પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કિસાન ગોષ્ઠીનું કરાયું આયોજન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

પ્રાકૃતિક ખેતીથી જમીન અને પર્યાવરણ બચાવવાની સાથે આવનારી પેઢીને રોગમુક્ત તથા ધરતીમાતાને ફળદ્રુપ બનાવી શકાય છે

પ્રધાનમંત્રીશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિધ્ધ કરવા પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કિસાન ગોષ્ઠીનું આયોજન કર્યુ હતુ. જેમાં જીલ્લા સંયોજક(પ્રાકૃતિક ખેતી), તલાટી કમ મંત્રીશ્રી, જીલ્લા ગ્રામ વિકાસ એજંસીના અધિકારીશ્રી, આત્મા પ્રોજેક્ટના તાલુકા લેવલના બ્લોક ટેકનોલોજી મેનેજર દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોને પ્રાકૃતિક ખેતીના ચાર આધાર સ્થંભ વિશે માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું.

પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતોને રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાથી થતી કેન્સર જેવી બિમારીઓ અને અન્ય આડઅસરોથી મુક્તિ અપાવી ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી તરફ વાળી શકાય એમ છે. વધુંમાં, આ ખેતી થકી ખેડૂતોની આવક બમણી કરવાનો સરકારશ્રીનો નિર્ધાર પૂર્ણ કરી શકાય એમ છે. ખેડૂતો રસાયણ મુક્ત ખેતી તરફ વળતા દેશને વિદેશોમાંથી ખાતર ખરીદીમાં લાખો રૂપિયાનું વિદેશી હુંડીયામણની બચત થશે.

તાલુકા સંયોજક દ્રારા પ્રાકૃતિક કૃષિના ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જમીન અને પર્યાવરણ બચાવીને આવનારી પેઢીને રોગમુક્ત બાનાવીએ અને આપણી ધરતીમાતાની ફળદ્રુપતા જાળવી રાખીએ તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને વાળવા માટે જણાવ્યું. જિલ્લા સંયોજકે જણાવ્યુ કે આ ખેતી થકી આપણે ગૌ-વંશ ને બચાવી શકીશુ અને સાથે સાથે ગાય ના ગૌમુત્ર થી પણ કેટલાક અસાધ્ય રોગોનો ઇલાજ શક્ય છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા વધુમા વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે મોટા પાયે પ્રચાર પ્રસાર કરવામા આવી રહ્યો છે.

કિસાન શિબીરમા ખેડૂતોએ વધારાના કોઈપણ પ્રકારના ઇનપુટ બજારમાંથી ખરીદયા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમુત્રથી ૩૦એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે અને તેના લાભ અને ખેતી પદ્ધતિ બાબતે પણ માર્ગદર્શન આપ્યુ હતુ. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ઝીરો બજેટ ખેતી પદ્ધતિ થકી ખેતી ખર્ચમાં ઘટાડો કરી નફાશક્તિમાં વધારો કરે એ માટે ગ્રામજનોને કાર્યક્રમમાં અનુરોધ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here