ગોધરા અને કાલોલ તાલુકામાં દિવાળી દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણના લાયસન્સ માટે ૧૫મી સપ્ટેમ્બર,૨૦૨૦ સુધી અરજી કરી શકાશે

ગોધરા,(પંચમહાલ)
ઈશહાક રાંટા

પ્રાંત અધિકારીશ્રી, ગોધરાના જણાવ્યા અનુસાર ગોધરા અને કાલોલ તાલુકામાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણનો પરવાનો મેળવવા માંગતા અરજદારોએ ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી અરજી કરવાની રહેશે. નિયત નમૂનાના અરજી ફોર્મ (એ.ઈ.-૫)માં જરૂરી વિગતો ભરી પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે ત્રણ નકલોમાં રજૂ કરવાની રહેશે. ફોર્મમાં સંપૂર્ણ વિગતો તથા અરજી ફોર્મ ઉપર રૂ. ૩/-ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી વહીવટી સેવાઓ અને દારૂખાનું રાખવાનો પરવાનો મંજૂર કરવાની અરજીની તપાસણી માટે રૂ.૩૦૦/-ની ફી તેમજ રૂ.૬૦૦/- પરવાના ફી મળીને કુલ રૂ.૯૦૦/- જમા કરાવી તેનું અસલ ચલણ, સદર સ્થળની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલપંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો ધરાવતો સૂચિત સ્થળનો મંજૂર નકશો, પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલ પાસપોર્ટ સાઈઝના ૦૨ ફોટા તથા આ.ઈ.ડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ, માંગણીવાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા/ અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા-પાવતી તેમજ માલિકા દ્વારા સદર જગ્યાએ હંગામી ફટાકડા વેચાણ-સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતું એફિડેવિટ, નગરપાલિકા/ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ ના વાંધા પ્રમાણપત્ર, ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર, સ્થાનિક સંસ્થા પાસે કોઈપણ પ્રકારની સરકારી વસૂલાત બાકી ન હોવા બાબતનું પ્રમાણપત્ર, ગત વર્ષે ફટાકડા વેચાણ-સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વ-પ્રમાણિત કરેલ નકલ સહિતના આધાર-પુરાવાઓ સામેલ કરવાના રહેશે. ૧૫/૦૯/૨૦૨૦ બાદ મળેલ અરજીઓ તથા અધૂરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેની નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here