મતદાનના દિવસે મતદાન મથકની અંદર અને તેની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં મોબાઈલ,સેલ્યુલર ફોન વગેરે લઈ જવા પર પ્રતિબંધ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માટે પંચમહાલ જિલ્લામાં ૧૮-પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગ માટે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. ચુંટણી પંચ, નવી દિલ્હી ધ્વારા બંધારણની કલમ-૩૨૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ મતદાન મથકની અંદર અને આજુબાજુના ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યક્તિને મોબાઇલ, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકી-ટોકી, લેપટોપ લઈ જવા અંગે પ્રતિબંધ મૂકવા જરૂરી આદેશો બહાર પાડેલ છે.

સબબ મુક્ત અને ન્યાયી રીતે ચુંટણી પ્રક્રિયા ચાલે અને સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે માટે મતદાન મથકે મતદાનના દિવસે એટલે કે તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન શરૂ થાય અને મતદાનની કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા મતદાન મથકની અંદર તથા તેની ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યકિતને મોબાઈલ, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકી-ટોકી, લેપટોપ સાથે પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ-ગોધરા, સને.૧૯૭૩ના ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ ફરમાવે છે કે, તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ તમામ મતદાન મથકો ખાતે તેની અંદર અને તેની આજુબાજુના ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઈપણ વ્યકિત મોબાઈલ, સેલ્યુલર ફોન, પેજર, કોડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકી-ટોકી, લેપટોપ સાથે લઈ જઈ શકશે નહિ અથવા તેનો ઉપયોગ કરી શકશે નહિ.

આ આદેશનો ભંગ કરીને જો કોઈ વ્યકિત પાસે મોબાઈલ, સેલ્યુલર ફોન, પેજર, કોડલેસ ફોન અને વાયરલેસ સેટ/વોકી- ટોકી, લેપટોપ જેવા સાધનો મળી આવશે તો સ્થળ પરના સુરક્ષા અધિકારી આ સાધનો જપ્ત કરી શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ઈસમ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાના ભંગ કરનાર સામે ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

આ હુકમના નિયંત્રણો મતદાન મથકના ફરજ ઉપરના પ્રિસાઈડીંગ ઓફીસરો, ફરજ પરના બીએલઓ, ચૂંટણીપંચના નિરીક્ષકો તથા નિરીક્ષકોના લાયઝન અધિકારીશ્રી, સેકટર ઓફિસર, માઇક્રો ઓબ્ઝર્વર, કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ ધરાવતા અધિકારીઓ, સુરક્ષા અધિકારીઓ અથવા વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીએ નિમેલા ચૂંટણી ફરજ પરના અધિકારીને લાગુ પડશે નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here