ધોરાજી નજીકની ખનીજ ચોરી બંધ ન થાય તો આત્મવિલોપન કરવાની સામાજિક આગેવાનની ચીમકી…

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજીના ઉપલેટા તરફ જૂના પુલ તથા ધોરાજી બાઇપાસ ઉપરના પૂલની વચ્ચેના ભાગે આવેલ દરગાહ પાસેના ભાદર નદીના વિસ્તારમાં ભૂમાફિયા ખનીજ ચોરી કરતાં હોવાની ડેપ્યુટી કલેકટરને લેખિત રજૂઆત

ધોરાજીના સામાજીક આગેવાન યોગેશભાઈ દામજીભાઈ ભાષાએ ધોરાજી ના ભાદર ડેમ 2 નજીક થઈ રહેલી ખનીજચોરી આઠ દિવસમાં બંધ નહીં કરાવાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતું એક આવેદન સ્થાનિક ડેપ્યુટી કલેકટરને આપતા ખળભળાટ મચી ગયો છે.
આવેદનમાં યોગેશ ભાષાએ જણાવ્યું છે કે ધોરાજી શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાંથી ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે. જેમાં ધોરાજીમાં ભાદર નદી જે ધોરાજીના ઉપલેટા તરફ જૂના પુલ તથા ધોરાજી બાઇપાસ ઉપરના ફૂલની વચ્ચેના ભાગે આવેલ દરગાહ પાસેના નદીના વિસ્તારમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે હિટાચી અને ડમ્પર દ્વારા મોટા પાયે કોઈપણ જાતની મંજૂરી કે સરકારની રોયલ્ટી વગર ખનીજચોરી ચાલી રહી છે.
આ બાબતે અવાર-નવાર લેખિત અને મૌખિક ફરિયાદ કરેલ છે થોડા સમય પહેલા ન્યૂઝ ચેનલમાં સમાચારો દ્વારા આવી ખનીજ ચોરીના સમાચાર પ્રસિદ્ધ થયેલા. જેમાં ધોરાજીના અધિકારીઓને પણ જાણ કરેલ હતી છતાં પણ આ ભૂ માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ખનીજચોરી થાય છે . જેમાં લાગતા વળગતા અધિકારીઓ પણ સામેલ હોય તેવું લાગી રહ્યું છે . ધોરાજી શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાંથી ઘણા સમયથી ખુલ્લેઆમ અને કોઈપણ અધિકારીઓની રોકટોક વગર ખનીજ ચોરી થઈ રહી છે અને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે .
છતાં પણ તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોઇ રહ્યું છે. ભાદર નદીમાં થતી ખનીજચોરીના વીડિયો ફૂટેજ પણ અમુક ટીવી ચેનલમાં પ્રસિદ્ધ થયા હતા છતાં ખનીજચોરી બંધ થયેલ નથી. આ ખનીજચોરી કરતાં તત્વો મોટી રાજકીય ઓથ હેઠળ અને માથાભારે હોય તેવું સામે આવે છે.

યોગેશભાઈએ લેખિતમાં ફરિયાદ કરીને ડેપ્યુટી કલેકટરને જાણ કરી હતી કે મને આશા છે કે આપ સાહેબ કોઈની શેહશરમ ધાક-ધમકી ને વશ થયા વગર ખનીજચોરો સામે કાર્યવાહી કરશો અને નિષ્ઠાથી આપની ફરજ અદા કરશે અને ખનીજચોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરશો. અને જો આપ સાહેબ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશો તો હું જ સમજીશ કે ખનીજચોરો મોટી વગ ધરાવતા હશે માથા ભારે હશે.

ભલે મારે જીવ આપવો પડે પણ ખનીજ ચોરી બંધ કરાવીશ : યોગેશ ભાષા

ધોરજીના સામાજિક આગેવાન યોગેશ ભાષાએ ડેપ્યુટી કલેકટરને લેખિત રજૂઆત કરી ને જણાવ્યું છે કે તો આ બાબતે કાર્યવાહી કરાવા માટે મારે મારો જીવ આપવો પડશે તો પણ આપીશ. દિવસ આઠમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે અને ખનીજચોરી બંધ નહીં કરાય તો ડેપ્યુટી કલેકટરની કચેરીમાં આત્મવિલોપન કરી ને મારી જિંદગીનો અંત આણીશ જેની નોંધ લેવા જણાવ્યું છે. એટલું જ નહીં ખનીજ ચોરો મોટી વગ ધરાવતા હોય અને ખૂબ જ માથાભારે હોય જો આ લોકો દ્વારા મારા પર કોઈપણ રીતે જીવનું જોખમ ઊભું કરે કે મારા પર હુમલો કરે કે કરાવે મારુ એક્સિડન્ટ કરે કરાવે કોઈપણ રીતે મને કાંઈ થાય તો તેના જવાબદાર તમામ ખનીજચોરો અને જવાબદાર અધિકારીઓ રહેશે જેની હું આપ સાહેબને લેખિતમાં વિનંતી કરું છું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here