ગુજરાતમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને કરમુક્ત જાહેર કરવાનો રાજય સરકારનો મહત્વનો નિર્ણય

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કાશ્મીરી પંડિતોના સ્થળાંતરની પૃષ્ઠભૂ પર તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને રાજ્યમાં કરમુક્ત જાહેર કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સિનેમાગૃહો દ્વારા ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રવિવારે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની વ્યથા અને પીડા પર આધારિત છે. ૧૯૯૦ ના દાયકામાં હજારો કાશ્મીરી પંડિતોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. તેમની વેદના આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો છે. જે મુજબ તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૩/૦૬/૨૦૨૨ સુધી (આ બંને દિવસો સહિત) આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGST ની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
આ માટે સિનેમાધારકે આ ફિલ્મ કરમુક્ત છે તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે તેમજ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGST ના વળતર માટે ગાંધીનગર માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ રજૂ કરીને ક્લેઈમ કરી શકાશે.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here