ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા ગોધરા શહેરમાં આવેલી વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીનું કર્યું લોકાર્પણ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :;

પોલીસ મુખ્યમથક ગોધરા ખાતે આયોજિત આપકે દ્વાર આયુષ્યમાન અંતર્ગત લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજનાના કાર્ડનું કરાયું વિતરણ

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકો માટે આશીર્વાદ સમાન,બાર લાખ પરિવારોને મળ્યો લાભ – ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી

આજ રોજ ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આવેલ ગોધરા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકની કચેરી,મહિલા પોલીસ સ્ટેશન અને વાયરલેસ વર્કશોપનું રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોધરા શહેરના જિલ્લા પોલીસ મુખ્યમથકના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આપકે દ્વાર આયુષ્યમાન અને નિરામય કેમ્પમાં ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી, આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજનાના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડની સાથે સાથે ૧૨ લાખ પરિવારોને કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે, આયુષ્ય યોજનાના કાર્ડ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન બન્યા છે. રાજ્યમાં કોરોના કાળ દરમ્યાન રાજ્યની પોલીસે ચોવીસ કલાક ખડેપગે રહીને લોકોને સુરક્ષા પૂરી પાડી છે, આરોગ્ય વિભાગની સાથે સાથે પોલીસ વિભાગે પણ કોરોનાકાળ દરમ્યાન મહેનત કરી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પંચમહાલ પોલીસ દ્વારા જિલ્લાના નવ જેટલા કુખ્યાત આરોપીઓને પાસામાં ધકેલીને નોંધપાત્ર કામગીરી કરી છે.પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વિભાગ દ્વારા પણ મોટા ગુનાઓના ભેદ ઉકેલીને પ્રસંશનીય કામગીરી કરવામાં કરવામાં આવી છે.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ અને શ્રી જયદ્રસિંહ પરમાર, જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ સહિત જિલ્લાના આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here