કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ બન્યો:નારિયેળથી થતી ગંદકી અટકી:મા કાલિકાનું મંદિર વધુ સ્વચ્છ બન્યું

હાલોલ, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

કોકોપીટના ઉપયોગથી આગ લાગવાના આકસ્મિક બનાવો અટકશે તેમજ પર્યાવરણનું પણ જતન અને સંવર્ધન થશે

આપણાં દેશમાં અસંખ્ય મંદિરો આવેલાં છે,જેમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા જાય છે.શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે, દેવ અને ગુરુ પાસે ખાલી હાથે ના જવાય. શ્રીફળ વગર કોઇ વ્યક્તિ દેવ કે દેવી પાસે જતી હોતી નથી. શ્રીફળ એટલે કે નારિયેળ દરેક મંદિરમાં વપરાતું ફળ છે.નારિયેળ વગર કોઇ દેવ કે દેવીની પૂજા શક્ય નથી.એક શ્રીફળ માત્ર ચઢાવવાથી કે વધેરવાથી દેવ –દેવી પ્રસન્ન થઇ જાય, એવી શ્રદ્ધા અને માન્યતા વર્ષોથી ચાલી આવે છે.

ગુજરાતમાં અનેક મોટાં મંદિરો આવેલા છે જેવા કે, અંબાજી,પાવાગઢ,પાલિતાણા,બહુચરાજી,ગિરનાર,સોમનાથ,દ્વારકા,ડાકોર,શામળાજી વગેરેમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ દર્શન કરવા જાય છે.લોકો પોતાના ઈષ્ટ દેવ-દેવીને શ્રીફળ એટલે કે નારિયળ અર્પણ કરતાં હોય છે.

લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય એટલે દેવ કે દેવીને અર્પણ કરાયેલાં શ્રીફળની સંખ્યા પણ વધુ હોય એ સ્વાભાવિક છે.

ગુજરાતનાં પાવાગઢ ખાતે મા કાલિકાનાં દર્શને દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે,જાહેર રજાના દિવસોમાં આ સંખ્યા લાખોમાં હોય છે.અહીં શ્રીફળ પણ હજારોની સંખ્યામાં મહાકાળી માતાને અર્પણ કરાય છે.અહીં રોજ આવતા હજારો શ્રીફળ અને તેના છોતરાંના લીધે મંદિર પરિસર તેમજ પાવાગઢનાં પર્વત ઉપર ઘણી ગંદકી થતી હતી. દુકાનદારો દ્વારા નારિયેળનાં છોતરાં સળગાવવાથી કાર્બન ડાયોક્સાઈડ તેમજ ક્યારેક વધુ પડતા પવનના લીધે પાવાગઢ પર્વતનાં જંગલોમાં દવ એટલે કે આગ લાગવાના બનાવો બનતા હોય છે જેનાથી પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થતું હોય છે.

આ બધા કારણોના ઉકેલ માટે પાવાગઢ મા કાલિકા મંદિરના ટ્રસ્ટીઓ અને વન વિભાગ વચ્ચે મનોમંથન અને એક ચિંતન બેઠક યોજાઈ. આ મનોમંથન અને ચિંતનમાં, મા મહાકાળીના આશીર્વાદ હોય એમ એક નવા વિચારને અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો.

આ વિચાર હતો કોકોપીટનો(નારિયેળનાં છોતરાંમાંથી સેંદ્રીય ખાતર બનાવવાનો) અને તેના ઉપયોગનો.કોકોપીટનો ઉપયોગ નર્સરીમાં છોડ ઉછેર કરવા માટે કરાય છે.

પાવાગઢના બોડા ડુંગરને વૃક્ષાચ્છાદિત કરવાં અને વૃક્ષોનો ઉછેર કરવાં અને આ નવા વિચારના અમલ માટે પાવાગઢના મા કાલિકા મંદિરના ટ્રસ્ટીઓએ ગત ઓગસ્ટ-૨૦૨૨માં છતરડીવાવની વન વિકાસ સહભાગી મંડળીને હપતે હપતે ફંડ ચૂકવવાનું શરુ કર્યુ.પાવાગઢના મા કાલિકા મંદિરના ટ્રસ્ટીશ્રી સુરેન્દ્રભાઈ અને જિલ્લા વન અધિકારીશ્રી મોરારીલાલ મીના તેમજ હાલોલના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી સતીશ બારિયાએ આ આખી યોજનાને અમલમાં મૂકવા કોકોપીટનો નવો અભિગમ અપનાવ્યો અને તેનું શ્રેષ્ઠ રીઝલ્ટ પણ મેળવ્યું.

અત્યાર સુધી પાવાગઢના મા કાલિકા મંદિરમાં અર્પણ કરાયેલાં નારિયેળનાં છોતરાંનો કોઇ ઉપયોગ થતો ન હતો. ગુજરાતમાં પાવાગઢ એક એવું મંદિર છે,જ્યાં કોકોપીટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.અહીં શ્રીફળ વધેરવાનું મશીન મૂકવામાં આવ્યું છે.

