ડો જયનારાયણ વ્યાસે સિધ્ધપુરમાં યુવતીના અવશેષો પાણીની પાઈપ લાઈનમાંથી મળવા સહિત અન્ય બાબતે મુ.મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને પત્ર લખ્યો

સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

અગાઉ ભાજપના કેબીનેટ મંત્રી રહી ચૂકેલા તેમજ પ્રવર્તમાન સમયે કોંગ્રેસ સાથે જોડાયેલા ડૉ. જયનારાયણ વ્યાસે સિધ્ધપુર ખાતે ઘટેલી દુઃખદ ઘટના અંગે મુ.મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ગત ૨૯મી એક ગોપનીય પત્ર લખ્યો છે.જેમાં આ ઘટનામા કંઈક અઘટિત થવાની શંકાથી પ્રેરાઈ તેઓએ પાટણ જિલ્લા પોલીસ વડાને ગત ૧૫ મી ના રોજ તુરત જાણ કરી હોવાનું જણાવેલ છે. આમ,આ કેસમાં તેઓ  ચુપકીદી સેવી રહ્યા હોવાના અપપ્રચાર નો છેદ ઉડી જવા પામ્યો છે.ડૉ. જયનારાયણ વ્યાસે આ પત્રમાં આ ઘટનાની હકીકત અંગે કેટલાંક ખુલાસાઓ તર્કબદ્ધ રીતે રજૂ કર્યા છે. જેથી સિધ્ધપુરનો બુદ્ધિજીવી વર્ગ આ ઘટના માં કંઈક અજુગતું થયાની આશંકાઓ પ્રત્યે વિચારવા મજબૂર બન્યો છે.જ્યારે આ કેસમાં અઘટિત જ બન્યું છે તેવું માનનારા વર્ગની શંકાઓ (જ્યાં સુધી યોગ્ય નિર્ણય આવે નહીં ત્યાં સુધી) પ્રબળ બની હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ દુઃખદ ઘટના અંગે આગામી સમયે શુ નિરપેક્ષ સત્ય બહાર છે તે જોવું રહ્યું ! આ ઘટનામાં સિંધી સમાજની યુવતી લવીનાની આત્મહત્યાનું રહસ્ય અકબંધ રહ્યું હોવાથી તેનું અપમૃત્યુ થયાની શંકાઓ સેવાઇ રહી હોકાથી તે અંગે યોગ્ય ન્યાયિક તપાસ થાય તેવો જનમત સહિતનો લોક જુવાળ પ્રબળ બનવા પામ્યો છે.ડો.જયનારાયણ વ્યાસે આ પત્રમાં કેટલીક તાર્કિક રજૂઆતો કરી છે તેને ધ્યાને લેવામાં આવે તો આ કેસનું કહેવાતું ગુંચવાયેલું કોકડું ઉકેલાઈ જાય તેમ છે તેમજ ઘટના અંગેની પ્રવર્તતી શંકા-કુશંકાઓનું જલ્દી સમાધાન થઈ શકે તેમ હોવાનું લોકોમાં છે ચર્ચાઈ રહ્યું છે.આ કિસ્સામાં પોલીસતંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે કશું જ કહેવાનું થતું ન હોવાનું તેઓએ પત્રમાં જણાવ્યું છે.તેઓએ જણાવ્યું છે કે બે અઠવાડિયા દરમિયાન સિદ્ધપુરમાં ખાસ કરીને શહેરના ઉપલી શેરી,લાલ ડોસીની પોળ,મહેતા ઓળ વિગેરે વિસ્તારોમાં પ્રજાએ અસહ્ય તકલીફો વેઠી છે. ઉનાળાની ધોમધખતી ગરમી અને કેટલાક કિસ્સા ઓમાં તો આ આખીય ઘટના સપાટી પર આવી તે પહેલા માથું ફાડી નાખે તેવી દુર્ગંધ વેઠીને આ વિસ્તારના નાગરિક ત્રાહિમામ પોકારી ગયા હતા. છેવટે આ કિસ્સો આત્મહત્યા હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. જોકે એક તબક્કે તો છૂટકછૂટક મળેલા આ માનવ અંગો માણસના નથી એવું પણ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે.