ગુજરાત અને પંચમહાલ જિલ્લાનું ગૌરવ,પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસાના રહેવાસી અને ભારતીય સેનામાં નાયબ સુબેદારશ્રી સંજયકુમાર શોર્ય ચક્રથી સન્માનિત

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

શૌર્ય ચક્ર વિજેતા ભારતીય સેનામાં નાયબ સુબેદારશ્રી સંજયકુમાર બારીયાને પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારે મળીને અભિનંદન પાઠવ્યા

નાબય સુબેદાર સંજયકુમાર અને તેઓની ટુકડી દ્વારા જમ્મુ કાશ્મીરના કુપવાડા ખાતે સતત ૧૨ દિવસ ચાલેલા સૈન્ય ઓપરેશન મુઠભેડમાં આતંકવાદીઓનો સફાયો કર્યો હતો

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૮૦ સૈનિકોને વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવન તરફથી જે ૮૦ સૈનિકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, તેમાંથી ૬ વીર જવાનોને કીર્તિ ચક્ર તથા ૧૬ બહાદુર જવાનોને શૌર્ય ચક્ર આપવામાં આવ્યા છે. ૫૩ જવાનોને સેના મેડલ એનાયત કરવામાં આવ્યો છે. એક સૈનિકને નેવી મેડલ અને ૪ એરફોર્સ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

વાત કરીએ શૌર્ય ચક્રની તો આ પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઉચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન કીર્તિ ચક્ર પુરસ્કાર પછીના સૌથી ઉચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.

ચાલુ વર્ષે શોર્ય ચક્ર મેળવનાર એક ગુજરાતી જવાન કે જેઓ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસાના રહેવાસી છે અને હાલ ભારતીય સેનાની ૨૧ મહાર રેજીમેન્ટમાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવે છે. આ નાબય સુબેદાર બારીયા સંજયકુમાર ભમરસિંહ દ્વારા જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટર ખાતે સેનાની ગુપ્ત માહિતીના આધારે તેઓની ટુકડી દ્વારા આતંકવાદીઓની ગતિવિધિ રોકવા સતત ૧૨ દિવસ ચાલેલા સૈન્ય ઓપરેશનમાં આતંકવાદી સાથેની સીધી મુઠભેડમાં આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો.નાયબ સુબેદાર બારીયા સંજયકુમાર ભમરસિંહના આ અદમ્ય સાહસ અને શૌર્યના કારણે તા. ૨૬/૦૧/૨૦૨૪ના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે તેઓને શૌર્ય ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

દેશ અને પંચમહાલ જિલ્લાના ગૌરવ સમાન ભારતીય સેનામાં ફરજ બજાવતા નાયબ સુબેદાર સંજય કુમાર બારીયાને પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર તથા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીએ તેમને રુબરુ મળીને અદમ્ય સાહસ અને ગૌરવ બદલ દેશનું અને જિલ્લાનું ગૌરવ વધારવા બદલ જિલ્લા વહીવટી તંત્ર તરફથી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here