કોવિડ વિજય રથ દ્વારા પંચમહાલ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતતા અભિયાનની શરૂઆત

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પ્રદર્શન તેમજ કલાના માધ્યમથી જિલ્લાવાસીઓમાં માહિતી પ્રસાર કરાશે

માસ્ક, આયુર્વેદિક અને હોમિયોપેથીક ઔષધીઓનું વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે વિતરણ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજનલ આઉટરીચ બ્યુરો દ્વારા ૭ સપ્ટેમ્બરથી રાજ્યભરમાં શરૂ થયેલ કોવિડ-૧૯ જાગરૂકતા અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય તેમજ યુનિસેફના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ કૉવિડ-૧૯ જાગૃતિ વિજયરથને આજે ગોધરા શહેરમાંથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને આ રથ દ્વારા કોરોના વાયરસ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. ભારતમાં દિન પ્રતિદિન કોરોના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, બીજી તરફ રાજ્યમાં નોંધાતા મોટાભાગના કોરોના કેસ જાગૃતિના અભાવે એકબીજાના સંપર્કમાં આવવાથી વધી રહ્યા છે, લોકોમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ આવે અને કોરોના સંક્રમણના ઘટાડો થાય તે માટે યુનિસેફ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે રાજ્યના કૉવિડ વિજયરથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં ફરી રહેલા વિજયરથનું પંચમહાલ જિલ્લામાં આગમન થયું હતું. આજે ગોધરા શહેરના ગાંધીચોક ખાતેથી જિલ્લા વરિષ્ઠ પત્રકાર અજયભાઈ પંચાલ દ્વારા લીલીઝંડી આપી આ કોરોના વિજયરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ અંતર્ગત કોરોના અંગેનું લોકગીત પણ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું, તદ્પરાંત શહેરીજનોને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, આગામી દિવસો દરમ્યાન આ કૉવિડ-૧૯ વિજયરથ પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને નોવેલ કોરોના વાયરસ અંગે સતર્કતાના ભાગરૂપે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરશે, અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૨૮૧ કોરોના કેસ નોંધાયા છે, જે પૈકી ૪૭૫ જેટલા કોરોના કેસ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવ્યા છે, ત્યારે આ વિજયરથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ અટકાવવામાં મદદરૂપ થશે.
કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવા રાજ્યમાં વર્તમાનમાં કોવિડ વિજય રથ ભ્રમણ કરી રહ્યા છે. રથ પર સવાર કલાકારો કોવિડ માર્ગદર્શિકાના યોગ્ય પાલન સાથે તેમજ સામાજિક અંતર જાળવી પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક વગેરે દ્વારા સ્થાનિકો સુધી આ તમામ માહિતી પહોંચાડી રહ્યા છે. આ રથ દૂર સુદુરના ગામોમાં ફરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here