વડાપ્રધાન નરેન્દ્ મોદીના ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ કેમ્પેઈનની પ્રેરણાથી એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું કરાયું વાવેતર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં માર્ગોની આજુબાજુ ૬૦ પ્રજાતિઓના છોડનું વાવેતર કરી ગ્રીનિંગ એકતાનગર અભિયાન હાથ ધરાયું

ઊર્જાની સાથે પર્યાવરણ સંરક્ષણ માટે એકતાનગરમાં સવા લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી ગ્રીનિંગ એકતાનગર અભિયાન બન્યું વેગવતું

વિશ્વભરના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હરિયાળું એકતાનગર બન્યું આકર્ષણનું કેન્દ્ર

કૃષ્ણ કમળ વૃક્ષ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર:મેઝ (ભુલભુલૈયા) ગાર્ડનનું નિર્માણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૩૧ ઓક્ટોબરે એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અહીં તેઓ સરદાર પટેલની પ્રતિમાની પાદપૂજા કરી પુષ્પાંજલી આપશે. આ સાથે જ વડાપ્રધાન ના ક્લિન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયાના વિઝનને સાકર કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગ્રીનિંગ એકતાનગર અભિયાન હાથ ધરાયું છે,જે અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પ્રત્યેક રસ્તાની આજુબાજુ અને રોડની વચ્ચેના ભાગે ૧.૨૫ લાખથી વધુ ૬૦ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન એકતાનગર બનાવવામાં આવ્યું છે.જે હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

SOU એકતાનગરના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ કેમ્પેઈનની પ્રેરણાથી ગ્રીનિંગ એકતાનગર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગ્રીન ઇન્ડિયાને વેગવતું બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરના ૧૨ કિ.મીના વિસ્તારમાં ૬૦ જેટલી પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન એકતાનગર બનાવવામાં આવ્યું છે. જેના કારણે વિશ્વભરના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગ્રીન એકતાનગર આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.પ્રકૃતિ, સંસ્કૃતિ અને જળ સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ થઈ રહ્યો છે જે પ્રવાસીઓમાં નવી તાજીગીનો સંચાર કરે છે.ગ્રીનિગ એકતાનગર અભિયાન અંતર્ગત ટુંકા ગાળામાં જ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરી વિવિધ ગાર્ડનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં બારેમાસ ફુલોની પ્રજાતિઓ અને સ્થાનિક પ્રજાતિઓનું વાવેતર વધુ માત્રમાં કરવામાં આવ્યું છે.જેના થકી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પરિસર બારેમાર વૃક્ષોથી ઘરાયેલું અને આકર્ષિત બની રહ્યું છે.

એકતાનગર ખાતે મેઝ (ભુલભુલૈયા) ગાર્ડનનું નિર્માણ

વધુમાં વ્યાસે મેઝ ગાર્ડનની વિગતો આપતાં કહ્યું હતું કે, એકતાનગર ખાતે મેઝ (ભુલભુલૈયા) ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૩ એકર વિસ્તારમાં ફેલાયેલો આ મેઝ ગાર્ડન સમગ્ર દેશમાં સૌથી મોટો મેઝ ગાર્ડન છે, જે કુલ ૨૧૦૦ મીટરનો પાથ વે ધરાવે છે. કેવડિયા ખાતે બનાવવામાં આવેલા મેઝ ગાર્ડન ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે શ્રીયંત્ર વાતાવરણમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઊર્જા લઇને આવે છે. આ ડિઝાઇન પાછળનો મૂળ ઉદ્દેશ આ ગાર્ડનની રચનામાં સપ્રમાણતા લાવવાનો હતો, જેમાં ગૂંચવણભર્યા જટિલ રસ્તાઓનું નેટવર્ક નિર્મિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ભુલભુલૈયાની મુલાકાત લેતા પ્રવાસીઓના મન, શરીર અને ઇન્દ્રિયોને આ ગૂંચવણભર્યા રસ્તાઓ પડકારશે, તેમને અવરોધો પર વિજય મેળવવા માટે પ્રેરિત કરશે અને તેમના ડરને દૂર કરવા માટે તેમનામાં સાહસની ભાવનાનો સંચાર કરશે.

ઉલ્લેખનીય છે કે, આ સ્થળ મૂળરૂપે ખડકાળ પથ્થરોની ડમ્પિંગ સાઇટ હતી, જે હવે લીલોછમ ભૂપ્રદેશ બની ગઈ છે. આ નિર્જન વિસ્તારનું આવું પુન:રૂત્થાન તેના સૌંદર્યમાં તો વધારો કરે જ છે, પણ તેના કારણે એક વાયબ્રન્ટ ઇકોસિસ્ટમનું પણ નિર્માણ થયું છે, જે પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓને પણ આકર્ષે છે. આ મેઝ ગાર્ડનમાં એક વોચ ટાવર પણ ઊભો કરવામાં આવ્યો છે, જેના પર ઊભા રહીને આખા ગાર્ડનનું રમણીય દ્રશ્ય નિહાળી શકાય છે. આ સમગ્ર પ્રોજેક્ટ વેલી ઓફ ફ્લાવર્સને અડીને બનાવવામાં આવ્યો છે. આ ગાર્ડનની રોજબરોજની જાળવણી માટે માણસોની જરૂર પડશે, જેના કારણે સ્થાનિક લોકો માટે આજીવિકાની તકો ઊભી થઇ છે.

જાપાનના બોટનિસ્ટ(વનસ્પતિશાસ્ત્રી) અકિરા મિયાવાકીની પદ્ધતિ દ્વારા તૈયાર થયું મિયાવાકી ફોરેસ્ટ
મિયાવાકી એ જાપાનીઝ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેક્નીક છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે, સાથે જ બાજુ-બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, જેનાથી નિંદણ ઉગતું અટકે છે. પ્રથમ ત્રણ વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિમાં છોડનો વિકાસ ૧૦ ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે ૩૦ ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર ૨ થી ૩ વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા એક જંગલ ઊભું કરવામાં ૨૦ થી ૩૦ વર્ષનો સમય લાગે છે. એકતાનગરમાં સરદાર સરોવર નર્મદા નિગમના સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં એકતા મોલની નજીક ૨ એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે.જેમાં નેટિવ ફ્લોરલ ગાર્ડન, ટિંબર ગાર્ડન, ફ્રુટ ગાર્ડન, મેડિસિનલ ગાર્ડન, મિશ્ર પ્રજાતિઓનું મિયાવાકી સેક્શન, ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર સમાવેશ થાય છે.

એકતા નગર સ્થિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વાવેલા કૃષ્ણ કમળ વૃક્ષ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

કૃષ્ણ કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે. તેને અંગ્રેજીમાં પેશન ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક લોકો તેને જુનૂન ફૂલ તરીકે પણ ઓળખે છે. હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ મહત્વ છે. ફૂલનો આકાર જોઈને તેમાં મહાભારતના તમામ મહત્વના પાત્રો સમાયેલા હોવાનું લાગે છે. આ ફૂલની બહારની પાંખડીઓ જાંબલી, લાલ કે સફેદ રંગની હોય છે. તેની સંખ્યા ૧૦૦ હોવાને કારણે તેને કૌરવ કહેવામાં આવે છે. તેના પર પાંચ કળીઓ છે જેને પાંડવો કહેવામાં આવે છે. આ સિવાય પાંચ કળીઓની ઉપર ત્રણ કળીઓ છે જે બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું પ્રતિક માનવામાં આવે છે.જેને લઇ એકતા નગર સ્થિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વાવેલા કૃષ્ણ કમળ વૃક્ષ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here