પંચમહાલ જિલ્લામાં આવતીકાલે ચાર સ્થળો પર રેશનકાર્ડ વિતરણનો ઓનલાઈન કાર્યક્રમ યોજાશે

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

રેશન કાર્ડ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જૂનાગઢના કેશોદથી ઈ-માઘ્યમથી ઉપસ્થિત રહેશે

હાલોલ ખાતેથી રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર કાર્યક્રમમાં સહભાગી થશે

ગુજરાત રાજયમાં વિવિધ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-૨૦૧૩ની જોગવાઈઓ અંતર્ગત તા.13/10/2020ના ઠરાવ અન્વયે નવા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન પંચમહાલ જિલ્લામાં કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યના 10 લાખથી વધુ કુટુંબોના 50 લાખ જેટલા લાભાર્થીઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવા પ્રસંગે રાજ્યના 101 તાલુકાઓમાં આ અભિવાદન કાર્યક્રમ યોજાનાર છે. પંચમહાલ જિલ્લામાં પણ આવતીકાલે 02.00 થી 3.30 કલાક દરમ્યાન ચાર જગ્યાએ ગોધરા, હાલોલ, કાલોલ અને શહેરા ખાતે સામૂહિક અભિવાદન કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામેથી ઈ-માધ્યમથી ઓનલાઈન ઉપસ્થિત રહેશે. ગોધરામાં સરદારનગર ખંડ ખાતે, હાલોલમાં નગરપાલિકા હોલ, શહેરામાં નગરપાલિકા હોલ ખાતે તેમજ મોરવા (હડફ)માં મોરવા પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમ યોજાશે, જ્યાં લાભાર્થીઓને રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે હાલોલ ખાતે કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, ગોધરામાં ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા તેમજ મોરવા (હ)માં ભૂતપૂર્વ ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથાર સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં સહભાગી થશે અને લાભાર્થીઓને રેશનકાર્ડનું વિતરણ કરશે. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, દિવ્યાંગ લાભાર્થીઓ, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ અને વિધવા સહાય મેળવતી ગંગા સ્વરૂપ બહેનોનો આપોઆપ સમાવેશ થઈ ગયો છે. જિલ્લામાં આ યોજના અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ જોઈએ તો 3137 દિવ્યાંગ લાભાર્થીઓ, 886 વિધવા પેન્શન મેળવતી બહેનો, 4093 વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થી, 1267 બાંધકામ શ્રમિકો ઉપરાંત 8857 અન્ય લાભાર્થી મળીને 18,240 લાભાર્થીઓને સમાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here