બનાસકાંઠા જિલ્લામાં ૧૦૭ અરજીઓમાં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ (લેન્ડ ગ્રેબિંગ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો

પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠા કલેકટરશ્રીએ સપાટો બોલાવ્યોઃજિલ્લામાં કુલ-૬૮ એકર જેટલી ખાનગી જમીનના દબાણો દુર થયા

જમીન પચાવી પાડનારા ૨૪૫ વિરૂધ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ૬૦ જેટલી ફરીયાદો નોંધાઈઃ ૪૩ અરજીઓમાં કાયદાના ડરથી આપમેળે દબાણ ખાલી કરી કબજો અરજદારોને સુપ્રત કરી દીધો

ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ (લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ) હેઠળ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં ૮૮૯ અરજીઓ રજૂ થઇ છે. જે પૈકી ૬૫૮ અરજીઓની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ ગયેલ છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના વડપણ હેઠળની સમિતિ દ્વારા ૧૦૭ અરજીઓમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૨૭૯ એકર જમીન કે, જેની અંદાજીત કિંમત રૂ.૨૫.૩૯ કરોડ થાય છે, જે પૈકી જમીન પચાવી પાડનારા ૨૪૫ આક્ષેપિતો વિરૂધ્ધ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ૬૦ જેટલી ફરીયાદો નોંધાઈ છે. જેમાં આરોપીઓની ફરીયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં તેમની ધરપકડ કરવામાં આવી છે અને કુલ-૪૩ અરજીઓમાં અરજદાર દ્વારા લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ અરજી કરતાં આક્ષેપિતોએ કાયદાના ડરથી આપમેળે દબાણ ખાલી કરી કબજો અરજદારોને સુપ્રત કરી દીધો છે. આમ, અરજદારો અને આક્ષેપિતો વચ્ચે સમાધાન થતાં કુલ-૬૮ એકર જેટલી ખાનગી જમીનના દબાણો દુર થયા છે.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ સમિતિની તા.૨૨/૦૪/૨૦૨૨ની બેઠકમાં કુલ-૩૮ કેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પૈકી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ હેઠળ સમિતિએ કુલ- ૪ કેસમાં પોલીસ ફરીયાદ કરવાનો નિર્ણય લીધો હતો. તથા ૮ કેસોમાં અરજદારને પોતાની જમીનનો કબજો મળી જતા અને સામેવાળા સાથે સમાધાન થતા આ કાયદા હેઠળ કરેલ અરજી પરત ખેચી છે. આ બેઠકમાં સમિતિએ ૨૩ કેસો દફતરે કરવાનો નિર્ણય કર્યો હતો. તથા ૩ કેસમાં પુનઃ અહેવાલ ઉપર પડતર રાખવામાં આવ્યા છે. તેમ કલેકટર કચેરીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here