રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં પંચમહાલના ગોધરા ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા જિલ્લા કક્ષાના કાર્યક્રમનું કરાયું આયોજન

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા કક્ષાએ કુલ-૨૫ કામો માટે રૂ.૪૦.૫૫ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

પંચમહાલ જિલ્લાને મેડિકલ કોલેજ મળતા આરોગ્ય ક્ષેત્રે જિલ્લો બનશે આત્મનિર્ભર -મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા મહેંદી બંગલો પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના આદિજાતી વિકાસ, તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે વિશ્વાસ થી વિકાસયાત્રા અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.જેમાં જિલ્લા કક્ષાએ જીલ્લામાં ૧૦-કરોડ સુધીના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમા કૃષિ અને સહકાર વિભાગ, ઊર્જા અને પેટ્રો કેમીકલ્સ, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન, ગ્રામ વિકાસ, જળસંપતિ વિકાસ વિભાગ વગેરેના મળી જિલ્લામાં કુલ-૧૯ કામોનું ખાતમુહૂર્ત અને ૬-કામોનું લોકાર્પણ એમ કુલ-૨૫ કામો માટે રૂ.૪૦.૫૫ કરોડના વિકાસનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોરવા હડફ તાલુકામાં ચેકડેમના લોકાર્પણ થવાને કારણે ઉનાળામાં પાણીનો સંગ્રહ થશે, જેનો સીધો જ ફાયદો સ્થાનિક ખેડૂતોને મળશે.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાના કામોના ખાતમુહુર્ત થવાને કારણે ગ્રામ્ય વિસ્તારો શહેરોથી સીધા જોડાવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓમાં વધારો થશે.

આ પ્રસંગે મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે પોતાના ઉદ્દબોધનમા જણાવ્યું હતું કે સરકારશ્રીના અથાગ પ્રયત્નો થકી ગુજરાતે છેલ્લા બે દાયકામાં વિકાસની હરણફાળ ભરી છે. આજે ગુજરાત સર્વેલેન્સ સાધનો અને જીસ્વાન નેટવર્ક થકી સુરક્ષાની દ્રષ્ટિએ સંપન્ન સજ્જ બન્યું છે. પંચમહાલ જિલ્લામાં નવીન મેડિકલ કોલેજ મળવાથી આરોગ્ય ક્ષેત્રે જિલ્લો આત્મનિર્ભર બનશે. ૨૦ વર્ષ પહેલાં ગુજરાતમાં ૨૬ એન્જિનિયર કોલેજ હતી આજે ૧૩૩ એન્જીનીયર કોલેજ બની છે. તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ જ્યોતિગ્રામ યોજના થકી ૧૮ હજાર ગામડાઓમાં રોશની પહોંચી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાના બે-અઢી દાયકા પહેલાં રોપેલાં બીજથી આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ-દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે.

આ સાથે તેમણે ગુજરાત ક્ષેત્રે થયેલ વિકાસ બાબતે જણાવ્યું કે આજે કચ્છને મળી સ્મૃતિવન અને વીર બાળક સ્મારકની ભેટ, તારંગા હિલથી અંબાજી સુધી નવી રેલવે લાઇનને મંજૂરી મળી છે. ગુજરાતમાં દેશની પહેલી ‘એર એમ્બુલન્સ’ સેવા શરૂ કરાઈ છે. વાહન કે મોબાઇલ ચોરીની ઓનલાઈન ફરિયાદ નોંધાવવા e-FIRની શરૂઆત કરવામાં આવી છે. ૧.૪૮ કરોડ PMJAY-MA કાર્ડ દ્વારા લાખો પરિવારોને રૂ. ૫ લાખ સુધીનું આરોગ્ય કવચ અપાયું છે. વિનામૂલ્યે કોરોના વેક્સિનના ૧૨ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.ભવિષ્ય ઘડતર માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી ૨.૦ ઘડવામાં આવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી માતા-બાળકને ૧૦૦૦ દિવસનું પોષણ મળે છે. આ સાથે તેમણે સાત ટીબી પેશન્ટને દવા કરાવવા સહિત તમામ પ્રકારની મદદ માટે દત્તક લેવાની જાહેરાત કરી હતી. આ સાથે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રીશ્રી અમિત શાહના લાઈવ કાર્યક્રમને નિહાળ્યો હતો તથા ફિલ્મ થકી માહિતી મેળવી હતી.

આ પ્રસંગે અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી. ચુડાસમા દ્વારા ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત તથા આયોજન અધિકારીશ્રી આર આર ભાભોર દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.

આજના આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી, ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, એ પી એમ સી ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત દંડકશ્રી અરવિંદસિંહ પરમાર સહિત જિલ્લા અને તાલુકાના સભ્યશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here