પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી, પોલિસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

ગોધરા,(પંચમહાલ) સાજીદ શેખ

ડર્યા વિના રસી મૂકાવવા આગળ આવવા જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રીની અપીલ

પોલિસ, રેવન્યુ, નગરપાલિકા સહિતના 13,664 જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સને બીજો ડોઝ અપાશે

પંચમહાલ જિલ્લામાં કોરોનો વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત સિનિયર સિટિઝન્સ અને 45 થી 60 વર્ષના વયજૂથમાં આવતા કો-મોર્બિડ વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરાયા બાદ ગોધરા ખાતે આજથી ફ્રન્ટલાઈન વર્કર્સને રસીનો બીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા સમાહર્તાશ્રી અમિત અરોરા, જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલ, પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના, મામલતદારશ્રી વિજય આંટિયા સહિતના અધિકારીઓએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આ પ્રસંગે એક સંદેશમાં જણાવ્યું હતું કે રસીની કોઈ આડઅસર નોંધાઈ નથી ત્યારે આડઅસર અંગેની અફવાઓથી દોરવાયા વિના સરકારશ્રી તરફથી આવતી સૂચના અને માર્ગદર્શનને અનુસરીને લોકોએ રસી મૂકાવી પોતાને કોરોના સંક્રમણ સામે સુરક્ષિત કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે જનતામાંથી આ અંગેની શંકા નિર્મૂલ કરવા કલેક્ટરશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ રસી મૂકાવી વેક્સિનેશન ડ્રાઈવની શરૂઆત કરાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષી ચૌહાણે જણાવ્યું હતું કે ફ્રન્ટલાઈન વર્કર્સને દ્વિતીય ડોઝ આપવા માટે 13 સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પ્રથમ ડોઝ લેવાથી કોઈ કારણોસર વંચિત રહી ગયેલા ફ્રન્ટ લાઈન વર્કર્સ જો રસી મૂકાવવા ઈચ્છે તો આજે અને કાલે તેમને આવરી લેવાશે. આ ઉપરાંત, સિનિયર સિટિઝન્સ તેમજ કોમોર્બિડીટી ધરાવતા 45 વર્ષથી 60 વર્ષની આયુ ધરાવતા વ્યક્તિઓને 54 સેશન્સ સાઈટ અને 6 ખાનગી સાઈટ પરથી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં 9856 હેલ્થકેર વર્કર્સ પૈકી 9228 વર્કર્સને એટલેકે 93.63 ટકા આરોગ્યકર્મીઓને પ્રથમ ડોઝ અને 5950 કર્મીઓને એટલે કે 64.48 ટકાને રસીનો બીજો અપાઈ ગયો છે. આ સાથે પોલિસ, રેવન્યુ, નગરપાલિકા સહિતના 13,664 જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સને બીજો ડોઝ આપવાનું લક્ષ્ય છે. પ્રથમ તબક્કામાં 13,664 ફ્રન્ટલાઈન વર્કર્સને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. હાલની સ્થિતિએ 464 જેટલા 45 થી 59 વર્ષના કોમોર્બિડ વ્યક્તિઓ તેમજ 5907 સિનિયર સિટીઝન્સને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here