પંચમહાલ જિલ્લામાં કેમ્પા યોજના હેઠળ ગોધરા વન વિભાગ દ્વારા કરાયેલી સુંદર કામગીરી

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

નાંદરખા પાસેના વનમાં ૬ પર્કોલેશન ટેન્કના નિર્માણ દ્વારા ૧.૬૮ કરોડ લિટરથી વધુ પાણીનો સંગ્રહ
આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઉંચા આવશે

૧૭ હજારથી વધુ વૃક્ષોના વાવેતર પણ કરાયું

ગોધરા વન વિભાગ દ્વારા વેજલપુર રેન્જ ખાતે વરસાદના પાણીનો સંગ્રહ કરી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સ્તર ઉંચુ લાવવાના પ્રયાસના ભાગરૂપે છ પર્કોલેશન ટેન્કનું નિર્માણ કરી જિલ્લામાં જળસંચયક્ષેત્રે ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી છે. આસપાસના વિસ્તારોના ખેડૂતો માટે પિયતની વધુ સારી સવલત ઉભી કરવાના હેતુથી વન વિભાગ દ્વારા કેમ્પા (વળતર વનીકરણ યોજના) હેઠળ ૩૦ લાખથી વધુના ખર્ચે ૬ જેટલી પર્કોલેશન ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી મહિપાલસિંહ પરમાર જણાવે છે કે આસપાસના વિસ્તારના નાંદરખા, વાંટા, રીછીંયા સહિતના ગામના લોકો પિયત માટે કૂવા, બોર, તળાવ જેવા સ્ત્રોતોમાંથી ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે અને ૨૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં પથરાયેલ નાંદરખાના વન વિભાગની જમીન પર ચોમાસા દરમિયાન પડતું પાણી વ્યર્થ વહી જતું હતું. તેથી પર્કોલેશન ટેન્કના નિર્માણ દ્વારા આ પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવે અને પરિણામે ઉનાળામાં પણ ગ્રામજનોને સરળતાથી પાણી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ખેત તલાવડીઓનું નિર્માણ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે એક તલાવડી પાણીથી પૂર્ણ રીતે ભરાય ત્યારે પાણી બીજા નંબરની તલાવડીમાં અને ત્યારબાદ ત્રીજા નંબરની તલાવડીમાં એમ ક્રમશઃ તમામ ૬ તલાવડીઓમાં ભરાય. હાલમાં જિલ્લામાં પડેલા સારા વરસાદ બાદ આ છ તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી છે. આ તલાવડીઓના નિર્માણથી ૧ કરોડ ૬૮ લાખ લિટરથી વધુ પાણીનો સંગ્રહ કરી શકાયો છે, જેથી આસપાસના વિસ્તારના ખેડૂતો પાણી બાબતે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. પાણીનો સંગ્રહ જળવાઈ રહે તો માઈગ્રેટરી બર્ડસ પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઉતરી આવે તેવી સંભાવના પક્ષીપ્રેમીઓ વ્યક્ત કરી હતી, જે પ્રવાસીઓ માટે એક વધુ આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત, કેમ્પા (કોમ્પનસેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરીટી) યોજના હેઠળ આ વિસ્તારમાં ૧૭, ૧૬૦ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષોમાં કરંજ, સાગ, વાંસ, બીઓ, જાંબુ, રાયણ સહિતના ફળ આપતા, ઈમારતી લાકડું આપતા વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, બારે માસ લીલા રહે તે પ્રકારના વૃક્ષોથી આકાશમાંથી જોતા “ગોધરા વન વિભાગ” લખેલ વંચાય તે પ્રકારે ગોઠવણ કરવામાં આવી છે. વૃક્ષોની મદદથી તૈયાર કરાયેલ આ લખાણ ગોધરા વન વિભાગ દ્વારા વિસ્તારમાં કરવામાં આવેલી સુંદર કામગીરીનું પ્રતીક અને વિશેષ ઓળખ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here