પંચમહાલ જિલ્લાના મોરવા હડફ મતવિસ્તારના રસ્તા તથા પુલના રૂ.૪૨.૦૭ કરોડના ૨૦ કામોનું ખાતમુર્હુત કરતા રાજ્યના શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પાનમ નદી પર પુલ બનવાથી ૨૨ કિ.મીનું અંતર ઘટીને ૫ કિ.મી જેટલું થશે,ગોધરા અને મોરવા હડફ તાલુકાના ૬ ગામોની ૩૬ હજારથી વધુ વસ્તીને પરિવહનનો સીધો લાભ મળશે

સરકારશ્રીએ આવાસ યોજના થકી લોકોને પોતાના સ્વપ્નનું ઘર આપ્યું છે.નારી શક્તિકરણ થકી મહિલાઓને સમાજમાં સન્માન મળ્યું છે.-મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર

રાજ્ય સરકારશ્રી દ્વારા અનેકવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજરોજ શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ મતવિસ્તારના રસ્તા તથા પુલના રૂ.૪૨.૦૭ કરોડના કુલ ૨૦ કામોનું ખાતમુર્હુત કરાયું હતું.

મોરવા હડફ તાલુકાના મીરપ સ્થિત પાનમ નદીના પટમાં યોજાયેલ ખાતમુર્હુત કાર્યક્રમમાં જાહેર સભાને સંબોધતા મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, સૌનો સાથ,સૌના પ્રયાસ અને સૌના વિકાસ સાથે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષોમાં અનેક વિકાસના કાર્યો કરાયા છે.આજે રાજ્યના છેવાડાના વ્યક્તિને શિક્ષણ,આરોગ્ય અને પરિવહન જેવી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે.સરકારશ્રીએ આવાસ યોજના થકી લોકોને પોતાના સ્વપ્નનું ઘર આપ્યું છે.નારી શક્તિકરણ થકી મહિલાઓને સમાજમાં સન્માન મળ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ૨૭૮ જેટલા ડાયાલિસિસ સેન્ટર શરૂ કરાયા છે.આયુષ્યમાન યોજના હેઠળ ગુજરાતમાં રૂ.૧૦ લાખની મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.૧૨ કરોડ બહેનોને ઉજ્જવલા યોજના હેઠળ તથા ૪ કરોડ લોકોને આવાસ યોજના હેઠળ લાભ મળ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે,પાનમ નદી કાંઠે વસેલા ગામોને ગોધરાના મીરપ,દહિકોટ,સરસાવ અને ગોલ્લાવ તથા મોરવા હડફના સાલીયા- સંતરોડ અને ખાવડા જેવા ગામોને પરિવહન માટે ૨૨ કિ.મી જેટલું અંતર થતું હતું. અહીં પુલ બનવાથી ૨૨ કિ.મીનું અંતર ઘટીને ૫ કિ.મી જેટલું થશે.ગોધરા અને મોરવા હડફ તાલુકાના ૬ ગામોની ૩૬ હજારથી વધુ વસ્તીને પરિવહનનો સીધો લાભ મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે સૌને આવકારતા જણાવ્યું કે,પાનમ નદી પર પુલ બનવાથી ગામના લોકોને સીધો લાભ મળશે.સેવા,સહકાર અને વસુધૈવ કુટુંબની ભાવના સાથે સરકારશ્રી વિકાસના કાર્યો માટે કટિબદ્ધ છે.પ્રધાનમંત્રીશ્રીના ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણ માટે સૌકોઈએ યોગદાન આપવા તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારે જણાવ્યું કે,મહિલાઓના ઉત્થાન માટે સરકારે અનેક પગલાં ભર્યા છે.મહિલા સશક્તિકરણ,૩૩ ટકા સ્ત્રીઓ માટે રિઝર્વેશન,પાંચ ટ્રિલિયન ઇકોનોમી,વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિકનું આયોજન તથા ૨૦૪૭માં વિકસિત રાષ્ટ્રનું નિર્માણ સહિત દેશમાં અનેક વિકાસના કાર્યો કરાયા છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ મતવિસ્તારમાં રૂ.૪૨.૦૭ કરોડના ૨૦ કામોનું ખાતમુર્હુત પૈકી રૂ.૧૪ કરોડના ખર્ચે પાનમ નદી પર દાહોદ નેશનલ હાઇવે સાલીયા ગામથી મીરપને જોડતા પુલનું કામ કરાશે તથા ૩ કિ.મી લંબાઈનો એપ્રોચ રોડની કામગીરી કરાશે, રૂ.૮ કરોડના ખર્ચે PMGSY અંતર્ગત ૨ માઈનોર બ્રીજની કામગીરી કરાશે, રૂ.૧૫.૦૭ કરોડના ખર્ચે કુલ ૧૪ રસ્તાઓનું રીસરફેસિંગની કામગીરી કરાશે, રૂ.૫ કરોડના ખર્ચે ૩ કાચાથી પાકા ડામર રસ્તાની કામગીરી કરવામાં આવશે.

ખાતમુર્હુત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા,રાજ્ય સભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર,મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા સહિત વિવિધ મહાનુભાવો,હોદ્દેદારો અને બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here