નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ બિહારના ૧૪૪ પરપ્રાંતિય શ્રમીકો-ધંધાર્થીઓ વતન જવા રવાના

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપલાથી ૪ બસોમાં વડોદરા રેલવે સ્ટેશનથી સ્પેશીયલ ટ્રેન મારફતે બિહાર જશે

ભારત સરકાર અને રાજ્ય સરકારના સંકલનમાં રહીને જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ આજે બિહારના ૧૪૪ પરપ્રાંતિય શ્રમીકો અને ધંધાર્થીઓને વતન બિહાર જવા રવાના કરાયા હતા.

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામા રહેતા -૧૩૬ શ્રમીકો અને ધંધાર્થીઓ તમેજ દેડીયાપાડામાં રહેતા-૬ અને સાગબારા તાલુકાના-૨ મળી કુલ ૧૪૪ શ્રમીકોને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમના વતન બિહાર જવા રવાના કરવામાં આવ્યા હતા. આ તમામ પરપ્રાંતિય પ્રવાસી શ્રમીકો અને ધંધાર્થીઓને રાજપીપલા બસ સ્ટેશનથી ૪ બસો દ્વારા વડોદરા રેલવે સ્ટેશને પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાથી તેઓ સ્પેશીયલ ટ્રેન મારફતે બિહાર જવા રવાના થશે.

નાંદોદ તાલુકાના મામલતદારશ્રી ડી.કે.પરમારે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં રહી ધંધો રોજગાર કરતાં બિહારના કુલ ૧૪૪ શ્રમીકો, ધંધાર્થીઓને આજે રાજપીપલાથી ૪ બસ મારફતે વડોદરા અને વડોદરાથી સ્પેશીયલ ટ્રેન મારફતે બિહાર રવાના કરવામાં આવ્યા છે. આ તમામ શ્રમીકોનું મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને સુકો નાસ્તો, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

બિહારના પરપ્રાંતિય મુસાફર રાહુલકુમાર જહાંએ કહ્યું હતું કે, હું કેનાલનું કામ કરતો હતો કેનાલનું કામ પુરૂં થયું તેવા સમયે કોરોનાને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું એટલે હું અહીં જ રોકાઇ ગયો હતો પરતું તમામ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હોઇ મને કોઇ જ પ્રકારની મુશ્કેલી પડી નથી. આજે પ્રશાસન દ્વારા વતનમાં જવા માટેની વ્યવસ્થા કરવામાં આવતા હું સુખરૂપ વતનમાં પહોચી જઇશ જેના માટે હું કલેક્ટરશ્રી અને રાજ્ય સરકારનો આભાર માનું છું.

પરપ્રાંતિય મુસાફર શ્રી રણજીત પટેલ જહાં અને શ્રી પિન્ટુકુમાર જાદવે વહીવટીતંત્ર દ્વારા વતનમાં જવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here