છોટાઉદેપુર : પાનવડ ખાતે તા. ૧૯મી, માર્ચના રોજ યોજાશે સુજલામ સુફલામ જળ અભિયાન શુભારંભ કાર્યક્રમ…

છોટાઉદેપુર, આરીફ પઠાણ :-

આગામી તા. ૧૯મી, માર્ચના રોજ પાનવડ ખાતે સવારે ૯:૩૦ કલાકે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી સુશ્રી. નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવશે.
રાજયની જળ સંગ્રહશક્તિમાં વધારો થાય, ભૂગર્ભ જળ ઉંચું આવે, સિંચાઇની સુવિધા સુદ્રઢ એ માટે સરકાર દ્વારા સુજલામ સુફલામ દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત સમગ્ર રાજયમાં તા. ૧૯મી, માર્ચથી સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવનાર છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ કવાંટ તાલુકાના પાનવડ ખાતેથી જિલ્લાના પ્રભારી મંત્રીના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે.
વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં પણ જળસંચયનો વ્યાપ વધે એ માટે જિલ્લા વહીવટીતંત્રના અલગ અલગ વિભાગો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ અંતર્ગત ઘડી કાઢવામાં આવેલા આયોજન મુજબ જળસંપત્તિ વિભાગ દ્વારા રૂા. ૧૪૪.૯૯ લાખના ખર્ચે જળસંચયના ૨૦ કામો હાથ ધરવામાં આવશે જેનાથી ૧૧.૨૬ લાખ ઘનફુટ પાણીની સંગ્રહશક્તિમાં વધારો થશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત રૂા. ૪૮૭.૨૯ લાખના ૧૭૫ જળસંચયના કામો હાથ ધરવામાં આવશે. જેનાથી ૧૦.૩૯ લાખ ઘનફુટ પાણીની સંગ્રહશક્તિ વધશે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રૂા. ૫૫.૮૨ લાખના ખર્ચે ૫૪ જળસંચયના કામો હાથ ધરવામાં આવશે. જેાથી ૦.૩૧ લાખ ઘનફુટ સંગ્રહશક્તિ વધશે. વોટરશેડ અંતર્ગત રૂા. ૩૮.૦૮ લાખના ખર્ચે ૩૭ જળસંચયના કામો હાથ ધરવામાં આવશે જેનાથી ૦.૬૫ લાખ ઘનફુટ સંગ્રહશક્તિમાં વધારો થશે. નગરપાલિકા દ્વારા રૂા. ૨૫ લાખના ખર્ચે જળસંચયના ૦૯ કામો હાથ ધરવામાં આવશે. આમ, છોટાઉદેપુર જિલ્લામાં રૂા. ૭૫૧.૧૮ લાખના ખર્ચે જળસંચયના ૨૯૫ કામો કરવામાં આવશે જેનાથી ૨૨.૬૨ લાખ ઘનફુટ પાણીની સંગ્રહક્ષમતામાં વધારો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here