હવે ડીએનએ રિપોર્ટ ઉપલબ્ધ બન્યો છે અને આ મૃતદેહના ડીએનએ જે છોકરી ગુમ થઈ હતી તેના માબાપ સાથે મળતા આવ્યાનું તારણ નીકળ્યું છે.તેઓ આ દુઃખદ ઘટના અંગે બે અઠવાડિયાથી વહીવટી તંત્ર તેમજ શહેરના અગ્રણી નાગરિકોના સંપર્કમાં રહી હકીકતથી વાકેફ રહેવાનો શક્ય તેટલો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.હાલ પૂરતો આ કેસ આપઘાતનો છે તે તરફ તપાસ જઈ રહી છે.જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ એનું આખરી કારણ કદાચ શોધી શકાય. કેટલાક સમયથી નગર પાલિકા સામેની ફરિયાદો અને અસંતોષ વધતો જાય છે એવું જોઈ શકાય છે. જનતાનાં આ રોષનાં પ્રતિક તરીકે છેલ્લાં ત્રીસ વરસમાં પહેલી વાર નગરપાલિકા ઉપર બહેનોનું માટલા સરઘસ આવ્યું અને જે પ્રકારનાં સૂત્રોચ્ચાર તેમજ ધાંધલધમાલ થઈ છે તેનાથી સરકારની છબી પણ ખરડાઇ છે.ડૉ. જયનારાયણ વ્યાસે  અંતમાં જણાવ્યું છે કે સિદ્ધપુર ખાતે બનેલ આ બનાવ દરમ્યાન મૃત્યુ પામનાર યુવતી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે (જેના કારણો જનમાણસ ના મગજમાં ઉતરતા નથી) કે પછી હત્યા બાદ મૃતદેહને વગે કરવા માટે કોઈ અસમાજિક તત્વોએ એનો ઉપયોગ કર્યો છે તેની ઉચ્ચસ્તરીય તપાસ માટે S.I.T.નું ગઠન કરી પ્રજામાં વિશ્વાસનીયતા ઊભી થાય તે કરવા વિનંતી કરી છે.જે સિંધી યુવતીનો કેસ લગભગ આત્મહત્યા તરીકે પુરવાર કરી એનાથી જાન છોડાવવાનો પ્રયત્ન સિદ્ધપુર નગરપાલિકા તેમજ સંબંધિત સરકારી અધિકારીઓ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. સિદ્ધપુર શહેર વિસ્તારના જે નાગરિકોએ દસ-દસ દિવસ સુધી દૂધિત પાણી પીધું અને ત્યારબાદ અન પાણી પુરવઠો સદંતર બંધ થતાં પ્લાસ્ટિકની બોટલોમાં અપાતા પીવાના પાણી ઉપર આ ધખધખતા તાપમાં જેણે આ કપરો સમય પસાર કર્યો તે અંગે પણ નગરપાલિક સંવેદનશીલ નથી રહી તેવું મંતવ્ય તેઓએ પત્રમાં વ્યક્ત કર્યું છે. તેઓએ વધુમાં લખ્યું છે કે અમારે સદનસીબે આપના મંત્રીમંડળમાં ચોથા નંબરનું સ્થાન ભોગવતા કેબિનેટ મંત્રીશ્રી અમારા પ્રતિનિધિ છે.પણ આ પ્રશ્ન ઉપર જ ધ્યાન આપવાને બદલે તેઓશ્રી અત્યારે પ્રવાસન વિભાગના કામો જે બજેટ માં પણ નથી મુકાયા કે જેનો જીઆર પણ નથી થયો તેને અગ્રતા આપી પ્રજાનું ધ્યાન બીજે દોરવા પ્રયત્નશીલ છે.આથી એક સામાન્ય નાગરિક તરીકેની જવાબદારીથી પ્રેરાઈને ન છૂટકે આ પત્ર આપ મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે તેવું તેઓએ અંતમાં જણાવ્યું છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ગોપીનીય પત્રથી અત્યારે હડકંપ મચી જવા પામ્યો છે.

