શ્રાવણના છેલ્લા દિવસ સોમવતી અમાસે સિદ્ધપુરના શિવાલયોમાં ભક્તિમય માહોલ જામ્યો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુરમાં પવિત્ર શ્રાવણ માસના છેલ્લાં સોમવાર(સોમવતી અમાસ)ના દિવસે ભોલેનાથના ભક્તોનો સ્વયંભૂ શિવાલયોમાં વહેલી સવારથી જ દર્શન માટે ધસારો જોવા મળ્યો હતો.સિધ્ધપુરના વિદ્વાન ભૂદેવો દ્વારા શહેરના અનેક શિવાલયોમાં હોમ-હવન લઘુ રૂદ્રયાગ,શિવાભિષેક, શિવયાગ જેવા ધાર્મિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.શ્રાવણી અમાવસ્યાના પવિત્ર દિવસે સરસ્વતી નદીના કિનારે આવેલા અલગઅલગ સ્વયંભૂ મહાદેવ પૈકી શ્રી અરવડેશ્વર મહાદેવમાં ગતરોજ તેમજ શ્રી વાલકેશ્વર મહાદેવમાં આજરોજ પ્રથમ વખત જ અન્નકૂટ(છપ્પનભોગ પ્રસાદ)ધરાવાયા હતા. અરવડેશ્વર મહાદેવમાં હોમાત્મક લઘુ રુદ્રાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના યજમાનપદે ધર્મેન્દ્રભાઈ ભટ્ટ તેમજ આચાર્યપદે વિક્રમભાઈ પંચોલી બિરાજ્યા હતા. આ ઉપરાંત બ્રહ્માંડેશ્વર, વાલ્કેશ્વર,વટેશ્વર મહાદેવ માં હોમાત્મક લઘુ રુદ્રયાગ તેમજ પ્રતિવાર્ષિક કરાતો શિવયાગ કરાયો હતો. બાવાજીની વાડીમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ તેમજ બિંદુ સરોવર નજીક આવેલા સિદ્ધેશ્વર, નીલકંઠેશ્વર,સિદ્ધનાથ
(પટેલ લોકનો મહાડ), પાતાલેશ્વર મહાદેવ જેવા વિવિધ શિવમંદિરોમાં પૂજા-અર્ચના સાથે ફુલવાડીનું સુંદર આયોજન કરાયું હતું.કાશીવિશ્વનાથ યુવકમંડળ દ્વારા બ્રહ્મપોળ માં બરફના મહાદેવ બનાવાયા હતા.સિદ્ધપુરમાં આવેલા પાંચેય સ્વંયભુ મહાદેવ સહીત શહેરના વિવિધ પ્રાચીન શિવાલયો માં દેવાધિદેવને રીઝવવા તેમજ સમગ્ર દેશ સહિત વિશ્વ કોરોના મહામારી માંથી સત્વરે ઉગારવા ભાવભક્તિપૂર્વક ધૂન, ભજનોનું આયોજન કરાયું હતું.નિજશિવમંદિરોમાં ફૂલવાડી,આકર્ષક રંગોળી ઓ,દીવાઓ પ્રગટાવી તમામ મંદિરોને મનમોહક સુશોભિત પણ કરવામાં આવ્યા હતા.અનેક શિવમંદિરોમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. યોગાનુગોગ સોમવતી અમાસે આવેલા શ્રાવણના છેલ્લા સોમવારે હર હર મહાદેવના નાદ થકી તરબોળ બનેલાં શિવ ભક્તોથી સમગ્ર વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here