ડભોઇના કુબેરેશ્વર મંદિર ખાતે માસીબા સમાજમાં હોહાપો… શ્રધ્ધાળુઓ પાસેથી વ્યંઢળના વેશમાં નાણાં ઉઘરાવતા ત્રણ લેભાગુઓ ઝડપાયા

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

કોરોના કાળમાં હાલમાં બેરોજગારી અને મોંઘવારીની એટલી હદ સુધી વધી છે કે, કેટલાક યુવાનો કોઈપણ પ્રકારના ખોટા કામ કરતા પણ અચકાતા નથી. ત્યારે અમાસના દિવસે ડભોઇ તાલુકાના કુબેર ભંડારીથી નકલી કિન્નરો રંગેહાથે ઝડપાયા હતા. આ અંગે વડોદરા ખાતેના બરાનપુરાના કિન્નર સમાજના આગેવાનોને જાણ થતાં તાત્કાલિક કરનાળી પહોંચી ગયા હતા અને આ લેભાગુ તત્વોને ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અનેક વિસ્તારોમાં આવા નકલી કિન્નરો રૂપિયાની લાલચમાં આવા કૃત્યો કરે છે. જેથી કિન્નર સમાજને મોટી ઠેસ પહોંચી રહી છે અને લોકોમાં કિન્નરો પ્રત્યેનો વિશ્વાસ – શ્રધ્ધા ઉઠી જવા પામી છે.આમાસ હોવાથી ડભોઇ તાલુકાના કુબેર ભંડારી ખાતે સમગ્ર ગુજરાતમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. આવા શ્રધ્ધાળુઓને લુંટવા માટે લેભાગુ ઠગ ટોળકી સક્રિય થઈ અનેક તરકીબો અપનાવવામાં કોઈ કચાશ બાકી રાખતા નથી. તેવામાં વડોદરાના બરાનપુરાના કિન્નર સમાજના પ્રમુખ અંજનામાસીને આ બાબતની જાણ થતાં મંડળનાં અન્ય સભ્યોને સાથે રાખીને કરનાળી ખાતે પહોંચી જઈ તપાસ કરી ત્રણ જેટલા નકલી કિન્નરોને ઝડપી પાડી મેથીપાક ચખાડી ચાંદોદ પોલીસને હવાલે કરી દીધા હતા. આવા નકલી કિન્નરોથી કિન્નર સમાજ બદનામ થતો હોય છે. જેથી બરાનપુરાના કિન્નર સમાજના અંજનામાસી સહિતના અન્ય સભ્યોએ સબક શીખડાવયો હતો. કિન્નર સમાજના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શ્રધ્ધાળુઓએ સાચા કિન્નરની પરખ કરીને જ વ્યવહાર કરવો જોઈએ. હાલ આવા નકલી કિન્નરો વધુ સક્રિય બની ગયા છે. ચાંદોદ પોલીસે આ નકલી કિન્નરોને ઝડપી પાડી જેલ ભેગા કરી આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here