આ દીકરીએ આપઘાત કર્યો હોવાનું કહેવાય છે તે ટાંકીની વિગત જોઈએ તો નીચે મુજબ છે:
(૧) કુલ કેપેસિટી – ૨૦ લાખ લીટર
(૨) જમીનથી ટાંકીના તળિયા સુધીની ઊંચાઈ – ૧૮ મીટર
(૩) ટાંકીના તળિયાથી ટાંકીની ટોચ સુધીની ઊંચાઈ – ૩ મીટર
(૪) આમ જમીનથી ટાંકીના ટોચ સુધીની ઊંચાઈ – ૨૧ મીટર
(૫) ચડવા માટે અત્યંત કેળવાયેલ વ્યક્તિ ચડી શકે તેવી કઠેડા વગરની સ્પાઈરલ સીડી જે એક કોલમ સાથે જોડાયેલી છે.
ટાંકીમાંથી પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા
(૧) ટાંકીમાંથી બહાર નીકળતી આઉટલેટ – ૧૮ ઇંચ ડાયામીટર
(૨) ૨૫૦ મીટર ગયા પછી પાઇપનો ડાયામીટર ૧૬ ઇંચ થઈ જાય છે
(૩) વધુ ૧૫૦ મીટર ગયા પછી પાઇપલાઇનનો ડાયામીટર ૯ ઇંચ થઈ જાય છે
આમ પાણીની ટાંકીથી માત્ર ૪૦૦ મીટરના અંતરે પાઇપનો ડાયામીટર ઘટીને ૯ ઇંચ થઈ જાય છે.
માની લઈએ કે આ ૨૧ મીટર ઊંચે ચડીને (૨૧ મીટર એટલે છ થી સાત માળ થાય) આ વ્યક્તિએ ટાંકીમાં કૂદકો માર્યો હોય એ સાંજનો સમય હતો એવું કહેવાય છે.એટલે લગભગ ૮ થી ૧૦ કલાક મૃતદેહ પાણી નીચે રહે અને ત્યાં સુધીમાં તો લાશ ઉપર આવી જાય.તે સંજોગોમાં જ્યાં સુધી પાણીની આખી ટાંકી ખાલી ન થાય ત્યાં સુધી આ લાશ પાણી બહાર નીકળવાની જે આઉટલેટ છે ત્યાં સુધી પહોંચે નહીં.
માની લઈએ કે એ પહોંચી ગઈ તો?
(અ) ટાંકીમાંથી પાણીની આઉટલેટ ૧૮ ઇંચ ડાયામીટરની છે જે ટાંકીથી ૨૫૦ મીટર બાદ ૧૬ ઇંચ ડાયામીટર અને ત્યાંથી આગળ ૧૫૦ મીટર એટલે કે ટાંકીથી ૪૦૦ મીટર સુધીમાં પાઇપ ૯ ઇંચ ડાયામીટરની થઈ જાય. લાશ તાજી હોય એમ માનવું જ પડે કારણ કે આપણે આ લાશ આઉટલેટથી બહાર નીકળી એ થીયરી ઉપર ચાલીએ છીએ તો પણ આટલા પ્રેશર નીચે ૪૦૦ મીટર એટલે કે અડધા કિલોમીટર થી પણ ઓછું અંતર જતાં લાશ ૯ ઇંચની પાઇપના ઓપનિંગ પાસે આવે અને ત્યાં જ અટકી જાય.જો આવું થાય તો આ ટાંકી માંથી જે વિસ્તારો પાણી મેળવતા હતા તે બધા જ વિસ્તારોનું પાણી બંધ થઈ જાય અને ૯ ઇંચ ડાયામીટરની પાઇપ અવરોધાયા પછી લાશનો જે ભાગ અંદર જાય તે ફૂલવા માંડે એટલે પાઇપને ડૂચો માર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય.
આવું થયું નથી.લાશ ૯ ઇંચ ડાયામીટરની પાઇપલાઇન માં ફોગાઈને ટુકડા થઈ ગાઈ હોવાનું તારણ કાઢવામાં આવે છે જે તર્કસંગત લાગતું નથી.

બીજો વિકલ્પ..હત્યા થયાની શંકામાં કેટલું તથ્ય?

