ગોધરા નગરની લારા હોસ્પિટલ વિરૂધ્ધ ભયંકર આક્ષેપો સાથે શહેરાના સભ્ય નાગરિકોએ જિલ્લા કલેકટરાય ખાતે આવેદનપત્ર આપ્યું…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

પ્રસુતાને જે રૂમમાં દાખલ કરવામાં આવી હતી એ વિભાગના CCTV ફૂટેજની તપાસ થાય તો સમગ્ર વિવાદનો અંત આવી જાય…

મૃત બાળકના લેબોરેટરી પરીક્ષણ માટે સેમ્પલ લેવા આવેલ લેબ કર્મચારી DMLT BMLT નો અભ્યાસ કરેલ હતા કે નહીં એ બાબતની પણ તપાસ થવી જોઈએ : રજુઆત કર્તા

દર્દીની ચેકઅપ ફાઈલમાં તા-૦૭/૦૯/૨૦૨૨ ના રોજની વિગત પર કયા કારણોસર પટ્ટી લગાવી વિગત છુપાવવામાં આવી હશે..!!? : રજુઆત કર્તા

કોરોનાના કાળા કહેર પછીથી સમગ્ર વિશ્વ સહિત ભારતભરમાં તબીબી સેવાને જીવંત ભગવાનની ખ્યાતિ મળી રહી છે, અને હાલ સોશિયલ મીડિયામાં બેંગલુરુના એક સર્જન ડો. નંદ કુમાર વિશે શબ્દોથી શણગારેલા માન સન્માનની વણઝાર વરસી રહી છે, બેંગલુરુમાં એક સર્જન ડો.નંદકુમારે પોતાનાં પેશન્ટને બચાવવા માટે ટ્રાફિકમાં ફસાયેલી પોતાની કાર છોડીને ત્રણ કિમી સુધીની દોડ લગાવી હતી. તેમણે પોતાના કર્મ અને ધર્મનું પાલન કર્યું હતું જેના કારણે તેઓની ઉમદા સેવાના સોશ્યલ મીડિયામાં વખાણ થઈ રહ્યા છે… જ્યારે પ્રવર્તમાન સમયમાં ગોધરા નગરના એક ખ્યાતનામ તબીબ ઉપર બેદરકારીના આક્ષેપો લાગી રહ્યા છે…

મળતી વિગતો મુજબ ગતરોજ શહેરા નગરથી આવેલા આશરે ૧૦૦ થી ૧૫૦ વ્યક્તિઓએ પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, શહેરા નગર ખાતે રહેતા આકીબ ઇદરિસ લડબડ નામના રહીશની સગર્ભા પત્ની સેહજાનાને ગર્ભ ધારણ થયેના પ્રથમ મહિનાથી લારા હોસ્પિટલ ખાતે દવા સારવાર ચાલતી હતી, માટે તેઓ રૂટિંગ ચેકઅપ કરાવવા તા-૦૭/૦૯/૨૦૨૨ ના રોજ લારા હોસ્પિટલ ખાતે આવ્યા હતા, તે સમયે લારા હોસ્પિટલના સર્વે સર્વા એવા ડો. સુજાત વલી હાજર નહતા જેથી અન્ય હાજર તબીબે સેહજાનાનું ચેકઅપ કરી બે દિવસ પછી એટલે કે ૦૯ તારીખે ફરીથી આવવા જણાવ્યું હતું.. જેથી આકીબ લડબડ તા-૦૯/૦૯/૨૦૨૨ ના રોજ તેઓની સગર્ભા પત્નીને પ્રસવ પીડા થતા સવારના ૧૦:૩૦ કલાકે લારા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, તે સમયે ડો. સુજાત વલીએ તેઓની તપાસ કરી ડો. ચિરાગ મુનિયા પાસે સોનોગ્રાફી માટે મોકલી આપ્યા હતા.. ત્યાર બાદ તેઓ બપોરે આશરે ૦૨:૩૦ કલાકે લારા હોસ્પિટલે પરત આવ્યા હતા ત્યારે સગર્ભાને હોસ્પિટલના બીજા માળે ડિલક્ષ-૦૧ નંબરના રૂમમાં દાખલ કરવામાં આવી હતી, ત્યાર બાદ આશરે ૨૦ થી ૨૫ મિનિટ પછી અચાનક સગર્ભાને વધુ પીડા થતા તેની સાથેની મહિલાઓ દ્વારા હાજર નર્સ સ્ટાફને જાણ કરવામાં આવી હતી, ત્યારે હાજર સ્ટાફે “ડોકટર સાહેબ” આવે છે એવો જવાબ આપ્યો હતો.. અને થોડી વારમા જ સગર્ભએ બુમો પાડતા પાડતા પોતાના પગ પહોળા કરી દીધા હતા જેથી તેણીની સાથેની મહિલાઓએ સાગર્ભની સલવાર ઉતારી જોયું તો તે સમયે સગર્ભાને પથારી પર જ પ્રસુતિ થઈ ગઈ હતી.. અને બાળકને જન્મ આપી દીધો હતો.. સેહજાનાના સ્વજનોના જણાવ્યા મુજબ જ્યારે સગર્ભાને ખુબજ પ્રસવ પીડા થઈ રહી હતી તેમજ જ્યારે તેણીને પ્રસુતિ થઈ હતી તે સમયે એ રૂમમાં કોઈ પણ જવાબદાર તબીબ કે નર્સ હાજર નહતા.. અને જ્યારે પ્રસુતિ થઈ ત્યારે હાજર મહિલાઓએ દોડી જઈને નર્સને બોલાવી હતી.. અને ત્યાર બાદ નર્સોએ આવી પ્રસુતાને લેબર રૂમમાં લઈ ગયા હતા..

આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ડો.સુજાત વલી આશરે એક કલાક પછી આવ્યા હતા અને તેઓએ પ્રસુતાના સગાઓને જણાવ્યું હતું કે બાળક મૃત અવસ્થામાં જન્મ્યો છે અને જો તમારે બાળકનું ગર્ભમાં મૃત્યુ ક્યાં કારણોસર થયું છે એની વિગત જાણવી હોય.. અને આવનાર સમયમાં સેહજાનાની કોખે તંદુરસ્ત બાળક જન્મે એની તપાસ કરાવવી હોય તો મૃતક બાળકનું લેબોરેટરી પરીક્ષણ કરાવવું પડશે.. જેના માટે બાળકની ચામડી અને લોહી લેબોરેટરીમાં મોકલવું પડશે.. થોડા વિચાર વિમર્શ પછી પ્રસુતાના સ્વજનોએ લેબોરેટરી પરીક્ષણ માટે સહમતી દર્શાવી હતી..
ત્યારબાદ જ્યારે મૃત બાળક પરિવારજનોને સોંપવામાં આવ્યો ત્યારે તેઓએ જોયું કે મૃત બાળકના જમણા હાથની બે આંગળીઓ તથા ડાબા પગનો એક અંગૂઠો કપાયેલ છે તેમજ છાતીના ભાગે ચીરો કરવામાં આવ્યો છે, જેથી આઘાતમાં સરી પડેલા મૃત બાળકના સગાઓએ ડોક્ટર પાસે આ બાબતે ખુલાસો માગ્યો હતો, ત્યારે ડો. સુજાત વલીએ સાયન્ટિફિક ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દર્દીના સગાઓને એ સાયન્ટિફિક બાબતો સમજમાં ના આવતા તેઓએ બાળકના અંગો કોને પૂછીને કાપ્યા હોવાની વાત પકડી રાખી હતી, અને આવેદનમાં જણાવ્યા મુજબ એ ચર્ચા દરમિયાન ડો. સુજાતએ સ્વીકાર્યું હતું કે તેઓએ દર્દીના સ્વજનોને સ્પષ્ટ શબ્દોમાં એવું નહતું કહ્યું કે મૃત બાળકના અંગો કાપવા પડશે… ત્યારે ચર્ચાના અંતે ડોક્ટરે એવું જણાવી દીધું કે તમારે જે કરવું હોય એ કરી લો… જેથી સમગ્ર મામલો પોલીસ મથકે પોહંચ્યો હતો અને ગોધરા એ ડિવિઝન પોલીસે એડી દાખલ કરી મૃત બાળકનું ગોધરા સિવિલ હિસ્પિટલ ખાતે પેનલ પીએમ કરાવ્યું હતું..

ગતરોજ શહેરા નગરના ૧૦૦ થી ૧૫૦ વ્યક્તિઓએ ભેગા મળી સદર બાબત વિશે વધુ તપાસ કરાવવા જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.. અને જણાવ્યું હતું કે બનાવ બન્યો તે દિવસના લારા હોસ્પિટલના બીજા માળના ડિલક્ષ-૦૧ નંબર ના રૂમ સામેના CCTV ફૂટેજ ચેક કરી સગર્ભા દાખલ હતી તે સમયે જવાબદાર ડોકટર હાજર હતા કે નહી એની એક સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરાવે અને મૃત બાળકને ન્યાયના હિતમાં ન્યાય અપાવે… હવે જોવું રહ્યું કે જિલ્લા પ્રશાસન ક્યારે અને કેટલા સમયમાં લારા હિસ્પિટલના વિવાદનો અંત લાવવા તપાસ કમિટીની રચના કરશે… અને સત્ય હકીકતને ઉજાગર કરશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here