કોરોનાના સંક્રમણની સાંકળને તોડવાના આશયથી પદયાત્રાના સંઘો, સેવા કેમ્પના આયોજકો તથા ગણપતિ મહોત્સવ મંડળો તરફથી પ્રતિબંધ મૂકવા મળેલી રજૂઆત

  • કોરોનાના સંક્રમણને અટકાવવા શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રા, તાજીયાના જૂલુસ, સેવા કેમ્પ તથા શોભાયાત્રા સ્વરૂપે કરાતા મૂર્તિ વિસર્જન સહિતની કોઇ પણ પ્રકારની જાહેર ઉજવણી પર પ્રતિબંધ – ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
  • રાજ્યના નાગરિકોના આરોગ્યના હિતમાં લેવાયેલા આ નિર્ણયને આવકારી ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણીથી અળગા રહેવા અને કોરોનાના સંક્રમણને અટકાવવા સહભાગી થવા પ્રજાને અપીલ

દિલીપ ગજ્જર(ગાંધીનગર)

ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારીને ધ્યાને રાખી વિવિધ પદયાત્રા- સંઘો, સેવા કેમ્પના આયોજકો તેમજ ગણપતિ મહોત્સવ મંડળો તરફથી આ વર્ષે આ પ્રકારના તહેવારોમાં જાહેર ઉજવણી ન કરવા અનેક રજૂઆતો મળેલી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમજ રાજ્યના નાગરિકોના આરોગ્યના હિતમાં આગામી દિવસોમાં આવતા તમામ પ્રકારના ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી અને લોક મેળાઓ પર પ્રતિબંધ મુકવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે.

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ વાળી અમારી સરકારની દીર્ઘદ્રષ્ટિ અને સમયસરના પગલા તથા અસરકારક કામગીરીના પરિણામે અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં સંક્રમણનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળી છે. એમા પણ વ્યાપક જનસહયોગ મળ્યો છે એવો જ સહયોગ આગામી સમયમાં અવિરતપણે મળશે તો ચોકકસ આપણે સંક્રમણને આગળ વધતું અટકાવી શકીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે.

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યુ કે આ માસમાં આવતા તહેવારો જેવા કે જન્માષ્ટમી, પર્યુષણ પર્વ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરનો મેળો, ગણપતિ ઉત્સવ, રામાપીરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો તેમજ તેના આનુષાંગિક પગપાળા સંઘો, પદયાત્રીકોના માર્ગમાં યોજાતા સેવા કેમ્પો અને મહોરમ – તાજીયાના જુલુસ તથા શોભાયાત્રા અને વિસર્જન વગેરે જેવા આસ્થાના પ્રતિક સમા તહેવારો અને લોકમેળાઓ યોજાતા હોય છે.


આ વર્ષે કોરોનાના કપરા કાળમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને લોકો સ્વસ્થ રહે એ માટે આ તહેવારોમાં જાહેર ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો ન યોજવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.

તેમણે ઉમેર્યુ કે, ભાદરવી પૂનમ અંબાજીના મેળા સંદર્ભે પણ પગપાળા સંઘો તરફથી પદયાત્રા નહી યોજવા માટે રજૂઆતો મળી છે. એ તમામ લોકોની રજૂઆતો અમે સાંભળી છે અને તેઓની રજૂઆત ધ્યાને લઇને હાલની પરિસ્થિતિને અનુરૂપ રહી કોરોનાના કાળમા પગપાળા સંઘ નહી કાઢવા અને સેવાકેન્દ્રો ન ખોલવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એ જ રીતે ગણપતિ મહોત્સવમાં પણ લોકો માટીની મૂર્તિનુ પોતાના ઘરમાં જ સ્થાપન અને વિસર્જન કરે તેમજ આ વેળાએ યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તેવી અપીલ છે. આ તમામ તહેવારોમાં નાગરિકોનો વ્યાપક જન સહયોગ મળી રહેશે તો ચોકકસ સંક્રમણ ઘટશે એવો મને વિશ્વાસ છે.

મંત્રી શ્રી જાડેજાએ આગામી સમયમા આવતા તમામ તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ તકેદારી રાખી તહેવારો ઉજવવા નાગરિકોને અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here