(બ) હવે બીજા વિકલ્પ પર આવીએ આપઘાતની થીયરીને બાજુ પર મૂકવી પડે.ગુનાખોરીનો પાયાનો સિદ્ધાંત એ છે કે કોઈપણ શંકાસ્પદ બાબતની તપાસ હાથ પર લઈએ ત્યારે પહેલી દૃષ્ટિએ જે જે દિશાસૂચકો મળતા હોય તે મોટે ભાગે તપાસને જુદી દિશામાં લઈ જતાં અથવા ગેરમાર્ગે દોરવાનું કામ કરતાં હોય છે. ક્રાઈમ ડિટેક્શનનો આ પાયાનો સિદ્ધાંત છે. ત્યારે આ લાશ સાંજે ૭ થી ૮ વચ્ચેનો સમય આપઘાત નો સમય ગણીએ તો સવારે ૭ વાગે આ ટાંકી માંથી પાણી છોડવામાં આવે છે એટલે ૧૨ કલાક માં તો મૃતદેહ તળિયેથી સપાટી પર આવી જાય. આવું કેમ નહીં થયું?
વૈકલ્પિક શક્યતા તરફ જઈએ.તો લાશ આઉટલેટમાં ગઈ તો એ શક્યતા તો ટાંકીમાં પાણી ખલાશ થઈ જવા આવે ત્યારે જ ઊભી થાય. આવું થવાની શક્યતા ધ્યાનમાં લઈએ તો બીજા બે કલાક ઉમેરવા પડે (ટાંકીનું પાણી તળિયા સુધી ખાલી થવા માટે) એટલે મૃતદેહ વધુ ફૂલ્યો હોય.ત્યારબાદ ૨૫૦ મીટરથી આ ૧૮ ઇંચ ડાયામીટરની પાઇપ ૧૬ ઇંચ ડાયામીટર અને ત્યારબાદ ૯ ઇંચ ડાયામીટરની થાય છે અને એટલે સામાન્ય ગણતરી મૂકીએ તો પણ માણસની કમર અને નિતંબનો ભાગ ૯ ઇંચથી વધારે હોય અને પછી એ મૃતદેહ ફૂલ્યો હોય તો એ ૯ ઇંચની પાઇપમાં જ ભરાઈ જાય અને પાણી ચોકઅપ થઈ જાય.કોઈ વિસ્તારમાં આવે નહીં.
આમ,થવાને બદલે મૃતદેહ ના નાનામોટા કટકા થયા અને ૯ ઇંચની પાઇપલાઇન માં એ ટુકડા જુદીજુદી જગ્યાએ જુદાજુદા સમયે પહોંચ્યા.એમાં સૌથી મોટો ટુકડો ઉપલી શેરી પહોંચ્યો જ્યારે નાનામોટા બીજા અંગો અન્ય ત્રણેક જગ્યા એથી મળ્યા.આ ટુકડા કઈ રીતે થયા તે એક તપાસનો વિષય છે અને એ માટે હાઈડ્રોલિક પ્રેશર,એનેટોમી તેમજ ક્રાઇમ ડિટેકશનના ટોચના અધિકારીઓની એક ટીમને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેસન ટીમ તરીકે નિયુક્ત કરી આ કેસને આપઘાતમાં ખપાવી ન દેતા ગુનાહિત બદઈરાદાથી થયેલ હત્યા છે કે કેમ એ અંગે આખરી નિર્ણય લેવો જોઈએ.

  1. સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ ની રચના કરવા માંગ..
  2. આ કિસ્સામાં મૃતકે આત્મહત્યા કરી છે એ આખરી કારણ સુધી પહોંચતા પહેલા એનું ખૂન થયું છે અને મૃતદેહનાં ટુકડા કરી લાશ વગે કરવાનો પ્રયાસ થયો હોય તે શક્યતા તાર્કિક રીતે નકારી શકાતી નથી.ખૂબ પ્રબળ પ્રજામત હજુ પણ માનવા તૈયાર નથી કે મૃતકે આત્મહત્યા કરી છે અને તેઓ આ પરિસ્થિતીમાં ઉચ્ચ સ્તરેથી સંપૂર્ણ તપાસ થાય તે માટે રજૂઆતો કરી રહ્યા છે. આ જોતાં રાજ્યનાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ક્રાઇમ)નાં અધ્યક્ષપણા હેઠળ જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ), ફોરેન્સિક સાયન્સ વિભાગ નાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ અથવા સરદાર પટેલ હોસ્પિટલ અમદાવાદ નાં વડા,જળસંપત્તિ તેમજ પાણી પુરવઠા વિભાગનાં મુખ્ય ઈજનેરો,ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી આ બાબતે ઉપયોગી થઈ શકે તેવા નિષ્ણાત,આ ટીમનાં સભ્ય સચિવ તરીકે જિલ્લા પોલીસ વડા રહે તેવી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની તાત્કાલિક અસરથી રચના કરી સરકારને આ અહેવાલ મોડામાં મોડો ત્રણ મહિના માં સોપે એવા આદેશો સાથે આ ટીમની રચનાનો ઠરાવ તાત્કાલિક બહાર પાડવા મારી વિનંતી અને માંગણી છે.     
