9 દિવસના ‘રાજા’ બનતા મતદારો : મોઢે માંગી વાનગી પીરસતાં રાજકીય પક્ષો !

રાજકોટ, આરીફ દિવાન (મોરબી)

ઠેર-ઠેર ભજિયા-તાવાપાર્ટી યોજીને મતદારોને ‘ખુશ’ કરવા ઉમેદવારો મેદાને: અમુક સ્થળે તો છાશ-ગાંઠિયાનું પણ વિતરણ: ભોજનીયા કરાવીને મતદારોને આકર્ષી લેવાનો ‘તાલ’ જૂનો થઈ ગયો છતાં ‘પરંપરા’ જાળવી રાખતાં રાજકારણીઓ”

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના મતદાનને આડે હવે 9 દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે મતદારો એક દિવસના ‘રાજા’નો તાજ પહેરવા માટે સજ્જ બની ગયા છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી ચૂંટણીઓ આવે ત્યારે મતદારોને ભોજનીયા કરાવીને ‘ખુશ’ કરી દેવાની વણલખી પરંપરા ચાલી આવે છે ત્યારે આ વખતે મહાપાલિકાની ચૂંટણીમાં પણ તે સિલસિલો યથાવત જ રાખવામાં આવ્યો છે.

ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી દ્વારા જેવા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી કે દરેક પોતપોતાના વોર્ડના મતદારોને પોતાની તરફ ખેંચી લાવવા માટે એડીચોટીનું જોર લગાવતાં થઈ ગયા છે. શહેરના અનેક વોર્ડમાં અત્યારથી જ ભજિયા-તાવાપાર્ટીના આયોજનો ગોઠવાવાનું શરૂ થઈ ગયું છે તો અમુક સ્થળે વળી ગાંઠિયા-છાશ પીરસીને લોકોને આકર્ષવા માટે મહેનત કરાઈ રહી છે.

બીજી બાજુ ભોજનીયાનું આયોજન થાય એટલે મતદારો પણ જાણે કે તે જ ઉમેદવાર તરફી હોય તેવી રીતે ભારે ઉત્સાહથી પહોંચી પણ રહ્યા છે અને બિન્દાસ્તપણે ઉમેદવાર દ્વારા આયોજિત કરાયેલા ભોજનીયા આરોગી રહ્યા છે પરંતુ જો તેમને પૂછવામાં આવે કે શું તમે તમારો મત આ ઉમેદવારને જ આપશો ? એટલે મતદાર તુરંત જ હસીને ચાલતી પકડવા લાગે છે !

એકંદરે ભોજનીયા કરાવીને લોકોને ‘ખુશ’ કરવાનો કીમિયો ઘણો જૂનો થઈ ગયો હોવા છતાં રાજકીય પક્ષો હજુ સુધી આ પરંપરા તૂટવા દેતાં નથી અને આ થકી જ મતદાર તેમના તરફી આવશે તેવો આશાવાદ સેવીને આ પ્રકારના આયોજનો કરી રહ્યા છે. અત્યારે ઉમેદવારો દ્વારા શેરી-ગલીઓમાં ભોજનપ્રોગ્રામ ગોઠવવામાં આવી રહ્યો છે. જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જશે તેમ તેમ સોસાયટીઓ, વિવિધ સામાજિક સંગઠનો સહિતનાને પણ નોંતરું આપવામાં આવશે અને પોતાની તરફ જ મતદાન થાય તે માટે તેમના ‘મનામણા’ કરવામાં આવશે. બીજી બાજુ મતદાર પણ ‘શાણો’ બની ગયો હોય તેવી રીતે બોલતો સંભળાય છે કે અત્યારે અમે આ પક્ષનું ભોજન લઈ લીધું છે, હવે સાંજે અથવા કાલે બીજા પક્ષનું ‘ગોઠવાઈ’ ગયું છે તો ત્યાં જઈને પલાંઠી વાળી લેશું !

બીજી બાજુ આ પ્રકારના જેટલા જેટલા આયોજનો થઈ રહ્યા છે તેમાં ન તો ક્યાંય સોશ્યલ ડિસ્ટન્સ કે ન તો ક્યાંય ફરજિયાત માસ્કનો નિયમ પાળવામાં આવી રહ્યો છે. જાણે કે કોરોના હોય જ નહીં તેવી રીતે આયોજનો થઈ રહ્યા હોવાથી કોરોનાને મોકળું મેદાન ન મળી જાય તેનું ધ્યાન રાખનારું કોઈ હોતું નથી તે અત્યંત ચિંતાની વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here