જિલ્લામાં હાઈ રીઝોલ્યુશન સીટીસ્કેન ઓફ ચેસ્ટ (HRCT)ના મહત્તમ દર રૂ.૨૫૦૦/- રહેશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કોરોના કેસોની વધેલી સંખ્યા જોતા દર્દીઓના લાભાર્થે દરો નિયંત્રિત કરાયા

અન્ય કોઈ ચાર્જ ઉમેરી શકાશે નહીં

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની વધેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લામાં હાઈ રીઝોલ્યુશન સીટીસ્કેન ઓફ ચેસ્ટ (HRCT)ના મહત્તમ દર રૂ.૨૫૦૦/- ઠરાવતો જાહેર હુકમ કર્યો છે. હવે જિલ્લાના તમામ ખાનગી/ટ્રસ્ટની હોસ્પિટલો, રેડિયોલોજી ડાયગ્નોસ્ટિક સેન્ટરો હાઈ રેઝોલ્યુશન સીટીસ્કેન ઓફ ચેસ્ટ (HRCT) માટે રૂ. ૨૫૦૦/- થી વધુ કિંમત લઈ શકશે નહીં. કોરોના કેસોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારી હોસ્પિટલમાં અન્ય પ્રોસીજર માટે અનામત રખાયેલ સીટી સ્કેન મશીનો પણ ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે ત્યારે ખાનગી કેન્દ્રો ખાતે પણ HRCTના દરો નિયંત્રિત કરવાની જરૂર જણાતા જિલ્લા કલેક્ટરશ્રીએ એપિડેમિક ડિસીઝ એકટ, ૧૮૯૭ અંતર્ગત મળેલી સત્તાની રૂએ આ હુકમ કર્યો છે. ૩૧ મૅ, ૨૦૨૧ સુધી આ સિલિંગ રેટ લાગુ રહેશે. જિલ્લામાં આવેલા કોઈપણ રેડિયોલોજી/ડાયગ્નોસ્ટિક સેન્ટર કે હોસ્પિટલ આ દર કરતા વધુ ચાર્જ લઈ શકશે નહી. આ ઉપરાંત આ દરોમાં ઈમરજન્સી ચાર્જ સહિતના અન્ય કોઈ ચાર્જ લગાડી શકાશે નહીં. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આ નિયંત્રણ કે તેની કોઈ પણ જોગવાઈનો ભંગ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ અંતર્ગત સજાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here