ગોધરા ખાતે યોજાનારા આર્મી ભરતી મેળાની પૂર્વતૈયારીઓ અંગે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સંબંધિત વિભાગો પાસેથી આયોજન અને કામગીરીની વિગતો મેળવી

દૈનિક 5 થી 7 હજાર ઉમેદવારોની ગણતરીએ કરાઈ રહેલી તૈયારીઓ

પંચમહાલ જિલ્લામાં ઓગસ્ટ-2021 દરમિયાન ગોધરા ખાતે રાજ્યના 20 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે મેગા લશ્કરી ભરતી મેળો યોજાનાર છે. આ ભરતી મેળાના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા અંગે જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રી મયાત્રાએ આ ભરતી મેળાની પૂર્વ તૈયારીઓ વિશે વિગતવાર માહિતી મેળવતા આયોજનના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. દૈનિક 5 થી 7 હજાર ઉમેદવારો આ ભરતી મેળામાં હિસ્સો લેનાર હોવાથી તેમના રોકાણ, ટ્રાન્સપોર્ટ, શૌચાલય, પીવાના પાણી, રોકાણ, નાસ્તો-જમવાની વ્યવસ્થા, કોવિડ પ્રોટોકલ અંતર્ગત કરવાની થતી સેનેટાઈઝેશન, મેડિકલ સ્ક્રિનીંગ તેમજ ઉમેદવારોને પ્રવેશ, રજિસ્ટ્રેશન, બારકોડિંગ, રનિંગ, ફિટનેસ ટેસ્ટ, ડોક્યુમેન્ટસ ચેકિંગ સહિતની પ્રક્રિયા માટે ઉભા કરવાના થતા હંગામી ઈન્ફ્રાસ્ટ્રકચરના આયોજન વિશે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી. મોટી સંખ્યામાં દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં ઉમેદવારો આવવાના હોવાથી તેમના આગમનથી શરૂ કરી દરેક તબક્કે કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે અંગે કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. કોવિડ-19 સંક્રમણ વિષયક સલામતીના પગલાઓને વિશેષરૂપે ધ્યાને રાખી તે અનુસાર તમામ આયોજન કરવા જિલ્લા સમાહર્તાશ્રીએ તાકીદ કરી હતી. આર્મી રિક્રૂટિંગ ઓફિસના કર્નલ ચેરિયને ઉપસ્થિત અધિકારીઓને ભરતી મેળાની સમગ્ર પ્રક્રિયા તબક્કાવાર રીતે સમજાવતા દરેક તબક્કે કરવાની થતી વ્યવસ્થા અંગે વિગતવાર સમજણ આપી હતી. કર્નલશ્રી સાથે સમગ્ર આયોજનમાં સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓએ ભરતી મેળાના સ્થળ, સ્પોર્ટસ કોમ્પલેક્ષની મુલાકાત લઈ આયોજનમાં વિવિધ ફેરફારો અંગે ચર્ચા કરી હતી. કર્નલ ચેરિયને દરેક વિભાગના અધિકારીશ્રી સાથે તેમના વિભાગ સંબંધિત તૈયારીઓ અને પડી શકતી સંભવિત મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ. ડી. ચુડાસમા, એસડીએમ ગોધરાસુશ્રી એન.બી.રાજપુત, આર એન્ડ બીના કાર્યપાલક ઈજનેરશ્રી એન.સી.ભટ્ટ, રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તા. 05.08.2021 થી તા.22.08.2021 દરમિયાન વિવિધ ટ્રેડ માટે આર્મીનો આ ભરતી મેળો યોજાનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here