સરકારની ગાઈડ લાઇન પ્રમાણે સિધ્ધપુરમાં ગામધણીની રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન

સિધ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

ગામધણી શ્રી ગોવિંદરાયજી – શ્રી માધવરાયજી ચાંદીના રથ માં બિરાજી ૭૮ મી નગર પરિક્રમા કરી

ધાર્મિક નગરી સિધ્ધપુર ખાતે અષાઢ સુદ-બીજને સોમવાર (12 મી જુલાઈ) ના રોજ રાજ્ય સરકારના કોવિડ-19 ના નિયમોને આધીન રહીને સરકાર તરફથી મળેલ મજૂરી ને અનુરૂપ શ્રી ગોવિંદરાયજી-શ્રી માધવરાયજીની રથયાત્રા નીકળી હતી. રથયાત્રા -શોભાયાત્રા સાંજે 5.00 કલાકે શ્રીજીના મંદિરેથી નીકળી મંડીબજાર,નિશાળચકલા, પથ્થર પોળ, છુવારાફળી, અલવાનો ચકલા થી સીધી મહેતાપોળ થઈ ને મંડીબજાર,ધર્મચકલા થઈને સરસ્વતી નદીના કિનારે પહોંચી હતી. ગામઘણીના ચાંદીના રથને સિદ્ધપુરના બ્રાહ્મણ યુવાનો એ પીતાંબર ધારણ કરી નગરયાત્રા કરાવી હતી. રથયાત્રા સરસ્વતિ ના તટે પહોંચ્યા બાદ ભગવાન ની પાદુકાઓને સરસ્વતીના નીર થી શાસ્ત્રોગત વિધિ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરી પખાલવામાં આવ્યા હતા. જ્યાં ભગવાનની પાદુકા પૂજન આરતી કરી અને ત્યાંથી સાંજના 7 વાગે રથ પરત નિજ મંદિરે લાવવામાં આવ્યો હતો.બાદમાં નિજમંદિરમાં બન્ને ભગવાન ની આરતી ઉતારવામાં આવી હતી.રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે એસપી પાટણ,સિદ્ધપુર ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ ઓ સહિત પોલીસ સ્ટાફ તેમજ મંદિર કમિટી એ ખૂબ જ સુંદર કાર્ય કર્યું હતું.કોરોના મહામારીના કારણે સરકારી ગાઈડ લાઇન મુજબ મંદિર કમિટી દ્વારા રથયાત્રામાં જોડાવા નગરજનોને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.મંદિર કમિટી દ્વારા આ વખતે રથ સાથે પ્રસાદની લારી રાખવામાં આવી નહોતી જેના બદલે ત્રણ જગ્યાઓ મંડીબજાર, પથ્થર પોળ અને અલવાનો ચકલો એમ આ ત્રણ જગ્યાએ રથયાત્રા પસાર થયા બાદ પ્રસાદ વિતરણ કરવાનું આયોજન કરાયું હતું.આમ,ગામધણી શ્રી ગોવિંદરાયજી શ્રી માધવરાયજીની રથયાત્રા સરકારની ગાઈડલાઇન પ્રમાણે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.નગરજનો એ પણ કોરોના મહામારી માં સરકારની ગાઈડલાઇન પ્રમાણે દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here