દિયોદર તાલુકામાં નારીશક્તિને ઉજાગર કરતા ભાજપાના વફાદાર સૈનિક ભીખીબેન વોરા…

દિયોદર, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

રાજ્યમાં લોકશાહીના મહા પર્વ એવી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, જ્યારે દરેક રાજકીય પક્ષો રાજ્યની 182 બેઠકો માટે પોત પોતાના ઉમેદારોની જાહેરાત કરવા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી ચુક્યા છે.. અને હવે જુજ દિવસોમાં દરેક બેઠક દીઠ ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવશે.જેને અનુરૂપ સત્તા પક્ષ એવી ભારતીય જનતા પાર્ટીએ ગત રોજ દિલ્હી ખાતે બેઠક યોજી ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા વિચારણાની શરૂઆત કરી દીધી છે.
સૂત્રો થકી મળતી વિગતો મુજબ આ વખતના ચૂંટણી જંગમાં બીજેપી દ્વારા નવ યુવાનોને મેદાનમાં ઉતરવાની ચર્ચાઓ ચાલી રહી છે તેમજ નારી શક્તિને ઉજાગર કરવા એક ડઝનથી વધુ મહિલાઓને ટીકીટ આપવાની તૈયારી દર્શાવાઇ રહી છે… જો આ તથાકથિત ચર્ચાઓ ખરેખર ભાજપા મોવડી મંડળની વ્યુહ રચના હોય તો આ વખતે પણ રાજ્યમાં વિરોધ પક્ષોને ફરીથી પાંચ વર્ષ માટે થોભો અને રાહ જુવોની નીતિ અપનાવી પડે એમ છે..

ભાજપા દ્વારા મહિલા ઉમેદવારોને પ્રોત્સાહન આપવાની ચર્ચા જ્યારથી વાયુ વેગે પ્રસરાઈ રહી છે ત્યારથી બનાસકાંઠાની દિયોદર બેઠક પર ભાજપા તરફે સંભવિત ઉમેદવારોની યાદીમાં ભીખીબેન લક્ષ્મીરામ વોરાનું નામ મોખરે આવી ગયું છે, ભીખીબેન વોરા દિયોદર સહિત સમસ્ત બનાસકાંઠા જિલ્લામાં એક સેવાભાવી મહિલાની છબી ધરાવે છે, સાથો સાથ પ્રામાણિકતા અને સરળ વ્યક્તિતત્વના કારણે ભીખીબેન વોરા દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં પુરૂષ ઉમેદવાર કરતા પણ વધુ પ્રચલિત બની ગયા છે.

ભીખીબેન વોરા દિયોદર તાલુકાના રૈયા ગામના વતની છે, તેઓ M.A., B.Ed. નો અભ્યાસ કરી હાલ કસ્તુરબા ગર્લ્સ હાઇસ્કુલ, દિયોદર ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે, સાથો સાથ પોતાના વારસામાં મળેલ સંસ્કારોને અનુરૂપ સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે. અને હાલ પણ તેઓ મહાકાળી સખી મંડળ, રૈયા ગામના પ્રમુખ છે, તથા બ્રાહ્મણ સમાજ મહિલા મંડળના મેમ્બર છે તેમજ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. અને તેઓ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ ગુજરાત રાજ્યના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ભીખીબેન વોરાની સેવાકીય કારકિર્દીમાં ચાર ચાંદ લગાવતી તેઓની લોક ચાહનાને કારણે વિશ્વની સૌથી મોટી ભાજપા પાર્ટીએ પણ તેઓને વર્ષ 2000 થી સક્રિય સભ્ય તરીકે દિયોદર તાલુકા ભાજપમાં સ્થાન આપ્યું હતું અને ત્યારબાદ વર્ષ 2006 થી 2017 સુધી દિયોદર તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી તરીકે કાર્ય કરવાની તક આપી હતી અને હાલ પણ તેઓ ભાજપના એક વફાદાર સૈનિકની જેમ અડીખમ કેસરિયો લહેરાવી રહ્યા છે..

ભીખીબેન વોરાની જુવેનાઈલ જસ્ટીસ ચિલ્ડ્રન સંઘ ગુજરાત રાજય અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક કર્યચારી મંડળીમાં ડિરેક્ટર તરીકેની સેવાના કારણે તેઓને સમસ્ત બનાસકાંઠા જિલ્લા સહિત દિયોદરમાં પણ માન સન્માન સાથે આવકાર મળી રહ્યો છે… અને જ્યારથી તેઓએ દિયોદર વિધાનસભા બેઠક પરથી સંભવિત ઉમેદવારોમાં પોતાના નામની જાહેરાત કરી છે ત્યારથી સભ્ય સમાજમાં ભીખીબેનની લોક ચાહનમાં વધારો થવા લાગ્યો છે, અને દિયોદર મત ક્ષેત્રના લોકો પણ ભીખીબેનના સાથે હોવાની સરા જાહેર કબુલાત કરી રહ્યા છે..

આજના આત્યાધુનિક યુગમાં વિજ્ઞાન ઉત્તરોત્તર પ્રગતિના શિખરો પાર કરી રહ્યું છે, આજનો માનવી ચાંદ પર પ્રસ્થાન કરી ચૂક્યો છે તેમછતાં અમુક રૂઢીચુસ્ત સમાજોની સંકુચિત માનસિકતા મહિલાઓનું નેતૃત્વ સ્વિકારવા તૈયાર નથી, આવા કપરા સમયમાં પણ ભીખીબેન વોરા જેવી અનેક મહિલાઓએ પુરોષોની સમકક્ષ ઉભા રહી નારીશક્તિ ને ઉજાગર કરી બતાવી છે જેથી તજજ્ઞોના મતાનુશાર જો ભાજપા દિયોદર બેઠક પરથી ભીખીબેનને ઉમેદવાર તરીકે ઉતારશે તો હરીફ પક્ષોની મહેનતમાં અનહદ વધારો થઈ શકે છે, હવે જોવું રહ્યું કે ભીખીબેન જેવા સેવાભાવી વ્યક્તિત્વને ધારાસભ્ય તરીકે દિયોદર મત વિસ્તારના લોકોની સેવા કરવાની તક મળે છે કે નહીં…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here