ગુજરાતના ઍક માત્ર હીલ સ્ટેશન સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બનાવવાની દિશામાં સરકારનું આયોજન

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધી રૂ. ૨૧૯ કરોડથી વધુના ખર્ચે ૯૫ કિ.મી લંબાઈનો રસ્તો બનાવાશે

નવો માર્ગ બનવાથી સમય અને ઈંધણની બચત થશે તેમજ ટ્રાફિકનું ભારણ ઘટશે રોજગારીની નવી તકોનું પણ નિર્માણ થશે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે દેશવિદેશના લાખો સહેલાણીઓ અને મુલાકાતીઓ આવી રહ્યા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના મહત્ત્વના હિલ સ્ટેશન એવા સાપુતારાની મુલાકાત લેનારા પર્યટકોની સંખ્યા ખૂબ મોટી છે. ત્યારે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે આ બંને મહત્ત્વના પ્રવાસન સ્થળોને જોડતા ૯૫ કિલોમીટર લંબાઇના માર્ગના નિર્માણ માટે પ્રથમ તબક્કામાં રૂ. ૨૧૯.૧૭ કરોડના રસ્તાનાં કામો મંજૂર કરવામાં આવ્યાની વિગતો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. આ રસ્તાના નિર્માણથી સમય અને ઈંધણની બચત થવાની સાથે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રોજગારીનું પણ નિર્માણ થશે.

હાલ ૧૫મી ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાના કામ અંગે લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે મુજબ પ્રથમ તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ૯૫ કિલોમીટર લંબાઇના માર્ગ માટે રૂ. ૨૧૯.૧૭ કરોડના રસ્તાનાં કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તો બનવાથી સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સીધું જોડાણ થશે. જેના કારણે સમય અને ઈંધણની બચત થશે તેમજ ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. આ ઉપરાંત, આ રસ્તાઓ સાથે સંકળાયેલા પૂર્વ પટ્ટીના સરહદીય વિસ્તારનાં શહેરો, ગામડાઓ તથા પ્રવાસન સ્થળોનો વધુ વિકાસ થશે. આ રસ્તાના નિર્માણથી સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થશે તેમ ઉમેરવામાં આવ્યું હતું.

રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશવિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વની સૌથી ઊેચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગુજરાતમાં નિર્માણથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. બીજી તરફ, સ્ટેચ્યુ ઑફ યુનિટીની નજીક ગુજરાતનું મહત્ત્વનું હિલસ્ટેશન સાપુતારા પણ આવેલું છે. ત્યારે રાજ્યના આ પૂર્વ પટ્ટીના વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજનરૂપે પ્રવાસીઓની પરિવહન સુવિધામાં વધારો કરવા આ બંને પ્રવાસન સ્થળને જોડતા ૯૫ કિ.મી.ના રસ્તાનાં કામોને મંજૂર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here