દલુની વાડી, ગોધરા ખાતે રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મંત્રીશ્રી દ્વારા કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને શૈક્ષણિક કીટ, સહાય હુકમોનું વિતરણ બાળકો સાથે ભોજન લઈ સ્નેહસભર વાર્તાલાપ કર્યો

જિલ્લામાં કુલ 11 સ્થળોએ સેવાસેતુ યોજી 57 પ્રકારની સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવાઈ, પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી  સૌના વિકાસના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં સંવેદના દિવસની ઉજવણી

પાંચ વર્ષ આપણી સરકારના, પાંચ વર્ષ સૌના સાથથી સૌના વિકાસના અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિને સંવેદના દિવસની ઉજવણી કરાઈ હતી. આ દિવસે નાગરિકોને 57 પ્રકારની સરકારી સુવિધાઓ ઘરઆંગણે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે પંચમહાલ જિલ્લામાં કુલ 11 સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નર્મદા અને શહેરી ગૃહનિર્માણ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને દલુની વાડી-કુમાર શાળા, ગોધરા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજનાનાં 20 લાભાર્થીઓ શૈક્ષણિક કીટ તથા સહાય હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગંગાસ્વરૂપા સહાય યોજના, પેન્શન યોજના, વૃદ્ધ સહાય યોજના સહિતની યોજનાના લાભાર્થીઓને પણ સહાય હુકમના ઓર્ડર વિતરીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસનો જે મજબૂત પાયો નાંખ્યો તેના આધારે સર્વસમાવેશી વિકાસની મજબૂત ઈમારત બનાવવાનું અને તેની નવી ઉંચાઈએ લઈ જવાનું કાર્ય વર્તમાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ શ્રેષ્ઠ રીતે અને સંવેદનાપૂર્વક કરી રહ્યા છે. કોરોના કટોકટી દરમિયાન સરકારે કરેલ કામગીરી વિશે જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના મહામારીમાં સ્વજનો ગુમાવનાર લોકોની પીડા સમજતા તેમની સંભાળ અને દરકાર રાખવાના સરકારે સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. માતા-પિતા બંને ગુમાવી કોરોનામાં અનાથ બનેલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પ્રતિ માસ રૂ.4,000/- અને બંને પૈકી એક વાલી ગુમાવનાર બાળકને પ્રતિ માસ રૂ.2,000/-ની સહાય યોજના ટૂંકા ગાળામાં અમલી કરી સરકાર નોંધારાનો આધાર બની છે. ત્રીજી લહેરની શક્યતાઓને જોતા બેડ અને ઓક્સિજનની કોઈ કમી ન સર્જાય તે માટે સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ પણ આ સુવિધાઓમાં જરૂર મુજબનો વધારો કરવામાં આવ્યો છે તેમ જણાવતા મંત્રીશ્રીએ સૌને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના સાવચેતીના પગલાઓનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમોના આયોજન સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિવિધ સહાયના ફોર્મ ભરવા માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને જરૂરિયાતમંદોને સામેથી વિવિધ યોજનાઓનાં લાભ એક સાથે એક સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે અને તે જ આ કાર્યક્રમોને લોકકલ્યાણ અને સેવાના ક્ષેત્રે વિશેષ બનાવે છે.
આ પ્રસંગે અગ્રણી સુશ્રી સંયુક્તા મોદીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કોરોના કાળ દરમિયાન સરકારશ્રી દ્વારા આમજનતાના લાભાર્થે વિનામૂલ્યે અનાજ વિતરણ, નાણાંકીય સહાય સહિતની આવકારદાયક કામગીરી વિશે વાત કરતા આવા કપરા સમયમાં પણ નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવતા સેવાસેતુના સુંદર આયોજન બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ સેવાસેતુ અંતર્ગત વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ, લાભાર્થીઓ સાથે સંવાદ કરી સમગ્ર પ્રક્રિયા અને કાર્યક્રમ અંગે તેમના પ્રતિભાવ મેળવ્યા હતા. કાર્યક્રમ બાદ મંત્રીશ્રી બાળ સેવા યોજનાના લાભાર્થી બાળકોને પોતાની સાથે ભોજન માટે લઈ જઈ ભાવપૂર્વક જમાડીને વાર્તાલાપ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાએ રાજ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 57 પ્રકારની સેવાઓ સેવા સેતુ કાર્યક્રમ થકી નાગરિકોને દ્વારે આવી હોવાથી તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, પોલિસ અધિક્ષક ડો. લીના પાટિલ, નગરપાલિકા પ્રમુખશ્રી સંજય સોની, જિલ્લા અગ્રણીસુશ્રી સંયુક્તાબેન મોદી, શ્રી દિલીપ દસાડીયા, નગરપાલિકા સભ્યસુશ્રી ગૌરીબેન જોષી, પ્રાંત અધિકારી ગોધરા સુશ્રી એન.બી. રાજપૂત સહિતના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ સેવાસેતુનો લાભ લેવા ઈચ્છુક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here