  3. અન્ય માંગણીઓ…
  4. આ ઉપરાંત સિદ્ધપુરના કેટલાક વિસ્તારના નાગરિકો પાણી ગંદુ આવતું હોવાની તેમજ અસહ્ય વાદુર્ગંધ આવી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા હતા ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ પગલાં કેમ ન લીધા તે અંગે પણ તપાસ થવી જોઈએ. 
    સિદ્ધપુરના કેટલાક મુખ્ય દેવસ્થાનો આ વિસ્તારમાં છે ત્યારે આવું દૂષિત પાણી તેમાં વપરાયું તે બાબતે પણ નગર પાલિકાએ ધ્યાન રાખવું જોઈતું હતું.લગભગ ૮ થી ૧૦ દિવસ આ ફોગાઈ રહેલ મૃતદેહમાં થઈને આવતું પાણી કેટલાક વિસ્તારોના નાગરિકોએ પીધું છે ત્યારે એના કારણે એમાં કોલેરા જેવો કોઈ રોગચાળો ન ફેલાય તે બાબતે જિલ્લા આરોગ્ય તંત્રની સીધી દેખરેખ હેઠળ આ વિસ્તારમાં કોઈ રોગચાળો ફાટી ના નીકળે એ માટેની કાળજી લેવી જોઈએ.
    સિદ્ધપુર શહેરનું પીવાના પાણીનું નેટવર્ક ખૂબ જૂનું છે. આ અગાઉ પણ એમાં તકલીફો થઈ હતી તે જોતાં તેમજ પાણી પુરવઠાની આ યોજનાને ખાસ્સો પાંચ દાયકા જેટલો સમય થયો છે તે જોતા શહેરી વિકાસ વિભાગે અગ્રતાના ક્રમે આ પ્રોજેક્ટ માં નવી પાઇપ લાઇન નાખવા માટે અંદાજે ૭૦ થી ૮૦ કરોડ મંજૂર કરવા જોઈએ અને તે રકમ નગરપાલિકા હસ્તક નહીં મૂકાતા સીધી રાજ્યના પાણી પુરવઠા તેમજ ગટર વ્યવસ્થા બોર્ડ અથવા કોઈ પણ સરકારના ડિપાર્ટમેન્ટ થકી આ કામ થવું જોઈએ.
    અત્યારે નવી ડ્રેનેજ લાઇન નું કામ ચાલુ છે પણ અગાઉ એક વિસ્તારમાં ડ્રેનેજલાઇન ઉભરાતી હતી અને બેકફ્લો થતો હતો તેને તેટલા પૂરત દુરસ્ત કરવામાં આવ્યો હતો.સિદ્ધપુર શહેર માં ડ્રેનેજલાઇનનું ચાલુ કામ પણ ઉચ્ચ કક્ષા એ ઓડિટ કરવા જેવુ છે. એમાં ટેન્ડર ઇસ્યુ કરવા માટેની કેટલીક શરતો કોઈ ચોક્કસ કોન્ટ્રાકટરને મદદ કરવા માટે મુકાઇ છે એવી પણ ચર્ચા ચાલે છે.
    સિદ્ધપુર નગરપાલિકાએ ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટ માંથી રૂ સેલેસ્ટીઅલ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ સેનિટેશન પ્રા.લી.નામની એક કંપનીને કામ આપ્યું છે.૯૪ લાખની રકમનાં આ કામમાં કારોબારી કમિટીએ જે નિર્ણય કર્યો તે ઠરાવમાં આ કંપનીને કામ આપવા સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાય ન હોવા છતાં એને કામ આપવામાં આવ્યું છે એવી પણ રજૂઆતો છે.જો આ પ્રકારની ગેરરીતિઓ થઈ હોય તો એ પણ યોગ્ય નથી.સિદ્ધપુર નગરપાલિકા બાબતે અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ અંગત રસ લઈ તપાસ કરાવે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here