સિધ્ધપુરની સૈફી જ્યુબીલી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજને બંધ કરવાનો કારસો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉચ્ચશિક્ષણ માટે કોઈ સવલત નહોતી અને સિધ્ધપુર પંથકના આર્ટસ કોમર્સના વિદ્યાર્થીઓને ધો ૧૨ પછી વધુ અભ્યાસ માટે અમદાવાદ,મહેસાણા જેવા દૂરના સ્થળોએ જવું પડતું ત્યારે સિધ્ધપુર ખાતે દાઊદી વ્હોરા સમાજના ૫૧ મા ધર્મગુરૂ હીઝ હૉલિનેસ ડૉ સૈયદના તાહેર સૈફુદ્દીન સાહેબ(ર.અ.)ના આશિર્વાદ અને પ્રેરણાથી બનેલ સમાજની એજ્યુકેશન વિંગ દ્વારા સૈફી જ્યુબિલી આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ શરૂ કરવામાં આવી હતી.આ સંસ્થા ૬૦ વર્ષો કરતાં પણ વધારે સમયથી શિક્ષણ પીરસવાનું કામ કરી રહી છે.સિધ્ધપુર તેમજ આજુ બાજુના વિસ્તારની ત્રણ કરતાં વધારે પેઢીઓ આ કૉલેજમાં શિક્ષણ લઈ ચુકી છે.સિદ્ધપુરમાં દાઊદી વ્હોરા સમાજે શહેરમાં હોસ્પિટલ,ટાવર, નગર પાલિકાની ઓફિસ સહીત ની સખાવતો આપી છે. સ્કૂલ અને કૉલેજ શરૂ કરીને સસ્તુ અને ગુણવત્તા યુકત શિક્ષણ આપ્યું છે. એસ.જે.કૉલેજના વિદ્યાર્થી ઓ પ્રોફેસરોના માર્ગદર્શન માં અભ્યાસ ઉપરાંત સામાજિક સેવા, રમત ગમત,સાંસ્કૃતિક કાર્યક્રમો અને કુદરતી આપદા ના સમયે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં અગ્રહરોળે રહ્યા છે.આ કોલેજમાંથી પાસઆઉટ કેટલાય વિદ્યાર્થીઓ સફળ ઉદ્યોગપતિઓ,વેપારીઓ, અધિકારીઓ,રાજનિતીજ્ઞો સહિત જુદાજુદા ક્ષેત્રોમાં સફળ રહેલા છે.એક સમયે સિધ્ધપુરને શૈક્ષણિક ક્ષેત્રે નામના અપાવવામાં પણ એસ.જે કૉલેજની મોટી ભૂમિકા રહી છે.છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારે મળતીયાઓ અને વગદાર લોકોને સેલ્ફ ફાઈનાન્સવાળી શિક્ષણની હાટડીઓ ખોલી દેવાની ખુલ્લી છૂટ અને આશિર્વાદ આપ્યા છે જેના કારણે એસ.જે.કોલેજ જેવી અનેક સંસ્થાઓને યેનકેન પ્રકારે તાળા મારવાનો વારો આવ્યો છે.સમય સાથે કદમ નહી મિલાવી આધુનિકતા તેમજ નવા અભ્યાસક્રમો નહી અપનાવનાર એસ.જે. કૉલેજ આજે યુનિવર્સીટી ની ગ્રાંટની મળતી હોવા છતાં ડચકાં ખાઈ રહી છે. ખાનગી કૉલેજો સમયની માંગ મુજબ નવાનવા અભ્યાસ ક્રમો ઓફર કરે છે અને વિદ્યાર્થીઓને વૈશ્ર્વિક ફલક ઉપર ઉભરવા એક પ્લેટફોર્મ પુરુ પાડે છે ત્યારે એસ.જે. કૉલેજમાં છેલ્લા ૩૫ વર્ષથી હજુ સુધી એજ આઉટડેટેડ વિષયો ભણાવાય છે.આ કોલેજમાં ચાલતો એમ.કોમ.નો અભ્યાસક્રમ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ કરી દેવો પડ્યો છે.હાલ ફક્ત બી.એ.તેમજ બી.કોમ.નો અભ્યાસક્રમ ઓફર કરવામાં આવે છે.અન્ય કોઈ કોલેજમાં એડમિશન ના મળ્યું હોય તેવા જ વિદ્યાર્થીઓ ના છૂટકે અહીં એડમિશન લેતા હોય છે.તેવી પરિસ્થિતિ બની જવા પામી છે.આજે કૉલેજમાં ગણ્યાંગાંઠ્યા કર્મચારીઓ તો પ્રોફેસર ફક્ત નામ પુરતા જ રહ્યા છે.છેલ્લા કેટલાય સમયથી મેનેજમેન્ટને કૉલેજ ચલાવવામાં બીલ્કુલ રસ ના હોય તેવું લોકોને લાગી રહ્યું છે અને તેઓ કૉલેજ બંધ કરવાના બહાના શોધી રહ્યા હોવાની વાતો સમયાંતરે ઉઠતી રહી છે. આ કૉલેજ ચલાવવા ટ્રષ્ટિમંડળ નિરસતા દર્શાવી રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.અત્રે નોંધનીય છે કે કૉલેજ બિલ્ડીંગ અને કેમ્પસ સૈફી જ્યુબીલી સ્કૂલ એન્ડ મદ્રેસા-એ-યુસુફીયા સોસાયટીની માલિકીનું છે. આ સોસાયટી દ્વારા કૉલેજના પ્રિન્સીપાલને લેખીતમાં અલ્ટીમેટમ આપી દેવાયુ છે જે મુજબ જુન ૨૦૨૨ પછી જો સદર કૉલેજ ચાલુ રાખવી હોય તો બિલ્ડીંગ અને કેમ્પસનું મહીને પાંચ લાખ રૂપિયા ભાડુ કૉલેજે ટ્રસ્ટને ચુકવવું પડશે તો જ કૉલેજ ચલાવવાની ટ્રસ્ટ મંજૂરી આપશે અન્યથા જુન- ૨૦૨૨ પછી કૉલેજને અન્ય સ્થળે ખસેડવા જાણ કરવામાં આવી છે મતલબ સ્પષ્ટ છે કે આ ગ્રાન્ટેડ કૉલેજને આગામી સત્રથી ચોક્કસ તાળા લાગી જશે.
આમ કોલેજ કેમ્પસ અને બિલ્ડીંગના ટ્રષ્ટિમંડળ દ્વારા સિધ્ધપુર જેવા નાના સેન્ટરમાં માસીક પાંચ લાખ રૂપિયા જેટલી માતબર કહી શકાય એવી અધધ રકમ ભાડા પેટે ચુકવવા કોલેજને અલ્ટીમેટમ આપી જો આ ભાડું ના આપી શકો તો કોલેજને અન્યત્ર સ્થળાંતર કરવા પ્રિન્સિપાલને લેખિત માં જાણ કરી માથે થી ખભે કરવાની નીતિરીતી અખત્યાર કરી કૉલેજ બંધ કરવાની દાનત છતી કરવામાં આવી હોવાનું દેખાઈ રહ્યું છે.સિધ્ધપુર પંથકના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ખાનગી કૉલેજોની તગડી ફી ચૂકવવી પોસાય નહી ત્યારે યુનિવર્સીટી સંલગ્ન આ ગ્રાન્ટેડ કૉલેજ આવા લોકો માટે આશિર્વાદરૂપ છે જે બંધ ના થાય તે માટે સામાજિક સંસ્થાઓ, જાગૃત નાગરીકો,રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો પ્રયાસ કરે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here