શ્રમ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ કેમ્પો કરીને શ્રમયોગીઓને સરકારની યોજના હેઠળ આવરી લેવા ઝુંબેશ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

અસંગઠિત શ્રેત્રનાં 51,537 શ્રમયોગીઓને ઈ-શ્રમ કાર્ડ થકી વીમા યોજનામાં આવરી લેવાયા

કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રનાં તમામ શ્રમયોગીઓને સામાજિક સુરક્ષા બક્ષવાના હેતુથી તેમને વિનામૂલ્યે વીમા યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે ઇ-શ્રમ કાર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં શ્રમ વિભાગની કચેરી દ્વારા વિવિધ સ્થળે કેમ્પ યોજીને શ્રમયોગીઓને કાર્ડ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 51,537 શ્રમયોગીઓને આ કાર્ડ આપી દેવામાં આવ્યા છે. અસંગઠિત શ્રમયોગીની નોંધણી માટે અસંગઠિત શ્રમયોગી સામાજિક સુરક્ષા અધિનિયમ ૨૦૦૮ની કલમ ૨ મુજબ ઘરેલુ શ્રમયોગી, સ્વરોજગાર મેળવતા શ્રમયોગી કે વેતન શ્રમયોગીનો સમાવેશ કરવામાં આવે છે. આ ઇ-શ્રમ કાર્ડની નોંધણી કોમન સર્વિસ સેન્ટર ખાતેથી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૧૦૦ દિવસમાં લાભાર્થીને તેમને મળવાપાત્ર સહાય આપવાની લક્ષ્યાંક નિયત કર્યો છે, તેમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક શ્રમયોગીઓનાં આ કાર્ડ બની શકે છે. ઘરના નોકર-નોકરાણી, કામવાળી બહેનો, રસોઈ કરતી બહેનો (રસોઈયા), કુલી, રિક્ષા ચાલક, લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવા વાળા, ખાવાની વસ્તુને લારીમાં વેચવા વાળા, હાટડીવાળા, ચા વાળા, હોટલનાં નોકર/વેઈટર, રિક્ષાચાલક, ડ્રાઈવર, પંચર રિપેર કરવા વાળા, બ્યુટી પાર્લરમાં કામ કરનારા, મોચી-દરજી, લુહાર, વાળંદ, પ્લમ્બર, ઈલેક્ટ્રીશ્યિન, કલર કામ કરનાર-વણકર, ગૃહ ઉદ્યોગ ચલાવનારા, કુટિર ઉદ્યોગમાં રોકાયેલા, ટાઈલ્સ વાળા, વેલ્ડિંગ વાળા, ખેત મજૂરો, મનરેગા વર્કર, એમડીએમ વર્કર, ઈંટ-ભટ્ટાના શ્રમયોગીઓ, પથ્થર તોડવા વાળા, મૂર્તિ બનાવવા વાળા, માછીમાર, પશુ ચરાવનારા, ડેરીવાળા, તમામ પશુપાલકો, આંગણવાડી કાર્યકર્તા, આશાવર્કર સહિત આ પ્રકારના દરેક શ્રમિકનું રજિસ્ટ્રેશન કરી શકાશે. એવા તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર 16 થી 59 વર્ષ વચ્ચેની છે, તે તમામ પાત્ર છે. રૂ. 2 લાખનો મફત વીમો, શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓનો લાભ જેવી કે બાળકોને શિષ્યવૃતિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વગેરેનો લાભ આપવાની વિચારણા છે. ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે, જેથી દેશની કોઈ પણ રાશનની દુકાનેથી રાશન પણ મળી શકશે. નોંધણી તમારી આસપાસના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર પર કરાવી શકાય છે. રજિસ્ટ્રેશન માટે દસ્તાવેજ જેમાં ફક્ત આધાર નંબર, મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબરની જરૂર છે. ઈન્કમ ટેક્સ ભરતા હોય અને પ્રોવિડન્ટ ફંડના સદસ્ય હોય તેવી વ્યક્તિને આ લાભ મળી શકશે નહીં. બેન્કમાં ખાતુ હોવુ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here