ગોધરા શહેરના બી.વી.ગાંધી પેટ્રોલ પંપથી ગાંધી ચોક સુધીના જાહેર રસ્તા ઉપર વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ડ્રાઇવ યોજાઈ

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

તા.૧૧/૦૩/૨૦૨૪ના રોજ બપોરના ૧૬-૦૦ કલાકથી ૧૮-૩૦ વાગ્યા દરમ્યાન કલેકટરશ્રી પંચમહાલ ગોધરાના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટરશ્રી ગોધરા પ્રાંત,ગોધરાની અધ્યક્ષતામાં ગોધરા શહેર ખાતે આવેલ બી.વી.ગાંધી પેટ્રોલ પંપથી ગાંધી ચોક સુધીના ગેરકાયદેસર દબાણ હટાવવા અંગે તથા ટ્રાફીક અંગે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે ડ્રાઈવમાં મહેસુલ વિભાગ,પોલીસ વિભાગ, ટ્રાફીક વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ગોધરા નગરપાલીકા, આર.ટી.ઓ.,એમ.જી.વી.સી.એલ., ફોરેસ્ટ,બીએસએનએલ વગેરે વિભાગો દ્વારા સંયુકત કામગીરી હાથ ધરાઈ હતી.

સદર ડ્રાઈવમાં જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ ૩૫ (પાંત્રીસ) જેટલા ઓટલાઓ, શેડ કે અન્ય રીતે કરેલ દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગોધરા શહેર ટ્રાફીક દ્વારા નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ ૧૫ (પંદર) જેટલા વાહનોને ટોઈંગ કરી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સદર ડ્રાઈવ દરમ્યાન લોકોને જાહેર રસ્તાને અવરોધ થાય તે રીતે વાહન પાર્કિંગ કે દબાણ ન કરવા સમજુત કરાયા હતા. આ સાથે આવનાર સમયમાં આ પ્રકારની ટ્રાફીક ડ્રાઈવ વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે યોજી, કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ અને ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવતે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here