નર્મદા જિલ્લામાં લમ્પી વાઇરસ વિરોધી રસીકરણ થકી સૌ પ્રથમ સરહદી વિસ્તારના ગામોના પશુઓને રક્ષીત કરાયાં : પશુપાલન વિભાગ દ્વારા ગામે ગામ પશુઓના રસીકરણની કરાઈ રહેલી કામગીરી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસ સ્કીનનો નર્મદા જિલ્લામાં એકપણ કેસ નહીં

પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો તાત્કાલિક ૧૯૬૨ હેલ્પલાઈન અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક સાધવા પશુપાલન વિભાગનો જાહેર અનુરોધ

હાલમાં સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં પશુઓમાં જોવા મળતા લમ્પી સ્કીન વાયરસના પગલે ગુજરાત સરકાર દ્વારા પશુઓમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, નર્મદા જિલ્લામાં લમ્પી સ્કીન વાયરસનો રોગ એકપણ પશુમાં જોવા મળ્યો નથી. પરંતુ તકેદારીના ભાગરૂપે નર્મદા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સૌ પ્રથમ બોર્ડર વિસ્તારના ગામોમાં પશુઓના રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નર્મદા જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ. જે.આર.દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અત્યારસુધી જિલ્લાના ૮૦ ગામોમાં ૧૪,૩૭૦ જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. સરકારશ્રી દ્વારા મળી રહેલી વેક્સિન મુજબ હાલમાં તબક્કાવાર જિલ્લામાં રસીકરણની કામગીરી પ્રગતિહેઠળ છે. પશુઓમા જોવા મળી રહેલો લમ્પી રોગ જિલ્લામાં પ્રવેશી ન જાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ પશુપાલકોને આવા રોગ અંગેની જાગૃતિ માટેના અનેક પ્રયાસો સાથે પશુપાલન વિભાગના તબીબો દ્વારા ગામે ગામ જઈને રાઉન્ડ-ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે.

નર્મદા જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ.જે.આર.દવેએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, લમ્પી સ્કીન વાયરસના રોગમાં પશુની ચામડી ઉપર ચાંઠા પડતા હોય છે, તાવ આવતો હોય છે, ખાવા-પીવાનું પશુ ઓછું કરી દે છે અને એક પશુમાંથી બીજા પશુમાં આ રોગ માખી-મચ્છર અને ઈતરડી કરડવાથી ફેલાતો હોય છે. આવા ચિન્હો જો કોઈ પશુમાં જણાય તો પશુ પાલકો હેલ્પલાઈન નંબર ૧૯૬૨ પર કોલ કરીને અથવા નજીકના પશુ દવાખાનાના તબીબની મદદ લેવી, જેથી આવા પશુને બેથી ત્રણ દિવસ સારવાર આપી શકાય છે. જોકે, નર્મદા જિલ્લામાં અત્યાર સુધી આવા કોઈ શંકાસ્પદ લમ્પી સ્કીન વાયરસના કેસ જોવા મળ્યા નથી. ગુજરાત સરકાર દ્વારા પશુઓમાં જોવા મળતા લમ્બી સ્કીન વાયરસ સામે પશુને રક્ષણ આપવા રસીકરણ કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લામાં હાલમાં સરદહી વિસ્તારના ગામો જેમાં ખાસ કરીને વડોદરા જિલ્લાના અને મહારાષ્ટ્રની સરહદ વિસ્તારના ગામોમાં રસીકરણની સઘન ઝુંબેશ શરૂ કરાઈ છે. હાલ જિલ્લામાં પશુઓના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે તેમ તેઓએ વધુમાં ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here