પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૦ હેતુ રોજગાર કચેરી, ગોધરા ખાતે અરજી કરવી

૨૪મી ઓગષ્ટ, ૨૦૨૦ સુધી કચેરી સમય દરમિયાન અરજી કરી શકાશે

માહિતી બ્યુરો, ગોધરા

પંચમહાલ જિલ્લા રોજગાર અધિકારી (વ્ય.મા.)ની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર વર્ષ-૨૦૨૦ અંતર્ગત જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિકની અરજી ૨૪ ઓગષ્ટ, ૨૦૨૦ સુધી જિલ્લા રોજગાર કચેરી, ગોધરા ખાતે સ્વીકારવામાં આવશે. જિલ્લાના ૧) શારીરિક ક્ષતિ ધરાવતા શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ ૨)દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા ૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ ઓફિસર્સના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના પારિતોષિક માટે ઉમેદવારી નોંધાવવા માંગતા વ્યક્તિઓ આગામી ૨૪મી ઓગષ્ટ, ૨૦૨૦ સુધી અરજી કરી શકશે. આ માટેનું અરજી ફોર્મ ગોધરા ખાતેની જિલ્લા રોજગાર કચેરી ખાતેથી મેળવી શકાશે તેમજ વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી ડાઉનલોડ પણ કરી શકાશે.

૪૦ ટકા કે તેથી વધુ ક્ષતિ ધરાવતા અંધ, બહેરા-મૂંગા, અપંગ, રક્તપિત્ત તથા મંદબુદ્ધિવાળા કર્મચારીઓ/સ્વરોજગાર કરતી વ્યક્તિઓ તથા તેમને કામે રાખનારા નોકરીદાતા તથા તેમને થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરનાર પ્લેસમેન્ટ ઓફિસરો આ માટે અરજી કરી શકશે. સંપૂર્ણ વિગતો સાથેની અરજી બે નકલમાં સાધનિક કાગળો સાથે રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન ગોધરા ખાતેના જિલ્લા સેવાસદન-૦૨માં આવેલી રોજગાર કચેરી ખાતે રૂબરૂ ચેકલીસ્ટ મુજબ ચકાસણી કરી સ્વીકારવામાં આવશે. દિવ્યાંગ કર્મચારી/સ્વરોજગાર કરનારે તેમના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ત્રણ માસની અંદર મેળવેલ દિવ્યાંગતાનું દાક્તરી પ્રમાણપત્ર અને પોસ્ટ કાર્ડ સાઈઝનો ફોટો તેમજ દિવ્યાંગ વ્યક્તિને કામે રાખનારે છેલ્લા ત્રણ વર્ષમાં નોકરી પર રાખેલ તમામ કર્મચારીઓની યાદી તેમજ દિવ્યાંગ કર્મચારીઓની વિગતો રજૂ કરવાની રહેશે. પારિતોષિક સ્પર્ધામાં ભાગ લેવા માટે પોલિસ વેરીફિકેશન પ્રમાણપત્ર પણ અરજી ફોર્મ સાથે રજૂ કરવાનું રહેશે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here