડશે તે ચોક્કસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here