કોકોપીટના ઉપયોગથી છોડ ઉછેરવામાં આવે તો તેની ભેજ સંગ્રહશક્તિમાં વધારો થાય છે. કોકોપીટ વજનમાં હલકું હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘટે છે તથા સહેલાઇથી છોડની હેરફેર પણ થઈ શકે છે.મા કાલિકાનું મંદિર હોવાથી અહીં રૉ મટીરિયલ સારા પ્રમાણમાં મળી રહે છે. કોકોપીટના ઉપયોગથી ઓછા ખર્ચે છોડ ઝડપથી ઉછરીને વિકાસ પામે છે.

મંદિરે આપેલા બજેટમાંથી વન વિભાગે કોકોપીટ બનાવવાની કામગીરી શરુ કરીને નવલખી કોઠાર વિસ્તારમાં ૧૦ હેક્ટર જમીનમાં વડ,પીપળ,જાંબુ,પારિજાત,કરમદાં,સીસમ,પાણીકણજી,કણજ,આમળાં ઉમરો,ગુંદા તેમજ અલગ અલગ ૨૮થી ૩૦ જાતનાં- ૪૨,૦૦૦ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું. પાવાગઢ તળેટીમાં ૨૦ હેક્ટર જમીનમાં ૩૨,૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યાં છે.એટલું જ નહીં, આ બજેટમાંથી ચાંપાનેર તળેટીથી પાવાગઢના માચી સુધી રોડની બંને સાઇડ થીમ બેઝ વાવેતર હેઠળ પાનાગારુ,કચનાર,ગરમાળો,ગુલમહોર,તબુબિયાં જેવાં સુશોભિત ૨૫૦૦ રોપા અને વૃક્ષોનું વાવેતર પણ કરાયું છે.

નવલખી કોઠાર પાસે વૃક્ષોને ભેજ અને પાણી મળી રહે તે માટે પાવાગઢ હિલ ઉપર બે લાખ ક્યુસેક લિટર સંગ્રહશક્તિ ધરાવતા એક તળાવનું નિર્માણ કરાયું છે.આ તળાવના લીધે માર્ચના અંત સુધી વૃક્ષોને ભેજ મળી રહે છે. નવલખી કોઠારની સામેના ભાગે અને પાવાગઢ હિલ ઉપર ૧૦ હેક્ટરમાં છોડવે-છોડવે પાણી મળી રહે એ માટે ડ્રીપ ઇરિગેશન પણ કરાયું છે.

હાલોલના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી સતીશ બારિયાએ જણાવ્યું હતું કે,કોકોપીટ(નારિયેળનાં છોતરાંમાંથી સેંદ્રીય ખાતર) બનાવવા માટે માચી ખાતે એક મશીન મૂકવામાં આવ્યું છે.જેમાં મોટાં છોતરાં નાના બારીક કરાય છે.હવે નાંનાં છોતરાંમાંથી બીજું મશીન બારીક ભૂકો તૈયાર કરે છે જેને કોકોપીટ કહેવાય છે. અહીં કોકોપીટનું કામ શરૂ થવાથી ૮થી ૧૦ પરિવારો રોજગારી મેળવી રહ્યા છે.જેમને કામ પ્રમાણે મહેનતાણું પણ ચૂકવાય છે.રોજનું અહીં ૧૫થી ૨૦ કિલો કોકોપીટ તૈયાર થાય છે.

કોકોપીટનો ઉપયોગ હાલમાં પંચમહાલ જિલ્લાની વિવિધ નર્સરીમાં કરાઇ રહ્યો છે.જિલ્લા વન અધિકારીશ્રી મોરારીલાલ મીના (ડીસીએફ)એ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભદ્રકાળી મંદિરની આજુબાજુ દસ હેકટરમાં જમીનમાં ૧૧,૧૧૧ રોપા અને ટ્રસ્ટ તરફથી બનાવાઇ રહેલા ભોજનાલયની સામેની બાજુએ ૫ હેક્ટર જમીનમાં ૪૪૪૪ રોપા ઉછેરાશે.જયાં માણસ કામ ન કરી શકે તેવી પર્વતીય જગ્યાઓ પર હાલોલ રેન્જ વન વિભાગ દ્વારા સીડબોલ થકી બીજનું વિતરણ કરાય છે.અહીં ડુંગરની આજુબાજુ સીડ સોઇંગ એટલે કે બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરીને વૃક્ષો ઉછેરવાની કામગીરી પણ કરવામાં આવશે.ભવિષ્યમાં કોકોપીટના વેચાણ માટે કેન્દ્ર પણ બનાવવામાં આવશે,જેથી યાત્રાળુઓ પોતાના ઘરના છોડ માટે એનો ઉપયોગ ખાતર તરીકે પણ કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here