હીટવેવની આગાહી… આકરા તાપમાં લૂ લાગવાથી બચવા બપોરે 12 થી 4 સુધી બહાર નીકળવાનું ટાળવું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી

હાલ ઉનાળાની ઋતુ શરુ થઈ ચુકી હોવાથી અને જિલ્લામાં હીટવેવની આગાહીને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હીટવેવ સામે સુરક્ષા અંગેની આગોતરી સાવચેતી અને ધ્યાને લેવાનાં પગલા અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હીટ વેવની સ્થિતિ શારીરિક તાણમાં પરિણમી શકે છે, જેનાં પગલે મૃત્યુ પણ થઈ શકે છે. હીટ વેવ દરમિયાન અસર ઘટાડવા અને હીટ સ્ટ્રોકને કારણે ગંભીર બિમારી અથવા મૃત્યુને રોકવા માટે આ મુજબનાં પગલા લેવા જોઈએ. રેડિયો-ટીવી-અખબારનાં માધ્યમથી પોતાનાં વિસ્તારમાં હીટવેવની સ્થિતિ વિશે જાણકારી રાખવી જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી લેવું જોઈએ. ઓઆરએસ, લસ્સી, પાકી કેરીનો રસ, કાચી કેરી, લીંબુ પાણી, છાશ જેવા ઘરે બનાવેલા પીણાઓનો ઉપયોગ કરવો જોઈએ, જેથી શરીર નિયમિત રીતે હાઈડ્રેટ રહે. હળવા, હળવા રંગનાં, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા જોઈએ. તડકામાં બહાર જતી વખતે રક્ષણાત્મક ગોગલ્સ, છત્રી/ટોપી, શૂઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવા, ઘર બહાર હોઈએ ત્યારે માથાને ઢાંકવા કાપડ, છત્રી, ટોપીનો ઉપયોગ કરવા જણાવાયું છે. આ ઉપરાંત, જરૂર ન હોય ત્યાં સુધી ઘરમાં રહેવા, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરી ઘરને ઠંડુ રાખવા, નીચેના માળ પર રહેવા, પંખા-ભીના કપડાનો ઉપયોગ કરવા, ઠંડા પાણીથી સ્નાન કરવા માર્ગદર્શિકામાં જણાવાયું છે. આ ઉપરાંત હીટ સ્ટ્રોક, હીટ રેશ અથવા હીટ ક્રેમ્પ જેવા કે નબળાઈ, ચક્કર, માથાનો દુખાવો, ઉબકા, પરસેવો અને હુમલાનાં ચિહ્રનો છે. આવા ચિહ્નો દેખાય અથવા તમે બેભાન અથવા બિમાર અનુભવો તો તરત દાક્તરી સલાહ લેવા જણાવાયું છે. આ ઉપરાંત, પ્રાણીઓને પણ છાંયડામાં રાખવા અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપવું જોઈએ. હીટ વેવની સ્થિતિમાં તડકામાં બહાર જવાનું ટાળવા, ખાસ કરીને બપોરે 12.00 થી 4.00 કલાકની વચ્ચે બહાર જવાનું, ઘાટા,ભારે અથવા ચુસ્ત કપડા પહેરવાનું, ખુલ્લા પગે બહાર જવાનું ટાળવુ જોઈએ. જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત શ્રમની પ્રવૃતિઓ કરવાનું, રસોઈ કરવાનુ ટાળવું જોઈએ. રસોઈ કરવાની જગ્યામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લા રાખવા જોઈએ. હાઈ પ્રોટિન ધરાવતો ખોરાક-વાસી ખોરાક ન ખાવો જોઈએ, આલ્કોહોલ, ચા-કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિન્ક્સ કે જે શરીરને ડિહાઈડ્રેટ કરે છે તે લેવાનું ટાળવું જોઈએ તેમ વહીવટીતંત્રની માર્ગદર્શિકામાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here