જિલ્લામાં લેબોરેટરી, ખાનગી હોસ્પિટલ ખાતે થતા બ્લડ યુરિન ટેસ્ટસ માટે મહત્તમ દરો નક્કી કરાયા

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કોરોના કેસોની વધેલી સંખ્યા જોતા વાજબી દરે નિદાન-સારવાર ઉપલબ્ધ કરાવવા તંત્રનો પ્રસંશનીય નિર્ણય

અન્ય કોઈ ચાર્જ ઉમેરી શકાશે નહીં

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની વધેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારી તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી જિલ્લાના ડાયગ્નોસ્ટિક સેન્ટરો, ખાનગી દવાખાનાઓ-લેબોરેટરીઓમાં થતા વિવિધ પ્રકારના બ્લડ અને યુરિન ટેસ્ટસના દરો નિયંત્રિત કરવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ એપિડેમિક ડિસીઝ એકટ, ૧૮૯૭ અંતર્ગત મળેલ સત્તાની રુએ કોવિડ-૧૯ના કેસો અને શંકાસ્પદ કેસો માટે આ પ્રકારના વિવિધ બ્લડ અને યુરિન ટેસ્ટસના મહત્તમ દરો ઠરાવતો હુકમ કર્યો છે. આ દરો પંચમહાલ જિલ્લામાં આવેલ તમામ ખાનગી/ટ્રસ્ટની હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક સેન્ટરો, લેબોરેટરીઓને માટે તા. ૧૧ એપ્રિલ, ૨૧થી તા. ૩૦ જૂન, ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જે અંતર્ગત લેબોરેટરીઓ સીબીસી માટે રૂ. ૨૦૦, સીઆરપી માટે રૂ. ૨૨૦, એલડીએચ માટે રૂ. ૨૫૦, એસજીપીટી માટે રૂ. ૧૨૦, એસજીઓટી માટે રૂ. ૧૨૦, આઈ એલ-૬ માટે રૂ. ૧૪૦૦/-, એસ ક્રિયેટિન માટે રૂ. ૧૨૦, એસ બીલીરુબિન માટે રૂ. ૧૨૦, ટોટલ પ્રોટીન માટે રૂ. ૧૨૦, ડી ડાઈમરના રૂ. ૬૫૦, ફેરિટીનના રૂ. ૪૦૦, બ્લડ સુગરના રૂ. ૫૦, યુરિન સુગરના રૂ. ૭૦ અને એસ. યુરિયાના રૂ. ૧૨૦ના મહત્તમ દરો લઈ શકાશે. આ દર કરતા વધુ ચાર્જ લઈ શકશે નહી. આ ઉપરાંત આ દરોમાં ઈમરજન્સી ચાર્જ પ્રકાર ના અન્ય કોઈ ચાર્જ લગાડી શકાશે નહીં. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આ નિયંત્રણ કે તેની કોઈ પણ જોગવાઈનો ભંગ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ અંતર્ગત કસૂરવાર ગણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here